બે ભાઈઓની એક જ દુલ્હન; ત્રણેય સુશિક્ષિત છે, એક ભાઈને સરકારી નોકરી તો બીજો વિદેશમાં બનાવી કારકિર્દી

Himachal pradesh marriage with two grooms : હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લામાં એક લગ્ન આખા દેશમાં ચર્ચાનો વિષય બન્યા છે. બે વર અને એક કન્યાના આ લગ્ન કદાચ એક આદિજાતિની જૂની પરંપરા છે પરંતુ જે ત્રણ લોકોએ તેને સ્વીકાર્યું છે તેઓ સુશિક્ષિત છે અને આધુનિક જીવન જીવે છે.

Written by Rakesh Parmar
Updated : July 21, 2025 17:05 IST
બે ભાઈઓની એક જ દુલ્હન; ત્રણેય સુશિક્ષિત છે, એક ભાઈને સરકારી નોકરી તો બીજો વિદેશમાં બનાવી કારકિર્દી
હિમાચલ પ્રદેશની અનોખી લગ્ન પરંપરા હાલમાં ચર્ચાનો વિષય બની છે. (તસવીર: સોશિયલ મીડિયા)

હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લામાં એક લગ્ન આખા દેશમાં ચર્ચાનો વિષય બન્યા છે. બે વર અને એક કન્યાના આ લગ્ન કદાચ એક આદિજાતિની જૂની પરંપરા છે પરંતુ જે ત્રણ લોકોએ તેને સ્વીકાર્યું છે તેઓ સુશિક્ષિત છે અને આધુનિક જીવન જીવે છે. તેમાંથી એક સરકારી નોકરી ધરાવે છે અને એકે વિદેશમાં સારી કારકિર્દી બનાવી છે.

હિમાચલ પ્રદેશના હટ્ટી જનજાતિમાં ‘બહુપતિત્વ’ પ્રથા પ્રચલિત છે, જેમાં એક કન્યા એક કરતા વધુ ભાઈઓ સાથે લગ્ન કરે છે અને બધા સાથે રહે છે. આને ‘જોડીદાર’ પ્રથા કહેવામાં આવે છે. હટ્ટી જનજાતિમાં સદીઓથી ‘બહુપતિત્વ’ પ્રથા પ્રચલિત હતી, પરંતુ સાક્ષરતા, આધુનિકતા અને આર્થિક સ્થિતિમાં પરિવર્તન જેવા કારણોસર હવે આવા લગ્ન ઓછા થાય છે.

હવે જ્યારે સુનિતા ચૌહાણ નામની છોકરીએ વરરાજા પ્રદીપ અને કપિલ નેગી સાથે લગ્ન કર્યા ત્યારે તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ. લોકો પણ આશ્ચર્યચકિત છે કારણ કે ત્રણેય ખૂબ જ શિક્ષિત છે અને આધુનિક જીવનશૈલી અપનાવનારા લોકો છે. છતાં તેઓએ તેમના પૂર્વજોની પરંપરાનું પાલન કરવાનું નક્કી કર્યું.

શિલાઈ ગામનો વરરાજા પ્રદીપ સરકારી નોકરી કરે છે. તે હિમાચલ પ્રદેશના જળશક્તિ વિભાગમાં નોકરી કરે છે, જ્યારે તેનો ભાઈ કપિલે વિદેશમાં અભ્યાસ કરીને કારકિર્દી બનાવી છે. તે હોસ્પિટાલિટી ક્ષેત્રમાં કામ કરે છે. તેમની કન્યા સુનિતા પણ શિક્ષિત છે. તે ITI તાલીમ પામેલી ટેકનિશિયન છે. કન્યા સુનિતા ચૌહાણ અને વરરાજા પ્રદીપ અને કપિલ નેગીએ જણાવ્યું હતું કે તેમણે કોઈપણ દબાણ વિના આ નિર્ણય લીધો છે.

સિરમૌર જિલ્લાના ટ્રાન્સ-ગિરી વિસ્તારમાં આ લગ્નની વિધિઓ 12 જુલાઈથી શરૂ થઈ હતી અને ત્રણ દિવસ સુધી ચાલી હતી. આ સમય દરમિયાન સ્થાનિક લોકગીતો અને નૃત્યો રજૂ કરવામાં આવ્યા હતા. આ લગ્ન સમારોહના વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે. કુન્હટ ગામની રહેવાસી સુનિતાએ કહ્યું કે તે બાળપણથી જ આ પરંપરા વિશે જાણતી હતી અને તેણે તેને પોતાની સ્વતંત્ર ઇચ્છાથી સ્વીકારી હતી. તેણીએ કહ્યું કે તે આ નવા સંબંધનું સન્માન કરે છે.

આ પણ વાંચો: હિમાચલ પ્રદેશ જોડીદાર લગ્ન પ્રથા: બે સગા ભાઇઓએ એક સ્ત્રી સાથે કર્યા લગ્ન 

પ્રદીપે પીટીઆઈને કહ્યું, ‘અમે આ પરંપરાનું જાહેરમાં પાલન કર્યું કારણ કે અમને તેના પર ગર્વ છે અને તે સાથે મળીને લેવામાં આવેલ નિર્ણય હતો.’ કપિલે કહ્યું કે ભલે તે વિદેશમાં રહે છે, આ લગ્ન દ્વારા, ‘અમે સંયુક્ત પરિવાર તરીકે મારી પત્ની માટે સમર્થન, સ્થિરતા અને પ્રેમ સુનિશ્ચિત કરી રહ્યા છીએ.’ તેમણે કહ્યું, ‘અમે હંમેશા પારદર્શિતામાં માનતા આવ્યા છીએ.’

આવી પ્રથા શા માટે છે?

હટ્ટી જાતિના લોકો કહે છે કે આ પ્રથા પાછળનો વિચાર પરિવારને એક રાખવાનો છે. આ ઉપરાંત, તે કૌટુંબિક મિલકત અને જમીનના વિભાજનને પણ અટકાવે છે. નિષ્ણાતોના મતે, આ પરંપરા પાછળનો મુખ્ય વિચાર એ સુનિશ્ચિત કરવાનો હતો કે પૈતૃક જમીનનું વિભાજન ન થાય. તેમણે કહ્યું કે પૈતૃક મિલકતમાં આદિવાસી મહિલાઓનો હિસ્સો હજુ પણ એક મુખ્ય મુદ્દો છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ