PM Modi- Vladimir Putin : પીએમ નરેન્દ્ર મોદીએ મંગળવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાતચીત કરી હતી. બંને નેતાઓ વચ્ચે ઘણા સમયથી ચાલી રહેલા રશિયા અને યુક્રેન યુદ્ધ અંગે પણ ચર્ચા થઇ હતી. આ વાતચીત અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન સાથે ચર્ચાના એક દિવસ બાદ થઈ હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પુતિનને કહ્યું હતું કે ભારત શાંતિપૂર્ણ ઉકેલ ઇચ્છે છે અને તે માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને રશિયાના રાષ્ટ્રપતિ સાથેની વાતચીતની જાણકારી આપી હતી.
વડા પ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને કહ્યું કે આજે રાષ્ટ્રપતિ પુતિન સાથે વાત કરી. પીએમ મોદીએ કહ્યું કે રશિયાના રાષ્ટ્રપતિ સાથે વિશેષ અને વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવાના ઉપાય પર ચર્ચા કરી. પીએમે વધુમાં કહ્યું કે આટલા દિવસોથી ચાલી રહેલા રશિયા અને યુક્રેન યુદ્ધ ઉપર પણ વાતચીત થઈ હતી.
આ પણ વાંચો – પીએમ મોદીએ યુક્રેનમાં કહ્યું – ભારત આ યુદ્ધમાં ક્યારેય તટસ્થ રહ્યું નથી, અમે શાંતિની તરફેણમાં છીએ
વડા પ્રધાન મોદીએ પુતિનને તેમની તાજેતરની યુક્રેનની મુલાકાત વિશે પણ માહિતી આપી છે. પીએમે લખ્યું કે ભારત સંઘર્ષના જલ્દી, સ્થાયી અને શાંતિપૂર્ણ સમાધાનને સમર્થન આપવા માટે ભારત સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા પીએમ મોદીએ કીવમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીને મળ્યા હતા.
પીએમ મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ સાથે વાત કરી
જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે કીવમાં મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે અમે એટલે કે ભારત શરૂઆતથી જ તટસ્થ નથી અને અમે હંમેશા શાંતિના પક્ષમાં છીએ. તેમણે કહ્યું કે અમે બુદ્ધની ભૂમિથી આવ્યા છીએ, જ્યાં યુદ્ધ માટે કોઈ સ્થાન નથી. હું તમને અને સમગ્ર વૈશ્વિક સમુદાયને કહેવા માંગુ છું કે ભારત સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું સન્માન કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ યથાવત
રશિયા અને યુક્રેન વચ્ચે બે વર્ષથી વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે અને તે જલદી ખતમ થાય તેવી કોઈ આશા દેખાતી નથી. સોમવારે રશિયાએ યુક્રેનમાં ડ્રોન અને મિસાઇલ હુમલા કર્યા હતા. રાજધાની કીવની બહારના વિસ્તારમાં બે લોકોના મોત થયા હતા અને આગ ફાટી નીકળી હતી.





