Sonia Gandhi Congress Parliamentary Party Chief : ચૂંટણી પરિણામો બાદ કોંગ્રેસ સંસદીય દળની બેઠક પુરી થઈ ગઈ છે. આ બેઠકમાં ફરી એકવાર સોનિયા ગાંધીને કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ તેમના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો, ઘણા નેતાઓએ પણ તેનું સમર્થન કર્યું હતું. હવે એવી માંગ ઉઠી રહી છે કે, રાહુલ ગાંધીને લોકસભામાં વિપક્ષના નેતા બનાવવામાં આવે.
રાહુલ અંગે શું નિર્ણય લેવાયો?
હાલમાં, રાહુલ ગાંધીએ વિપક્ષના નેતા બનવા માટે તેમની સંમતિ આપી નથી, જેના કારણે બેઠકમાં કોઈ મંજૂરી આપવામાં આવી નથી. મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું છે કે, અમારે થોડો સમય રાહ જોવી પડશે, ત્યારબાદ જ નિર્ણય લેવામાં આવશે. હવે જાણકારી માટે તમને જણાવી દઈએ કે, કોંગ્રેસના તમામ મોટા નેતાઓ ઈચ્છે છે કે, રાહુલ ગાંધી લોકસભામાં વિપક્ષના નેતાની ભૂમિકા નિભાવે.
શા માટે તેઓ રાહુલને વિપક્ષના નેતા બનાવવા માંગે છે?
એવી દલીલ કરવામાં આવી રહી છે કે, આ ચૂંટણીમાં રાહુલ ગાંધીએ જે આક્રમકતા સાથે ભાજપનો સામનો કર્યો અને જે રીતે તેમણે મોદીને ઘેર્યા તે ચૂંટણી પરિણામોમાં પ્રતિબિંબિત થયું છે. આવી સ્થિતિમાં હવે રાહુલે લોકસભામાં કોંગ્રેસની વિચારધારાને આગળ ધપાવવા માટે વિપક્ષના નેતા બનવું જોઈએ. પરંતુ રાહુલ હજુ પણ નિર્ણય લઈ શક્યા નથી, તે મુંઝવણમાં છે. ખડગે ચોક્કસપણે કહી રહ્યા છે કે, આ યોગ્ય સમય છે, રાહુલ ગાંધીએ તાત્કાલિક નિર્ણય લેવો જોઈએ, પરંતુ પૂર્વ અધ્યક્ષ વધુ રાહ જોવાના મૂડમાં છે.
બેઠકમાં શું થયું?
જો કે આ બેઠકમાં અન્ય ઘણા મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. કોંગ્રેસના નેતા વીરપ્પા મોઈલીએ કહ્યું કે, આ વખતે ઈન્ડિયા ગઠબંધનનો વોટ શેર વધ્યો છે, સીટો વધી છે, હું માનું છું કે, આપણે જીતવું જોઈતું હતું, સરકાર બનાવવી જોઈતી હતી, રાહુલને પીએમ બનવું જોઈતું હતું. પરંતુ હું સ્પષ્ટ કરી દઉં કે, મોદી હવે એટલા લોકપ્રિય નથી રહ્યા, આજે નહીં તો કાલે કોંગ્રેસની સરકાર બનશે જ.
આ પણ વાંચો – રાહુલ ગાંધી બનશે વિપક્ષના નેતા? માંગ ઉગ્ર બની, CWC ની બેઠકમાં પ્રસ્તાવ થયો પસાર
જોકે, 2019 ની સરખામણીમાં આ વખતે કોંગ્રેસે તેના પ્રદર્શનમાં ચોક્કસપણે સુધારો કર્યો છે. 52 બેઠકોમાંથી આંકડો 99 બેઠકો પર પહોંચી ગઈ છે. યુપીથી લઈને રાજસ્થાન સુધી, કોંગ્રેસે ઘણા રાજ્યોમાં તેના પ્રદર્શનમાં સુધારો કર્યો છે, કેટલાક અન્ય રાજ્યોમાં પણ ગયા વખત કરતા વધુ મજબૂત પ્રદર્શન કર્યું છે.





