Supreme Court News: સુપ્રીમ કોર્ટે સંવિધાનની કલમ 142 હેઠળ પોતાના વિશેષાધિકારનો ઉપયોગ કરીને એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે બિન દલિત મહિલા અને દલિત પુરુષ વચ્ચેના લગ્ન રદ કરી પતિને તેના બાળકો માટે એસસી સર્ટિફિકેટ મેળવવાનો આદેશ આપ્યો હતો. અત્રે નોંધનિય છે કે, બાળકો છેલ્લા છ વર્ષથી તેની માતા સાથે રહે છે.
ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ અનુસાર, જસ્ટિસ ઉજ્જલ ભુનિયા અને જસ્ટિસ સૂર્યકાંતની ખંડપીઠે જુહી પોરિયા ની જાવલકર અને પ્રદીપ પોરિયાના છૂટાછેડા મંજૂર કરતા કહ્યું કે, બિન દલિત મહિલા લગ્ન દ્વારા એસસી કેટેગરીમાં સામેલ થઇ શકે નહીં. પરંતુ અનુસૂચિત જાતિના પુરુષ થી જન્મેલા તેના બાળકો એસસી ટેગ માટે હકદાર રહેશે.
સુપ્રીમ કોર્ટે 2018ના ચુકાદાનો પુનોર્ચાર કરતા કહ્યું કે, એ વાતમાં કોઈ વિવાદ ન હોઈ શકે કે જાતિ જન્મથી નક્કી થાય છે અને અનુસૂચિત જાતિ સાથે જોડાયેલી વ્યક્તિ સાથે લગ્ન કરીને જાતિ બદલી શકાય નહીં. માત્ર એટલા માટે કે તેનો પતિ અનુસૂચિત જાતિ સમુદાયનો છે, તેથી તેને એસસી કેટેગરીનું પ્રમાણપત્ર આપી શકાતું નથી.
બાળકોનો ઉછેર મહિલા કરશે
11 વર્ષનો દીકરો અને 6 વર્ષની દીકરી છેલ્લા 6 વર્ષથી બિન દલિત મહિલા સાથે રાયપુરમાં તેના માતા-પિતાના ઘરે રહે છે. સુપ્રીમ કોર્ટે આપેલા છૂટાછેડા બાદ બાળકોનો ઉછેર બિન દલિત પરિવારમાં થતો રહેશે અને તેમ છતાં સરકારી શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ અને નોકરી માટે તેમને એસસી કેટેગરીના ગણવામાં આવશે.
પિતાને બાળકો સાથે મળવાની મંજૂરી
ન્યાયાધીશ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી ખંડપીઠે પતિને કહ્યું કે, તે સંબંધિત અધિકારીઓનો સંપર્ક કરવા અને છ મહિનાની અંદર બંને બાળકો માટે એસસી કેટેગરીનું પ્રમાણપત્ર મેળવી લે. આ સાથે ખંડપીઠે પતિને આદેશ આપ્યો હતો કે, ગ્રેજ્યુએશન સુધી બાળકોના શિક્ષણનો તમામ ખર્ચ ઉઠાવે. તેમા ટ્યુશન ફી તેમજ રહેવા જમવાના ખર્ચનો સમાવેશ થાય છે. પતિએ પત્ની અને બાળકોના ભરણપોષણ પેટે 42 લાખ રૂપિયાની એકસામટી રકમની ચુકવણી કરી છે. આ ઉપરાંત પતિ પોતાની પત્નીને પ્લોટ પણ આપશે. સર્વોચ્ચ અદાલતે મહિલાને નિર્દેશ આપ્યો હતો કે તે સમયાંતરે તેમના પિતા સાથે બાળકોની મુલાકાત કરાવશે, તેમને રજા પર ઘરે લઈ જવા દે અને કોઈ રોક ટોક કરવી નહીં.





