Today Latest News Update in Gujarati 10 August 2025 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બેંગ્લોર મુલાકાતે જવાના છે. આજે પીએમ મોદી બેંગ્લોરના KSR રેલવે સ્ટેશન પર 3 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી દેખાડશે. ઉપરાંત બેંગ્લોર મેટ્રોની યલો લાઇન સેવાનું ઉદઘાટન કરશે. ત્યારપછી એક જાહેર સભાને પણ સંબોધિત કરી શકે છે.
દિલ્હીમાં થાર ચાલકે રસ્તે જતા 2 વ્યક્તિને કચડી નાંખ્યા, એકનું કરુણ મોત
નવી દિલ્હીમાં 11 મૂર્તિ પાસે ચાણક્યપુરીના પોશ વિસ્તારમાં રવિવારની સવારે ફુલ સ્પીડમાં આવતા થાર કાર ચાલકે રસ્તા પર ચાલીને જઇ રહેલા બે લોકોને કચડી નાંખવાની ઘટના બની છે. આ એક્સિડેન્ટમાં 1 વ્યક્તિનું કરુણ મોત થયું છે અને બીજો વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે, જ્યાં ગંભીર એક્સિડેન્ટ થયો છે, જે રાષ્ટ્રપતિ ભવનથી માત્ર 2 કિમી દૂર છે. થારને સ્પીડ એટલી વધારે હતી કે આગળનું ટાયર પણ નીકળી ગયું હતું.
ભાજપ લોકતંત્ર અને સંવિધાન ખતમ કરી રહી છે, SIR બહું મોટું કૌભાંડ છે : તેજસ્વી યાદવ
બિહારમાં આરજેડી નેતા તેજસ્વી યાદવે ભાજપ આકરા પ્રહાર કર્યા છે. એક પ્રેસ કોન્ફરન્સમાં તેજસ્વી યાદવે કહ્યું કે, અમે વારંવાર કહી રહ્યા છીએ કે, લોકતંત્ર અને સંવિધાનને ભાજપ ખતમ કરી રહી છે, SIR બહું મોટું કૌભાંડ છે, અદાલતમાં આ મામલો છે અને અમે પુરાવા સાથે અમારી વાત રજૂ કરીશું કે કેવા પ્રકારની ગેરરીતિઓ ચાલી રહી છે. બિહારના નાયબ મુખ્યમંત્રી વિજય કુમાર સિન્હા પાસે બે EPIC નંબર છે, તે પણ અલગ અળગ વિધાનસભા ક્ષેત્રના, 1માં 57 વર્ષ ઉંમર છે તો બીજામાં 60 વર્ષ છે. ચૂંટણી પંચની એપ્લિકેશન પર આ ઓનલાઇન પણ છે.