મધ્યપ્રદેશના ઈન્દોરમાં તનિષ્કા સુજીતના ઘરની એક દિવાલ પર ઘણા મેડલ અને પ્રમાણપત્રો નજરે પડે છે. એવી ઘણી તસવીરો પણ છે જેમાં તે એવોર્ડ પ્રાપ્ત કરી રહી છે. તેના આ કલેક્શનમાં તાજેતરમાં એક નવો ઉમેરો થયો છે જ્યારે તનિષ્કા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી અને તેમને દેશના મુખ્ય ન્યાયાધીશ બનવાના ધ્યેય વિશે જણાવ્યું. તનિષ્કાના નામની હાલ દેશભરમાં ચર્ચા ચાલી રહી છે.
તેમની સિદ્ધિઓએ તેમને યોગ્ય બનાવ્યા છે. ‘ઇન્ડિયા બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ્સ’ અને ‘એશિયા બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ્સ’માં પોતાનું નામ નોંધાવનાર તનિષ્કાએ 11 વર્ષની ઉંમરે ધોરણ 10 બોર્ડની અને 13 વર્ષની ઉંમરે ધોરણ 12ની બોર્ડની પરીક્ષા પાસ કરી હતી. હાલ તે 15 વર્ષની છે અને દેવી અહલ્યાબાઈ યુનિવર્સિટીમાંથી સાયકોલોજી વિષયમાં બીએ ફાઇનલ વર્ષની પરીક્ષા આપવા જઈ રહી છે. તનિષ્કા કાયદાનો અભ્યાસ કરવા અમેરિકા જવા માંગે છે.

20 જુલાઈ, 2007ના રોજ સુજીત ચંદ્રન અવસ્થી અને અનુભા અવસ્થીના ઘરે જન્મેલી તનિષ્કા સુજીતે જણાવ્યું કે તે પાંચમા ધોરણ સુધી સામાન્ય રીતે ભણતી હતી, પરંતુ આ દરમિયાન તેના માતા-પિતાને લાગ્યું કે તેની ઉંમરના અન્ય બાળકો કરતા તેનામાં વધુ પ્રતિભા છે. તેથી તેના પિતાએ તેને ધોરણ 10ની સીધી પરીક્ષા આપવાનું નક્કી કર્યું.
તનિષ્કાએ જણાવ્યું કે, તેના પિતા કોચિંગ સેન્ટર ચલાવતા હતા અને ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને ભણાવતા હતા. તનિષ્કાને તેના પાઠ્યપુસ્તકોના બદલે ધોરણ 10 અને 12ના પુસ્તકો ભણવામાં વધારે મજા આવતી હતી. આ જોઇને તેના પિતાએ તનિષ્કાને પહેલા ધોરણે 10 અને 12ની પરીક્ષા અપાવી, જેમાં તે પાસ થઇ. તાજેતરમાં વડપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત થતા તનિષ્કા અત્યંત આનંદીત છે.
તે વડાપ્રધાન સાથેની તેની મુલાકાત વિશે ઉત્સાહપૂર્વક દરેકને જણાવી રહી છે. તે જણાવે છે કે, વડાપ્રધાને તેને પૂછ્યું હતું કે તે તેમની પાસેથી શું શીખી શકે છે. તનિષ્કા કહે છે કે, વડાપ્રધાનનો સવાલ સાંભળીને મને આશ્ચર્ય થયું કે ‘હું તમારી પાસેથી શું શીખી શકું.’ તેઓ દેશના વડાપ્રધાન છે અને મને તેમની પાસેથી આવા સવાલની અપેક્ષા નહોતી.
મેં તેમને જણાવ્યું – મહેનત અને સમર્પણ, સાથે સાથે એવું પણ કહ્યું કે આ બધું મારા કરતા તમારામાં ઘણું વધારે છે. તનિષ્કાએ વડાપ્રધાન મોદીને કહ્યું કે તે કાયદાનો અભ્યાસ કરવા વિદેશ જવા માંગે છે, તો વડાપ્રધાને તેને પૂછ્યું કે વિદેશ શા માટે જવું છે? તનિષ્કાએ કહ્યું કે તે વિદેશી કાયદાનો અભ્યાસ કરીને દેશના મુખ્ય ન્યાયાધીશ બનવા માંગે છે.
તેમની વાત સાંભળીને વડાપ્રધાને પ્રોત્સાહિત કરવા કહ્યું કે, તેઓ એકવાર સુપ્રીમ કોર્ટમાં જઈને તેમની ખુરશી જોઈ લે. વડાપ્રધાન સાથેની મુલાકાત દરમિયાન તનિષ્કાની માતા અનુભા અવસ્થી પણ તેમની સાથે હતી. અનુભાએ કહ્યું કે છેલ્લા ત્રણ વર્ષ તેના માટે ખૂબ જ મુશ્કેલ હતા. 2020માં ત્રણ મહિનાની અંદર તેઓએ તનિષ્કાના પિતા, દાદા અને નાનાજીને ગુમાવ્યા દીધા, પરંતુ આ આઘાત વચ્ચે પણ તેઓએ તનિષ્કાના અભ્યાસમાં કોઈ અવરોધ ન આવવા દીધો અને તેને તેના ધ્યેય તરફ આગળ વધવા માટે પ્રેરિત કરતા રહ્યા હતા.