Bulandshahr Road Accident : ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં એક મોટો અકસ્માત થયો છે. સલેમપુર-બદાયુ રોડ પર બસ અને પીકઅપ વચ્ચે ટક્કર થઈ હતી. જેમાં 10 લોકોના મોત થયા હતા, જ્યારે 27 લોકો ઇજાગ્રસ્ત થયા છે. તમામ ઘાયલોની સારવાર ચાલી રહી છે, જ્યારે 4 ગંભીર રીતે ઇજાગ્રસ્તોને મેરઠ મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવ્યા છે.
10 લોકોના મોત થયા
અકસ્માતની માહિતી આપતાં જિલ્લા મેજિસ્ટ્રેટ સી.પી. સિંહે કહ્યું કે આજે એક પીકઅપ ગાડી ગાજિયાબાદથી સંભલ તરફ જઈ રહી હતી અને એક બસ બુલંદશહર તરફ આવી રહી હતી. આ દરમિયાન સલેમપુર પોલીસ સ્ટેશન પાસે એક ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ અકસ્માત થયો છે, જેમાં 10 લોકોના મોત થયા છે અને 27 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે. ગંભીર રીતે ઘાયલ 4 લોકોને મેરઠ મેડિકલમાં લઈ જવામાં આવ્યા છે.
મૃતકોના પરિવારજનોએ રસ્તો જામ કર્યો
આ અકસ્માતની જાણકારી મૃતકના પરિવારજનો અને સ્થાનિકોને થઇ ત્યારે તે સ્થળ પર પહોંચી ગયા હતા. ગુસ્સે ભરાયેલા લોકોએ ચક્કાજામ કર્યું હતું. પોલીસે તેમને સમજાવી મામલો શાંત કરાવ્યો હતો અને જામ ખોલાવ્યો હતો.
આ પણ વાંચો – જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી પહેલા ઉપરાજ્યપાલને મળી વધુ સત્તા, વિપક્ષે કેમ ઉઠાવ્યો વાંધો
અકસ્માતનો એક વીડિયો ફૂટેજ પણ સામે આવ્યો છે. જેમાં જોવા મળે છે કે અકસ્માતમાં પીકઅપ વાન ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઇ છે. પોલીસે બસને પણ કબજામાં લઇ લીધી છે.





