Priyanka Gandhi Net Worth: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કેરળના વાયનાડથી પોતાનું નામાંકન દાખલ કર્યું હતું. વાયનાડ લોકસભા સીટ પરથી પ્રિયંકા ગાંધી કોંગ્રેસના ઉમેદવાર ઉભા રહ્યા હતા. ચૂંટણી પંચને આપેલા સોગંદનામામાં તેમણે પોતાની અને તેમના પતિ રોબર્ટ વાડ્રાની સહિયારી સંપત્તિ વિશે માહિતી આપી હતી. પ્રિયંકા ગાંધી અને તેમના પતિ પાસે 77.55 કરોડ રૂપિયાની ચલ અને અચલ સંપત્તિ છે.
સોગંદનામામાં આપવામાં આવેલી જાણકારી મુજબ પ્રિયંકા ગાંધી પાસે 4.25 કરોડ રૂપિયાની ચલ સંપત્તિ છે. હાલ તેમની પાસે 52000 રૂપિયા રોકડા છે. તેમના 3 બેંક ખાતામાં 3.67 લાખ રૂપિયા છે. તેમણે મ્યુચ્યુઅલ ફંડમાં કુલ 2.25 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. પ્રિયંકા ગાંધીએ એ પણ જાહેર કર્યું છે કે તેમની પાસે 1.45 કરોડ રૂપિયાના સોના-ચાંદીના ઘરેણાં છે.
આ ઉપરાંત પ્રિયંકા ગાંધીએ 7.74 કરોડ રૂપિયાની અચલ સંપત્તિ પણ જાહેર કરી છે. તેમને નવી દિલ્હીમાં ચાર એકર જમીન વારસામાં મળી હતી, જેમાં તેમના ભાઈ રાહુલ ગાંધી પણ હિસ્સેદાર છે. તે હિમાચલ પ્રદેશના શિમલા જિલ્લામાં 5.54 કરોડ રૂપિયાની કિંમતનું મકાન પણ ધરાવે છે.
પ્રિયંકા ગાંધીએ પોતાના નામે 11.99 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી છે. તેમના પર 15.75 લાખ રૂપિયાનું દેવું પણ છે.
પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રા પાસે કેટલી છે સંપત્તિ?
પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રા પાસે 37.92 કરોડ રૂપિયાની જંગમ સંપત્તિ છે. તેની પાસે કુલ 2.18 લાખ રૂપિયાની રોકડ છે. સાથે જ તેમની પાસે 27.64 કરોડ રૂપિયાની અચલ સંપત્તિ છે. વાડ્રા પાસે 65.56 કરોડ રૂપિયાની સંપત્તિ છે. ગુરુગ્રામ અને નોઈડામાં તેમની કુલ 4 કોમર્શિયલ પ્રોપર્ટી છે. તેની પાસે 10.03 લાખ રૂપિયાનું દેવું છે. નોંધનીય છે કે પ્રિયંકા ગાંધીએ પોતાના બાળકોની કોઇ સંપત્તિ કે જવાબદારી જાહેર કરી નથી.
રાહુલ ગાંધી કેટલા અમીર છે?
પ્રિયંકા ગાંધીના ભાઈ રાહુલ ગાંધીએ હાલમાં જ મે 2024માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં પોતાની સંપત્તિ જાહેર કરી હતી. રાહુલ ગાંધી પાસે કુલ 20.4 કરોડ રૂપિયાની સંપત્તિ છે. જેમાં 9.25 કરોડ રૂપિયાની જંગમ સંપત્તિ અને 11.5 કરોડ રૂપિયાની અચલ સંપત્તિનો સમાવેશ થાય છે.
પ્રિયંકા ગાંધીની આવકનો મુખ્ય સ્ત્રોત
પોતાના સોગંદનામામાં પ્રિયંકા ગાંધીએ પોતાની આવકના મુખ્ય સ્ત્રોત તરીકે ભાડા, બેંક વ્યાજ અને રોકાણની આવકની જાણકારી આપી છે. આ સાથે જ તેમના પતિ રોબર્ટ વાડ્રાને પણ ભાડા, બિઝનેસ અને અલગ અલગ રોકાણ માંથી સૌથી વધુ આવક થાય છે.
આવકવેરા વિભાગે વર્ષ 2012-13માં પ્રિયંકા ગાંધી વિરુદ્ધ પુનર્મૂલ્યાંકનની કાર્યવાહી શરૂ કરી હતી અને 2019માં તેમની પાસેથી 15.75 લાખ રૂપિયાની કર માંગ કરતો આદેશ આપ્યો હતો. આ આદેશ સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ (કેટ) સમક્ષ ઉઠાવવામાં આવ્યો હતો અને કેટના આદેશ મુજબ કુલ 20 ટકા એટલે કે 3.15 લાખ રૂપિયા ટેક્સ જમા કરાવવામાં આવ્યો હતો. જો કે, ત્યારબાદના વર્ષોના રિફંડને પણ 7.97 લાખ રૂપિયાની હદ સુધી સમાયોજિત કરવામાં આવ્યા છે, જેનાથી કુલ બાકી નીકળતી રકમ 11.12 લાખ રૂપિયા થઈ ગઈ છે. અપીલ હાલમાં સીએટી સમક્ષ પેન્ડિંગ છે.