PM Narendra Modi Fitness : પીએમ નરેન્દ્ર મોદીની ઉંમર 74 વર્ષ છે અને આ ઉંમરે પણ તેઓ ખૂબ જ ફિટ અને સ્વસ્થ જીવન જીવે છે. પીએમ મોદી ઘણીવાર હેલ્ધી અને ફિટ કેવી રીતે રહેવું તેની ટિપ્સ આપે છે. ફરી એકવાર પીએમ મોદીએ પોતાના જીવન વિશે વાત કરી અને પોતાની ફિટનેસ એટલે કે દિનચર્યાનું રહસ્ય જણાવ્યું છે. અમેરિકાના જાણીતા પોડકાસ્ટર લેક્સ ફીડમેને પીએમ મોદી સાથે પોડકાસ્ટ કર્યું હતું. આ પોડકાસ્ટમાં પીએમ મોદીએ પોતાની ફિટનેસનું રહસ્ય જણાવ્યું છે.
પીએમ મોદીએ સમજાવ્યા ઉપવાસના ફાયદા
આ પોડકાસ્ટમાં ઉપવાસની પણ ચર્ચા થઇ હતી, કારણ કે અમેરિકન પોડકાસ્ટર લેક્સ ફીડમેને પીએમ મોદી સાથે પોડકાસ્ટ કરતા પહેલા બે દિવસ સુધી ઉપવાસ કર્યા હતા. આ દરમિયાન તેમણે માત્ર પાણી જ લીધું હતું. તેણે કહ્યું કે આ ફાસ્ટ તેણે યોગ્ય માનસિક સ્થિતિમાં આવવા માટે રાખ્યું હતું. ત્યારબાદ પીએમ મોદીએ ઉપવાસ દરમિયાનના તેમના અનુભવો અને તેના આધ્યાત્મિક મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો.
પીએમ મોદીએ કહ્યું કે ઉપવાસ કરવાથી તેમની ઇન્દ્રીયો વધારે એક્ટિવ થાય છે અને તેમની વિચારવાની ક્ષમતામાં વધારો થાય છે. આ સાથે પીએમ મોદીએ ભારતીય ધર્મ અને સંસ્કૃતિમાં ઉપવાસનું મહત્વ પણ સમજાવ્યું હતું. તેમણે કહ્યું કે ઉપવાસ એક પ્રાચીન પ્રથા છે જેણે તેમનું જીવન બદલી નાખ્યું છે. ઉપવાસ દરમિયાન તેમનું મન લીકથી હટીને વિચારવાનું શરૂ કરે છે અને તેમની ઇન્દ્રિયો તેજ થઈ જાય છે. ઉપવાસ તમારી નિરીક્ષણ અને સમજવાની ક્ષમતાને મજબૂત બનાવે છે અને મેં પોતે પણ આનો અનુભવ કર્યો છે.
લેક્સ ફિડમેનના પોડકાસ્ટમાં પીએમ મોદીએ ખુલાસો કર્યો હતો કે ભારતમાં આપણી ધાર્મિક પરંપરાઓ એક જીવન જીવવાની રીત છે. સર્વોચ્ચ અદાલતે હિન્દુ ધર્મની શાનદાર વ્યાખ્યા કરી છે. તેમણે કહ્યું છે કે હિંદુ ધર્મમાં કર્મકાંડ કે પૂજાની રીતોની વાત નથી, પરંતુ તે જીવન જીવવાની રીત છે, એક ફિલોસોફી છે જે જીવનનું માર્ગદર્શન કરે છે અને આપણા શાસ્ત્રોમાં શરીર, આત્મા, મન અને માનવતા વિશે ગહન ચર્ચાઓ કરવામાં આવી છે, જેમાં એક ઉપવાસ પણ સામેલ છે.
ઉપવાસ પહેલા પીએમ મોદી શું કરે છે?
પીએમ મોદીએ કહ્યું કે હું હંમેશાની જેમ કામ કરું છું. કેટલીક વાર હું એનાથી પણ વધારે કામ કરું છું અને બીજી એક રસપ્રદ બાબત જે મેં અનુભવી છે તે એ છે કે જ્યારે મારે મારા વિચારો વ્યક્ત કરવાની જરૂર પડે છે ત્યારે મને આશ્ચર્ય થાય છે કે તે વિચારો ક્યાંથી આવે છે અને કેવા પ્રવાહિત થાય છે. આ ખરેખર એક અવિશ્વસનીય અનુભવ છે. મારા માટે ઉપવાસ એ ભક્તિ છે, મારા માટે ઉપવાસ એ સ્વ-શિસ્ત છે. તેમણે એ વાતનો પણ ખુલાસો કર્યો હતો કે કોઈ પણ ઉપવાસ શરૂ કરતા પહેલા તે શરીરને ડિટોક્સ કરવા અને પોતાના શરીરને તૈયાર કરવા માટે ઘણું પાણી પીવે છે.
આ દરમિયાન પીએમ મોદીએ ચાતુર્માસની પ્રાચીન પરંપરાને પણ વર્ણવી હતી. તેમણે કહ્યું કે ચોમાસાની ઋતુમાં આપણે જાણીએ છીએ કે પાચનક્રિયા ધીમી પડી જાય છે અને તેથી આ ઋતુમાં ભારતમાં ઘણા લોકો 24 કલાકની અંદર માત્ર એક જ ભોજન લેવાની પ્રથાને અનુસરે છે. મારા માટે તે મધ્ય જૂનથી શરૂ થાય છે અને નવેમ્બરની આસપાસ દિવાળી પછી પણ ચાલે છે. લગભગ ચારથી સાડા ચાર મહિના સુધી હું 24 કલાકમાં માત્ર એક જ વાર ખાવાની આ પરંપરાનું પાલન કરું છું. ભારતમાં નવરાત્રીનો તહેવાર આવે છે, જે સામાન્ય રીતે સપ્ટેમ્બર અથવા ઓક્ટોબરમાં આવે છે. આ સમય દરમિયાન, આખો દેશ, શક્તિ, ભક્તિ અને આધ્યાત્મિક શિસ્તના તહેવાર દુર્ગાપૂજાની ઉજવણી કરે છે, જે નવ દિવસ સુધી ચાલે છે.
ઉપવાસ દરમિયાન શું ખાય છે પીએમ મોદી?
પીએમ મોદીએ કહ્યું કે તેઓ ઉપવાસ દરમિયાન ભોજનથી સંપૂર્ણપણે દૂર રહે છે અને માત્ર ગરમ પાણી જ પીવે છે. પીએમ મોદીએ કહ્યું કે ગરમ પાણી પીવું એ હંમેશાં મારી દિનચર્યાનો એક ભાગ રહ્યો છે. ત્યારબાદ માર્ચ અથવા એપ્રિલમાં ચૈત્ર નવરાત્રી આવે છે. આ વર્ષે તે 31 માર્ચની આસપાસ શરૂ થશે. નવ દિવસના આ ઉપવાસ દરમિયાન, હું દિવસમાં એક જ વાર એક ખાસ ફળ ખાઉં છું. આ નવ દિવસ હું માત્ર પપૈયું પસંદ કરું તો તે જ ખાઉ છું અને પૂરા નવ દિવસ સુધી હું બીજી કોઇ વસ્તુને હાથ પણ લગાડતો નથી. આ રીતે હું મારી નવ દિવસની ઉપવાસની દિનચર્યાને અનુસરું છું. તેથી હું આખું વર્ષ અનેક ઉપવાસ રાખું છું અને તે મારા જીવનની એક ઊંડી પરંપરા બની ગઈ છે. કદાચ હું કહી શકું છું કે હું 50- 55 વર્ષથી આ પ્રથાઓનું પાલન કરું છું.





