Raja Raghuvansi Murder Case : મેઘાલયમાં હનીમૂન દરમિયાન પતિ રાજા રઘુવંશીની હત્યાની આરોપી સોનમ રઘુવંશીએ લગ્નના ત્રણ દિવસ બાદ જ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરવાનું ષડયંત્ર રચ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર સોનમે પોતાના બોયફ્રેન્ડ રાજ કુશવાહા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેનો પતિ તેની નજીક આવે તે તેને પસંદ નથી.
લગ્નના ત્રણ દિવસ બાદ જ આ ષડયંત્ર રચ્યું હતું
અહેવાલો અનુસાર પતિની હત્યા કર્યા બાદ ઘણા દિવસો સુધી ફરાર રહ્યા બાદ સોમવારે ઉત્તર પ્રદેશના ગાઝીપુરમાં સરેન્ડર કરનારી સોનમે તેના બોયફ્રેન્ડને જણાવ્યું હતું કે તેણે લગ્ન પહેલા રાજાથી અંતર બનાવી લીધું હતું. સૂત્રોએ જણાવ્યું હતું કે તેણે રાજને ચેટમાં એમ પણ કહ્યું હતું કે એ લગ્ન બાદ પોતાના પતિની હત્યા કરવાનું કાવતરું ઘડી રહી છે.
તેણે કહ્યું હતું કે આરોપીઓએ રાજાની હત્યા કરવા માટે જાણી જોઈને દૂરની જગ્યા પસંદ કરી હતી. સોનમે 10 મેના રોજ ઇન્દોરમાં રાજા સાથે લગ્ન કર્યાં હતાં અને 21 મેના રોજ હનીમૂન માટે મેઘાલય જવા રવાના થયા હતા. પતિના મૃત્યુના થોડા દિવસો બાદ સોમવારે સોનમે ગાઝીપુરમાં સરેન્ડર કર્યું હતું.
રાજા ચેરાપુંજી નજીક ડુંગરાળ જંગલ વિસ્તારમાં એક ઊંડી ખાઈમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. આ દંપતી ગુમ થયા બાદ સ્થાનિક પોલીસ અને અધિકારીઓએ દંપતીને શોધી કાઢવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
કોન્ટ્રાક્ટ કિલરને કામ પર રાખ્યા હતા
રાજાનો મૃતદેહ મળી આવ્યા બાદ શિલોંગ પોલીસે કહ્યું હતું કે તેની હત્યા કરવામાં આવી હોઈ શકે છે. અકસ્માત કે અન્ય કોઈ કમનસીબ ઘટનાનો ભોગ બન્યો હોવાની અટકળોને ફગાવી દીધી હતી. ઉત્તર પ્રદેશ પોલીસ સમક્ષ સરેન્ડર કર્યા બાદ સોનમે કબૂલાત કરી હતી કે તેણે રાજાને ખતમ કરવા માટે એક કોન્ટ્રાક્ટ કિલરને ભાડે રાખ્યો હતો.
આ પણ વાંચો – રાજા રઘુવંશીના હત્યા કેસ પર મેઘાલયના મંત્રીએ કહ્યું – સોનમ છે મુખ્ય આરોપી
રાજ સહિત ચાર વ્યક્તિઓ, જેમની સાથે મહિલા સંબંધમાં હતી, તેના પતિની હત્યા કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. રાજ ઉપરાંત રાજાની કથિત હત્યાના ગુનામાં ધરપકડ કરાયેલા અન્ય ત્રણની ઓળખ આકાશ રાજપૂત, વિકાસ ઉર્ફે વિકી અને આનંદ રુપમાં થઈ છે.
સોમવારે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં રાજાના શરીર પર ઘણા ગહેરી ઈજાઓની પુષ્ટિ કરવામાં આવી છે, જેમાં બે મોટા ઘાનો સમાવેશ થાય છે. એક તેના માથાના આગળના ભાગમાં અને બીજો તેની પીઠ પર.





