Who is Udhayanidhi Stalin : તમિલનાડુની ડીએમકે-કોંગ્રેસ ગઠબંધન સરકારમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે, કારણ કે રાજ્યના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને મંત્રીમંડળમાં ફેરબદલ કર્યો છે. આ ફેરફાર અંતર્ગત સ્ટાલિન સરકારમાં ઉદયનિધિ સ્ટાલિનને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવશે. આ ઉપરાંત પૂર્વ મંત્રી સેંથિલ બાલાજી મંત્રીમંડળમાં પરત ફરશે.
તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને વી સેંથિલ બાલાજી, ડો.ગોવી ચેઝિયાન, આર રાજેન્દ્રન અને એસએમ નાસરને મંત્રીપરિષદમાં સામેલ કરવાની ભલામણ કરી છે. રાજ્યપાલે આ ભલામણોને મંજૂરી આપી દીધી છે. મંત્રીઓનો શપથ ગ્રહણ સમારોહ 29 સપ્ટેમ્બરે બપોરે 3.30 વાગ્યે ચેન્નઈના રાજભવનમાં થશે.
કોણ છે ઉદયનિધિ સ્ટાલિન?
ઉદયનિધિ સ્ટાલિનની વાત કરીએ તો તેઓ પહેલા અભિનેતા હતા, પરંતુ 2019થી તેઓ રાજનીતિમાં સક્રિય થઇ ગયા હતા. તેમને રાજકારણ વારસામાં મળ્યું છે કારણ કે તેમના પિતા રાજ્યના સીએમ એમકે સ્ટાલિન છે. આ સિવાય તે પૂર્વ સીએમ અને પીઢ નેતા એમ કરુણાનિધિના પૌત્ર છે. સીએમ સ્ટાલિને પોતાના મંત્રીમંડળમાં તેમને ખેલ મંત્રીનું પદ આપ્યું હતું, પરંતુ હવે ડેપ્યુટી સીએમ બનાવીને સીએમ સ્ટાલિને સંકેત આપ્યા છે કે, ઉદયનિધિ સ્ટાલિન ભવિષ્યના રાજકારણની દ્રષ્ટિએ તેમના ઉત્તરાધિકારી બની શકે છે.
સનાતન પર આપવામાં આવેલા નિવેદન પર વિવાદ થયો હતો
ઉદયનિધિએ ગયા વર્ષે સનાતન ધર્મ વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે પોતાના નિવેદનમાં સનાતન ધર્મની તુલના ડેન્ગ્યુ અને મેલેરિયા સાથે કરી હતી. તેમણે કહ્યું હતું કે સનાતનનો વિરોધ થવો જોઇએ એટલું જ નહીં તેને નાબૂદ કરવો જોઇએ. આપણે ડેન્ગ્યુ, મચ્છર, મેલેરિયા કે કોરોનાનો વિરોધ ન કરી શકીએ.
આ પણ વાંચો – પીએમ મોદીએ જમ્મુમાં કહ્યું – આતંકવાદીઓને પણ ખબર છે કે મોદી તેમને પાતાળમાંથી શોધી કાઢશે
તેમણે કહ્યું હતું કે આપણે સનાતનને પણ એ જ રીતે નાબૂદ કરવો પડશે. ઉદયનિધિના આ નિવેદનથી મોટો રાજકીય ખળભળાટ મચી ગયો હતો અને ભાજપ સહિત અનેક રાજકીય પક્ષોએ તેમની નિંદા કરી હતી. જ્યારે ડીએમકેની રાજ્ય સરકારમાં ભાગીદાર એવી કોંગ્રેસે પણ તેમના નિવેદનથી પોતાને અલગ રાખ્યા હતા.
સેંથિલ બાલાજી જેલમાંથી છૂટીને કેબિનેટમાં પરત
મની લોન્ડ્રિંગ કેસમાં જૂન 2023ના રોજ ઇડી દ્વારા સેંથિલ બાલાજીની ધરપકડ કરવામાં આવી હતી, ત્યારબાદ છેલ્લા વર્ષમાં ડીએમકેમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. તાજેતરમાં જ સેંથિલ બાલાજીને સુપ્રીમ કોર્ટે શરતો સાથે જામીન આપ્યા છે અને તેના કારણે હવે તેઓ ફરી એકવાર કેબિનેટમાં પરત ફરી રહ્યા છે.
ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર કેબિનેટમાંથી ત્રણ કેબિનેટ મંત્રીઓને હટાવવામાં આવી રહ્યા છે, જ્યારે ચાર શપથ લેશે, જેમાંથી બે નવા ચહેરાઓને તક આપવામાં આવી છે. પર્યાવરણ મંત્રી મય્યનાથનને કલ્યાણ વિભાગમાં મોકલવામાં આવ્યા છે.





