બિહાર સહિત ઉત્તર પ્રદેશના મહત્વપૂર્ણ છઠ્ઠ પર્વ પહેલા જ પશ્ચિમ બંગાળમાં રાજકીય શિતયુદ્ધ છેડાઇ ગયું છે. શુક્રવારે (28 ઓક્ટોબર, 2022) આસનસોલમાં, તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) સાંસદ શત્રુઘ્ન સિંહા વિરુદ્ધ લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે.
પશ્ચિમ બંગાળમાં આસનસોલમાં શત્રુઘ્ન સિંહાના ગુમ થવાના પોસ્ટર લગાડવામાં આવ્યા છે. આ પોસ્ટરમાં અરજીકર્તા સ્વરૂપે આસનસોલની બિહારી જનતાનો ઉલ્લેખ કરવામાં આવ્યા છે. આવા પ્રકારના પોસ્ટરો શહેરના કુલ્ટીમાં પણ લગાડવામાં આવ્યા હતા. આ તમામ પોસ્ટરો લખાણ હિન્દી ભાષામાં છે.
તૃણમૂલ કોંગ્રેસના સાંસદ શત્રુઘ્ન સિંહા વિરુદ્ધ આવા પોસ્ટર પશ્ચિમ બંગાળના પશ્ચિમ બર્ધમાન જિલ્લાના આસનસોલના છઠ્ઠ ઘાટ અને કુલ્ટીના ઘણા વિસ્તારોમાં લગાડવામાં આવ્યા છે. શત્રુઘ્ન સિંહા ‘બિહારી બાબુ’ તરીકે જાણીતા છે પરંતુ બિહારના સૌથી મોટા તહેવાર છઠ્ઠ પૂજાના અવસર પર તેમના જ લોકસભા મતવિસ્તારમાંથી સાંસદ ગાયબ છે. આવી સ્થિતિમાં, એવી અટકળો છે કે આ પોસ્ટરો આસનસોલના બિહારના લોકોએ જ લગાવ્યા છે.
શત્રુઘ્ન સિન્હાના પોસ્ટર મુદ્દે ભાજપનો ટીએમસી પર પ્રહાર
ભાજપે શત્રુઘ્ન સિન્હાના પોસ્ટર પર ટીએમસીને ઘેરાવાનું શરૂ કરી દીઘું છે. બીજેપી નેતા અમિત ગરાઈએ કહ્યું કે શત્રુધ્ન સિંહાને બિહારીબાબુ તરીકે પણ ઓળખવામાં આવે છે, પરંતુ તેઓ છઠ્ઠ પર્વ દરમિયાન તેમના જ મત વિસ્તારમાં નથી. આ ઘટના બાદ હવે સ્થાનિક ટીએમસી નેતાઓ શત્રુઘ્ન સિંહાના બચાવમાં આવ્યા છે. ટીએમસી કાઉન્સિલર સલીમ અંસારીએ આ પોસ્ટર પાછળ ભારતીય જનતા પાર્ટીનો હાથ હોવાનું જણાવ્યું હતું. એવું પણ કહ્યું કે ભાજપ આ બધું કરાવી રહી છે. શત્રુઘ્ન સિંહા દર મહિને આસનસોલ આવે છે.
બિહારી બાબુએ ભાજપના ઉમેદવારને 3 લાખથી વધારે મતોથી હરાવ્યા હતા
તમને જણાવી દઈએ કે, શત્રુઘ્ન સિન્હાએ બિહાર છોડીને પશ્ચિમ બંગાળની આસનસોલ બેઠક પરથી લોકસભાની પેટાચૂંટણી લડી હતી. સિંહાએ આ પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવારને ત્રણ લાખ કરતા વધારે મતોથી હરાવીને જંગી જીત હાંસલ કરી હતી. હિન્દી ફિલ્મોના અભિનેતામાંથી નેતા બનેલા સ્ટાર શત્રુઘ્ન સિંહા 1991થી ભાજપ સાથે જોડાયેલા હતા. ભારતીય જનતા પાર્ટીમાં રહીને સિન્હાએ ઘણી મહત્વની જવાબદારીઓ નિભાવી હતી. તેઓ રાજ્યસભા અને કેન્દ્રમાં મંત્રી પણ રહ્યા હતા. વર્ષ 2014માં મંત્રી પદ ન મળવાને કારણે શત્રુઘ્ન સિન્હા ભાજપથી દૂર થઇ ગયા હતા.