PM Narendra Modi Oath Taking Ceremony: ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદી આજે સાંજે 7:15 વાગ્યે ત્રીજી વખત ભારતના વડાપ્રધાન પદના શપથ લેશે. પીએમ મોદીની સાથે એનડીએ ગઠબંધનના ઘણા સાંસદો મંત્રી પદના શપથ લેશે. ઘણા લોકોના મનમાં સવાલ ઉઠી રહ્યો છે કે નેતાઓને વડાપ્રધાન, મુખ્યમંત્રી અને મંત્રી પદના શપથ કેમ લેવામાં આવે છે? તેમજ જો કોઈ શપથ તોડવા કે ઉલ્લંઘન કરવામાં આવે તો શું થાય છે? આને લઈને ઘણા પ્રકારના નિયમો છે.
પીએમ કે મંત્રીઓ શા માટે શપથ લે છે?
મીડિયા રિપોર્ટ અનુસાર લોકસભાના પૂર્વ સચિવ એસકે શર્માએ કહ્યું કે સાંસદ, ધારાસભ્યો, પ્રધાનમંત્રી અને મંત્રીઓએ પદ સંભાળતા પહેલા સંવિધાન પ્રત્યે શ્રદ્ધા રાખવાના શપથ લેવા પડે છે. જ્યાં સુધી સાંસદ કે ધારાસભ્ય શપથ ન લે ત્યાં સુધી તેઓ કોઇ પણ સરકારી કામમાં ભાગ લઇ શકતા નથી. આ સિવાય તેમને સદનમાં બોલવાની મંજૂરી મળતી નથી, તેમને સત્તાવાર રીતે સાંસદ માનવામાં આવતા નથી. તેમને લોકો દ્વારા ચૂંટાવાનું પ્રમાણપત્ર મળે છે, પરંતુ તેઓ ગૃહમાં કોઈ મુદ્દો ઉઠાવી શકતા નહીં. કોઈ સેલરી કે સુવિધા પણ મળતી નથી.
કોઈ નેતા શપથ લીધા પછી જ સરકારી કામ અથવા ગૃહની કાર્યવાહીમાં ભાગ લઈ શકે છે. રાષ્ટ્રપતિ, વડા પ્રધાન અને ધારાસભ્યો સરકારી સેવા માટે આ પદની ગરિમા જાળવવા માટે પ્રામાણિકપણે અને નિષ્પક્ષ રીતે કામ કરવાના શપથ લે છે. તે અંગ્રેજી, હિન્દી અથવા કોઈપણ ભારતીય ભાષામાં શપથ લઈ શકે છે. નેતાઓની શપથ દેશની સાર્વભૌમત્વ અને અખંડિતતા જાળવવાની આત્મા છે.
આ પણ વાંચો – Modi Cabinet 2024 : મોદી કેબિનેટ 2024: નરેન્દ્ર મોદી 3.0 સરકારમાં કેબિનેટ મંત્રીઓની ફાઈનલ યાદી!
આર્ટિકલ 75 મુજબ વડાપ્રધાન શપથ લે છે
શપથ લેનારા નેતાઓ ગોપનીયતાની પણ શપથ લે છે અને તેને પાળવાનું વચન પણ આપે છે. આર્ટિકલ 75 મુજબ રાષ્ટ્રપતિ સામે વડાપ્રધાને શપથ લેવાના હોય છે. શપથ પત્ર પ્રધાનમંત્રી વાંચે છે અને તેનો સ્વીકાર કરે છે. આ પછી એક પ્રમાણપત્ર પણ જારી કરવામાં આવે છે, જેમાં વડા પ્રધાનના શપથ લેવાની તારીખ અને તિથિ લખવામાં આવે છે. વડાપ્રધાન તેના પર હસ્તાક્ષર પણ કરે છે.
સાંસદોએ પણ લેવા પડે છે શપથ
આર્ટિકલ 99 મુજબ સંસદના તમામ સભ્યોએ શપથ લેવા પડે છે. તત્કાલીન બ્રિટિશ સરકારે ઇન્ડિયન કોર્ટ એક્ટ લાગુ કર્યો હતો. તેમાં ધાર્મિક પુસ્તકો પર હાથ રાખીને શપથ લેવડાવવામાં આવે છે.





