રશિયાએ ફરી યુક્રેન પર મિસાઇલ વડે હુમલો કર્યો છે. યુક્રેનના અધિકારીઓએ જણાવ્યું કે, શનિવારે દક્ષિણ યુક્રેનના ઝાપોરિઝિયા શહેરમાં રશિયાએ કરેલા સાત મિસાઇલ હુમલામાં એક બાળક સહિત ઓછામાં ઓછા 17 લોકો માર્યા ગયા હતા. રશિયાના સાત મિસાઈલ હુમલાથી ઝાપોરિઝિયા શહેરને ભારે નુકસાન થયું હતું.
મિસાઇલ હુમલામાં એક બાળક સહિત 17ના મોત
યુક્રેનની સ્ટેટ ઇમરજન્સી સર્વિસે જણાવ્યું હતું કે ત્રણ મિસાઇલો વહેલી સવારે શહેરના મધ્યમાં ટાંકવામાં આવી હતી. આ સ્થળ દેશના દક્ષિણ મોરચાના શસ્ત્રાગારથી માત્ર 40 કિલોમીટર દૂર છે. યુક્રેનની સ્ટેટ ઇમરજન્સી સર્વિસ અનુસાર, “આ હુમલામાં કુલ 17 લોકો માર્યા ગયા હતા. જેમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે.
ઝાપોરિઝિયામાં ઘણી ઇમારતોને નુકસાન
યુક્રેનના અધિકારીઓના જણાવ્યા અનુસાર, શનિવારે મૃત્યુઆંક 14 ની નજીક હતો. સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં દેખાય છે કે, આ મિસાઇલ હુમલા (missile attack) માં રસ્તા પરની એક મોટી ઈમારતને ખરાબ રીતે નુકસાન થયું છે અને તેમાં આગ લાગી ગઈ હતી. આ મિસાઇલ એટેકમાં ઘણી ઈમારતોને નુકસાન થયું છે.
યુક્રેનના પ્રમુખે ઝેલેન્સકી રશિયાના હુમલાની નિંદા કરી
યુક્રેનના પ્રમુખ ઝેલેન્સકીએ રશિયાના આ હુમલાની નિંદા વ્યક્ત કરતા જણાવ્યુ કે, ઝાપોરિઝિયા શહેર પર દરરોજ મોટા સંખ્યામાં રોકેટ હુમલા કરવામાં આવી રહ્યા છે અને તે ઇરાદાપૂર્વકનો ગુનો છે.” યુક્રેન હંમેશાથી આ શહેર પરનું આધિપત્ય હોવાનું માને છે.
પાછલા સપ્તાહે પણ રશિયાએ હુમલો કર્યો હતો
રશિયા દ્વારા યુક્રેનના તાબા હેઠળના ઝપોરિઝિયા શહેરને સૌથી વધુ નિશાન બનાવવામાં આવ્યું છે. તાજેતરમાં, આ શહેર અંગે રશિયાએ દાવો કર્યો હતો કે, તેણે આ વિસ્તાર પર કબજો કરી લીધો છે. જો કે, તેની સેના હજુ સુધી આ વિસ્તાર પર નિયંત્રણ મેળવી શકી નથી. આ અગાઉ પણ ગત અઠવાડિયે ઝાપોરિઝિયા શહેર પર થયેલા હુમલામાં ઓછામાં ઓછા 30 લોકો માર્યા ગયા હતા. ગયા અઠવાડિયે થયેલા હુમલામાં ઝાપોરિઝિયા સિટીમાંથી પસાર થઈ રહેલા નાગરિકોને નિશાન બનાવવામાં આવ્યા હતા.