Today Latest News Update in Gujarati 18 June 2025: અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 208 મૃતકોનાં ડીએનએ સેમ્પલ મેચ થયા છે. અત્યાર સુધીમાં કુલ 173 પાર્થિવ દેહ પરિવારજનોને સોંપાવામાં આવ્યા છે. સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.રાકેશ જોશીએ મીડિયા બ્રીફિંગમાં આ જણાવ્યું હતું. મીડિયા બ્રીફિંગમાં વધુ વિગતો આપતા ડો.રાકેશ જોશીએ જણાવ્યું હતું કે 14 પરિવારો નજીકના સમયમાં સ્વજનોના પાર્થિવ દેહ સ્વીકારવા આવશે. જ્યારે 12 પરિવારો બીજા સ્વજનના ડીએનએ મેચની રાહમાં છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, 173 મૃતકોમાં 131 ભારતના નાગરિક, 4 પોર્ટુગલના, 30 બ્રિટિશ નાગરિક, 1 કેનેડિયન તેમજ 6 નોન- પેસેન્જરનો સમાવેશ થાય છે.
પીએમ મોદી ક્રોએશિયા પહોંચ્યા
પીએમ મોદી કેનેડાના કનાનાસ્કિસની મુલાકાત પૂર્ણ કર્યા પછી તેમની ત્રણ દેશોની મુલાકાતના છેલ્લા તબક્કામાં ક્રોએશિયાના ઝાગ્રેબ પહોંચ્યા છે. આ પહેલા તેમણે કેનેડામાં જી-7 સંમેલનમાં ભાગ લીધો હતો.
ગુજરાતમાં વરસાદ
ગુજરાતમાં ચોમાસું બેશી ગયું છે. સમગ્ર રાજ્યમાં વરસાદ પડી રહ્યો છે ત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદી આફત ઊભી થઈ છે. ખાસ કરીને ભાવનગર અને બોટાદમાં ભારે વરસાદ ખાબકતા પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 227 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધારે વરસાદ બોટાદ, સુરેન્દ્રનગર, જામનગર અને ભાવનગરમાં નોંધાયો છે.
બોટાદના ગઢડામાં 18 લોકોનું રેસ્ક્યૂ, સુખભાદર ડેમના 4 દરવાજા ખોલાયા
સૌરાષ્ટ્રના બોટાદમાં આભ ફાટવા જેવી પરિસ્થિતિનું નિર્માણ થતાં મંગળવારે ગઢડામાં વરસાદના ધસમસતા પાણીમાં ફસાયેલા 18 લોકોનું દિલધડક રેસ્ક્યુ કરાયું. તો બોટાદની ભાદર નદી પર સ્થિત સુખભાદર ડેમ ઓવરફ્લો થતાં 4 દરવાજા ખોલવામાં આવ્યાં.





