Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 11 April 2025, આજના તાજા સમાચાર: ચીને અમેરિકા પર 125 ટકા ટેરિફ લાદવાની ઘોષણા કરી છે. ચીનના નાણા મંત્રાલયને ટાંકીને રોઇટર્સના એક રિપોર્ટમાં જણાવાયું છે કે, 12 એપ્રિલથી ચીન અમેરિકાના માલસામાન પર 125 ટકા ટેરિફ લાદશે, જે અગાઉ જાહેર કરાયેલા 84 ટકાથી વધારે છે. અમેરિકાના વહીવટીતંત્ર ઘણા દેશો પર 90 દિવસ માટે ટેરિફ સ્થગિત કરવાનો નિર્ણય લીધાના એક દિવસ પછી આ વાત સામે આવી છે.
જો કે અમેરિકા એ ચીન 145 ટકા ટેરિફ લાદી છે. રોઇટર્સના એક અહેવાલ મુજબ, ચીનના નાણાં મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “ચીન પર અમેરિકા દ્વારા અસામાન્ય રીતે ઊંચા ટેરિફ લાદવાથી આંતરરાષ્ટ્રીય અને આર્થિક વેપાર નિયમો, મૂળભૂત આર્થિક કાયદાઓનું ગંભીર ઉલ્લંઘન થાય છે અને તે સંપૂર્ણપણે એકપક્ષીય ગુંડાગીરી અને બળજબરી છે.
તમિલનાડુમાં ભાજપ અને AIADMK વચ્ચે ગઠબંધન
તમિલનાડુમાં ભાજપ અને AIADMK વચ્ચે ગઠબંધન થયું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આજે AIADMK અને BJP ના નેતાઓએ સાથે મળીને નિર્ણય લીધો છે કે આગામી તમિલનાડુ વિધાનસભા ચૂંટણી AIADMK, BJP અને NDA ના રૂપમાં બધા સહયોગી પક્ષો સાથે મળીને લડશે.
સેન્સેક્સ 1200 પોઇન્ટ ઉછળી 75000 પાર, ટાટા મોટર્સ 5 ટકા વધ્યો
શેરબજાર સેન્સેક્સ નિફ્ટી શુક્રવારે જબરદસ્ત ઉછાળે ખુલ્યા હતા. સેન્સેક્સ પાછલા બંધ 73847 સામે 1000 પોઇન્ટ ઉછળી શુક્રવારે 74835 ખુલ્યો હતો. ટાટા ગ્રૂપ શેર સહિત રિલાયન્સ શેરમાં તેજીથી માર્કેટ ટ્રેડિંગ સેશનની શરૂઆતમાં સેન્સેક્સ 1200 પોઇન્ટથી વધુ ઉછળી 75100 લેવલ ક્રોસ કરી ગયો હતો. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 22399 સામે આજે 22695 ખુલ્યો હતો. બ્લુ ચીપમાં તેજીથી 390 પોઇન્ટ જેટલો ઉછળી 22787 સુધી વધ્યો હતો. સેન્સેક્સ ટોપ 5 ગેઇનર શેરમાં ટાટા મોટર્સ 4.6 ટકા, સન ફાર્મા 4 ટકા, ટાટા સ્ટીલ 3.7 ટકા, ટેક મહિન્દ્રા 2.6 ટકા અને એચસીએલ ટેક 2.5 ટકા વધ્યા હતા. બેંક નિફ્ટી 700 પોઇન્ટ અને નિફ્ટી આઈટી ઇન્ડેક્સ 330 પોઇન્ટ વધ્યા હતા.
અમેરિકાના ન્યુયોર્કમાં બેકાબૂ હેલિકોપ્ટર નદીમાં પડ્યું, 6 લોકોના કરૂણ મોત
અમેરિકાના ન્યુયોર્કમાં એક ખતરનાક અકસ્માત થયો છે. ન્યુયોર્ક સિટીના ગગનચુંબી ઇમારતો અને ચમકતા આકાશ વચ્ચે ગુરુવારે બપોરે (સ્થાનિક સમય) એક હૃદયદ્રાવક અકસ્માત થયો હતો. એક પ્રવાસી હેલિકોપ્ટર હડસન નદીમાં તૂટી પડતાં ઓછામાં ઓછા છ લોકોનાં મોત થયાં છે.
અકસ્માત એટલો ભયંકર હતો કે કેટલાક લોકોએ હેલિકોપ્ટરના ટુકડા હવામાં પડતા જોયા. અહેવાલો અનુસાર, અકસ્માત સ્થાનિક સમય અનુસાર બપોરે 3:15 વાગ્યે થયો જ્યારે બેલ 206 હેલિકોપ્ટર ડાઉનટાઉન મેનહટનમાં હેલીપોર્ટ પરથી ઉડાન ભરી. તેનો માર્ગ સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની ઉપર અને ન્યુ જર્સી તરફ હતો. તેમાં સ્પેનિશ પરિવારના પાંચ સભ્યો અને એક પાઈલટ સવાર હતા.





