Swati Maliwal Case: સ્વાતિ માલીવાલ મામલે આખરે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મૌન તોડ્યું છે. તેમણે ન્યૂઝ એજન્સી PTI સાથે વાતચીતમાં કહ્યું કે હું સ્વાતિ માલીવાલ પર હુમલાના કેસમાં નિષ્પક્ષ તપાસ અને ન્યાય ઇચ્છું છું કારણ કે આ ઘટનાના બે વર્ઝન છે.
અરવિંદ કેજરીવાલે સ્વાતિ માલીવાલ મામલે પીટીઆઈને જણાવ્યું કે આ મામલો કોર્ટમાં છે, આવી સ્થિતિમાં તેના પર તેમની ટિપ્પણી કાર્યવાહીને પ્રભાવિત કરી શકે છે. તેમણે કહ્યું કે મને આશા છે કે આ કેસમાં નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે. ન્યાય મળશે. આ ઘટનાના બે વર્ઝન છે. પોલીસે બંને પક્ષોની તટસ્થ તપાસ કરવી જોઈએ અને ન્યાય આપવો જોઈએ.
ઘટના સમયે ઘરમાં હતા અરવિંદ કેજરીવાલ
ન્યૂઝ એજન્સી પીટીઆઈએ જ્યારે તેમને પૂછ્યું કે શું ઘટના સમયે તેઓ ઘરે હતા તો તેમણે કહ્યું કે તેઓ ઘરે હતા પરંતુ સીએમ આવાસમાં જ્યાં આ કથિત ઘટના બની ત્યાં હાજર ન હતા. આ કેસમાં અરવિંદ કેજરીવાલના અંગત સચિવ બિભવ કુમાર પાંચ દિવસ માટે પોલીસ કસ્ટડીમાં છે.
આ પણ વાંચો – સ્વાતિ માલીવાલનો મુદ્દો AAPના હાથમાંથી સરકી ગયો, ભાજપ કેવી રીતે તેનો ફાયદો ઉઠાવી રહ્યું છે?
અરવિંદ કેજરીવાલે પીટીઆઈ સાથેની વાતચીતમાં તેમની પત્નીના ચૂંટણી લડવાના સવાલનો જવાબ પણ આપ્યો હતો. અરવિંદ કેજરીવાલે કહ્યું કે તેમની પત્ની સુનીતાને રાજકારણમાં કોઈ રસ નથી. તે ભવિષ્યમાં ચૂંટણી લડશે નહીં. ન્યૂઝ એજન્સી પીટીઆઈને આપેલા ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે જો ઈન્ડિયા ગઠબંધન સરકાર બનાવશે તો તે ન્યાયતંત્રને દબાણથી મુક્ત કરશે અને જેલમાંથી તેમની મુક્તિ સુનિશ્ચિત કરશે.
બિભવના ફોનમાંથી ડેટા રિકવર કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યો છે
મંગળવારે દિલ્હી પોલીસ બિભવ કુમારને તેના ફોનમાંથી ડેટા રિકવર કરવા માટે મુંબઇ લઇ આવી હતી. બિભવ પર આરોપ છે કે તેણે ધરપકડ પહેલા પોતાનો ફોન ફોર્મેટ કરી દીધો હતો. પોલીસને શંકા છે કે બિભવ કુમારે તેના ફોનમાંથી ડેટાને ફોર્મેટ કરતા પહેલા તેના ફોનનો ડેટા મુંબઇના કોઈ વ્યક્તિ અથવા ડિવાઇસમાં ટ્રાન્સફર કર્યો હતો. દિલ્હી પોલીસે ફોરેન્સિક તપાસ માટે કેજરીવાલના નિવાસસ્થાનેથી સીસીટીવી રેકોર્ડિંગ ઉપરાંત કુમારનો ફોન અને લેપટોપ પણ મોકલ્યું છે.