Swati Maliwal assault Case : આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદે ન્યૂઝ એજન્સી એએનઆઈને આપેલા ઈન્ટરવ્યુમાં 13 મેની ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યું કે જ્યારે તેમના સહયોગી બિભવ કુમારે તેમના પર હુમલો કર્યો હતો ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમના નિવાસ સ્થાને હાજર હતા.
આ ઘટના વિશે સ્વાતિ માલીવાલે કહ્યું કે હું 13 મેના રોજ સવારે 9 વાગ્યાની આસપાસ કેજરીવાલના નિવાસસ્થાને ગઈ હતી. સ્ટાફે મને ડ્રોઇંગરૂમમાં બેસાડી અને કહ્યું કે કેજરીવાલ મને મળવા આવશે. આ દરમિયાન બિભવ રૂમમાં ઘૂસી આવ્યો હતો. મેં તેમને કહ્યું કે અરવિંદ કેજરીવાલ મને મળવા આવી રહ્યા છે. મેં આટલું કહ્યું અને તેણે મને મારવાનું શરૂ કરી દીધું હતું. તેણે મને સાત-આઠ થપ્પડ મારી હતી. જ્યારે મેં તેને ધક્કો મારવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેણે મારા પગ પકડ્યા અને મને જમીન પર પાડી દીધી હતી. મારું માથું સેન્ટર ટેબલ સાથે અથડાયું હતું. જેવી હું જમીન પર પડી કે તરત જ તેણે મને પાટા મારવાનું શરૂ કરી દીધું. હું મદદ માટે ચીસો પાડી પણ કોઈ આવ્યું નહીં.
અરવિંદ કેજરીવાલ તેમના નિવાસસ્થાને હાજર હતા – સ્વાતિ માલીવાલ
સ્વાતિ માલીવાલે કહ્યું કે તે ઘણી અજીબ વાત છે કે મને મદદ કરવા કોઈ આગળ આવ્યું નહીં. હું જોરજોરથી ચીસો પાડી રહી હતી. જ્યારે માલીવાલને સવાલ કર્યો કે શું કોઈએ તેને મારવાનો નિર્દેશ આપ્યો હતો. ત્યારે માલીવાલે કહ્યું કે તે તપાસનો વિષય છે કે શું તેણે આ કામ જાતે કર્યું હતું કે પછી તેને આવું કરવાનું કહેવામાં આવ્યું હતું. હું આ સમયે તપાસમાં સંપૂર્ણ સહકાર આપી રહી છું.
આ પણ વાંચો – સ્વાતિ માલીવાલ કેસ પર અરવિંદ કેજરીવાલે તોડ્યું મૌન, કહ્યું – નિષ્પક્ષ તપાસ થાય અને ન્યાય મળે
આપનાં રાજ્યસભા સાંસદે કહ્યું કે હું કોઇને ક્લીનચીટ આપી રહી નથી. સત્ય એ છે કે મને માર મારવામાં આવી રહ્યો હતો અને અરવિંદ કેજરીવાલ ત્યાં ઉપસ્થિત હતા.
રાજ્યસભાની સીટ પ્રેમથી માંગી હોત તો આપી દીધી હોત – સ્વાતિ માલીવાલ
AAPના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલે કહ્યું કે જો મારી રાજ્યસભાની સીટ જોઈતી હોત તો, તેમણે પ્રેમથી માંગી હોત તો મેં મારો જીવ પણ આપી દેત, સાંસદ ઘણી નાની વાત છે. જે રીતે તેમણે મને મારી છે. હવે દુનિયાની કોઈ પણ તાકાત લાગી જાય હું રાજીનામું આપીશ નહીં.
13 મેના રોજ અપોઈન્ટમેન્ટ ન લેવાના AAPના આરોપો પર સાંસદ સ્વાતિ માલીવાલે કહ્યું કે જ્યારે પણ હું તેમના (અરવિંદ કેજરીવાલ) ઘરે ગઈ છું, મેં ક્યારેય એપોઈન્ટમેન્ટ લીધી નથી. તેઓ કહે છે કે મારી કોઈ એપોઈન્ટમેન્ટ નથી. તો હું હંમેશા ત્યાં આવી રીતે જ ગઇ છું. જો તમે મને તે જ ક્ષણે કહી દીધું હોત કે બહાર જાવ તો હું બહાર જતી રહેત. જો કોઈ એપોઈન્ટમેન્ટ લઈને ન આવ્યું હોય તો તમે તેને મારશો.