Government Scheme For Road Accident Cashless Treatment: કેન્દ્ર સરકારે મંગળવારે દેશભરમાં માર્ગ અકસ્માત પીડિતો માટે કેશલેસ સારવાર માટેની યોજનાને સૂચિત કરી છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના ગેઝેટ નોટિફિકેશન અનુસાર, આ યોજના (માર્ગ અકસ્માતનો ભોગ બનેલી કેશલેસ સારવાર યોજના, 2025) હેઠળ ઈજાગ્રસ્ત વ્યક્તિ અકસ્માત થયાની તારીખથી સાત દિવસ માટે કોઈપણ નિયુક્ત હોસ્પિટલમાં મહત્તમ 1.5 લાખ રૂપિયા સુધીની કેશલેસ સારવાર માટે હકદાર રહેશે.
સરકારે જાહેરનામામાં જણાવાયું છે કે, “કોઈપણ વ્યક્તિ જે કોઈ પણ માર્ગ પર મોટર વાહનના ઉપયોગને કારણે થયેલા માર્ગ અકસ્માતનો ભોગ બને છે તે આ યોજનાની જોગવાઈઓ અનુસાર કેશલેસ સારવાર માટે હકદાર રહેશે.” આ યોજના 5 મે 2025થી દેશભરમાં લાગુ થઈ ગઈ છે.
કેન્દ્રીય પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ જાન્યુઆરીમાં જાહેરાત કરી હતી કે સરકાર માર્ગ અકસ્માત પીડિતો માટે સુધારેલી યોજના લાવશે. નેશનલ હેલ્થ ઓથોરિટી (એનએચએ) આ કાર્યક્રમના અમલીકરણ માટે પોલીસ, હોસ્પિટલો અને રાજ્યની આરોગ્ય એજન્સી સાથે સંકલન કરશે.
મંગળવારના જાહેરનામા અનુસાર, આ યોજના હેઠળ નિર્દિષ્ટ કરવામાં આવેલી હોસ્પિટલ સિવાયની અન્ય હોસ્પિટલમાં સારવાર રેફરલ હેતુ માટે જ કરવામાં આવશે અને તે માર્ગદર્શિકા મુજબની હશે.





