Today Latest News Update in Gujarati 11 June 2025: રાજા રઘુવંશી હત્યાકાંડના પાંચ આરોપીઓને શિલોંગ કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. મેઘાલય પોલીસે સોનમ રઘુવંશી, રાજ કુશવાહા સહિત પાંચેય આરોપીઓને કોર્ટમાં રજુ કર્યા હતા. બધા આરોપીઓને કોર્ટે 8 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી દીધા છે. સૂત્રોના મતે પોલીસે 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા.
રાહુલ ગાંધીએ PM મોદીને પત્ર લખીને SC-ST વિદ્યાર્થીઓ માટે આવી માંગણી કરી
લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ પીએમ નરેન્દ્ર મોદીને પત્ર લખીને રહેણાંક છાત્રાલયોમાં રહેતા SC, ST, EBC, OBC અને લઘુમતી વિદ્યાર્થીઓની ખરાબ સ્થિતિ વિશે વાત કરી છે. આ ઉપરાંત, તેમણે આ સમુદાયોના વિદ્યાર્થીઓને આપવામાં આવતી પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિમાં વિલંબનો મુદ્દો પણ ઉઠાવ્યો છે. રાહુલ ગાંધીએ પોતાના પત્રમાં પીએમ નરેન્દ્ર મોદીને આ બંને ‘ગંભીર મુદ્દાઓ’ ઉકેલવા કહ્યું છે. રાહુલે દાવો કર્યો છે કે આ બે કારણોસર, હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોના 90% વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક તકો અવરોધાય છે.
LOx લીક થવાને કારણે શુભાંશુ શુક્લાનું Axiom-4 મિશન ફરી મુલતવી રખાયું
ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લાનું Axiom-4 મિશન ફરી એકવાર મુલતવી રાખવામાં આવ્યું છે. આ મિશન હેઠળ શુક્લાને આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) મોકલવાના હતા. ‘સ્ટેટિક ફાયર’ પરીક્ષણ પછી બૂસ્ટરની તપાસ દરમિયાન પ્રવાહી ઓક્સિજન (LOx) લીક થયું હોવાનું જાણવા મળ્યું. આ પછી, આ મિશન ફરી એકવાર મુલતવી રાખવામાં આવ્યું છે. સ્પેસએક્સ કંપનીએ આ માહિતી આપી છે.
ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા આજે બુધવારે ઇતિહાસ રચવા જઈ રહ્યા હતા. શુક્લા અને અન્ય ત્રણ લોકોને Axiom-4 મિશન માટે ભારતીય સમય મુજબ બુધવારે સાંજે 5.30 વાગ્યે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) માટે લોન્ચ કરવાના હતા. શુભાંશુ શુક્લાનું આ મિશન અગાઉ પણ મુલતવી રાખવામાં આવ્યું છે.





