લોકપ્રિય કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માં તારક મહેતાનું પાત્ર નિભાવનાર સચિન શ્રોફ તેની ફેમિલી ફ્રેન્ડ સાથે મુંબઇમાં લગ્ન કરશે તેવા સમાચાર સામે આવ્યા છે. લગ્નમાં હાજરી આપવા માટે ઉત્સાહિત એક મહેમાને જણાવ્યું હતું કે ‘છોકરીની ઓળખ સિક્રેટ રાખવાની છે. પરિવાર થોડો અંધશ્રદ્ધાળુ છે અને ઈચ્છે છે કે બધું શાંતિથી પતે.
સૂત્રોના મતે ‘આ અરેન્જ મેરેજ છે’ અને ‘બ્રાઈડ-ટુ-બી આ ઈન્ડસ્ટ્રીની નથી. તે ઘણા વર્ષોથી સચિનની બહેનની ફ્રેન્ડ છે. જો કે, હજી ગત મહિને જ તેના પરિવારે તેની સાથે પરણીને ઠરીઠામ થઈ જવું જોઈએ તેવી સલાહ આપી હતી. આ ટિપિકલ રિલેશનશિપ નથી, જેમાં બંને પહેલા પ્રેમમાં પડ્યા હતા. સચિને તેના પરિવારની સલાહને ગંભીરતાથી લીધી હતી. બાકી બધુ આપમેળે થઈ ગયું અને તેઓ ખૂબ જલ્દી લગ્ન પણ કરી લેશે’.
ઉલ્લેખનીય છે કે, સચિન શ્રોફે અગાઉ એક્ટ્રેસ જૂહી પરમાર સાથે લગ્ન કર્યા હતા અને નવ વર્ષના લગ્નજીવન બાદ 2018માં તેઓ અલગ થયા હતા. તેઓ નવ વર્ષની દીકરી સમાયરાના કો-પેરેન્ટ્સ છે, જે મમ્મી સાથે રહે છે.
વર્ક ફ્રંટની વાત કરીએ તો, સચિન શ્રોફ માત્ર ટીવી જ નહીં ઓટીટી પ્લેટફોર્મ અને ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યો છે. તે પ્રકાશ ઝાની સીરિઝ ‘આશ્રમ’નો ભાગ હતો. તે સોનાક્ષી સિન્હા અને હુમા કુરેશી ફિલ્મ ‘ડબલ એક્સએલ’માં પણ દેખાયો હતો. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં શૈલેષ લોઢાને રિપ્લેસ કરતાં પહેલા તેણે ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ માં ‘રાજીવ’નું પાત્ર ભજવ્યું હતું.
TMKOCમાં જ્યારે સચિન શ્રોફની એન્ટ્રી થઈ ત્યારે પણ વિવાદ થયો હતો અને દર્શકોએ તેને હટાવીને જૂના તારક મહેતાને પરત લાવવાની ડિમાન્ડ કરી હતી. જો કે, એક્ટર ધીમે-ધીમે પાત્ર ઢળી જતાં હવે તેને પસંદ કરવામાં આવી રહ્યો છે. તે સમયે અમારા સહયોગી ઈટાઈમ્સ ટીવીને આપેલા ઈન્ટરવ્યૂમાં તેણે કહ્યું હતું કે, જેમ પાણીમાં સાકર ભળી જાય છે તેમ તે પણ પાત્રને ન્યાય આપવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરશે. આ સાથે તેણે શોના ફેન્સને પ્રેમ અને આશીર્વાદ વરસાવતા રહેવાની વિનંતી કરી હતી.