Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 13 April 2025, આજના તાજા સમાચાર: બસપાના વડા માયાવતીએ તેમના ભત્રીજા આકાશ આનંદને માફ કરી દીધો છે. જોકે આ વખતે તેમણે સ્પષ્ટ કરી દીધું છે કે તે ફરીથી આકાશને પોતાનો ઉત્તરાધિકારી નહીં બનાવે. તેમણે X હેન્ડલ પર લખ્યું કે આકાશને બીજી તક આપવામાં આવી છે.
જયપુપરમાં કારનું ભયંકર એક્સિડેન્ટ, એક જ પરિવારના 5 લોકોના મોત
રાજસ્થાનના જયપુરમાં કાર અને ટ્રેલર વચ્ચે ભયંકર એક્સિડેન્ટમાં 5 લોકોના કરુણ મોત થયા છે. આ એક્સિડેન્ટમાં કારમાં સવાર એક જ પરિવારના 5 લોકોના મોત થયા છે. જયપુરના રાયસર પોલીસ સ્ટેશનની હદમાં મનોહરપુર દૌસા નેશનલ હાઇવે પર નેકાવાલા ટોલ પાસે સવારે થયો હતો. કારમાં સવાર મૃતકો ખાટુશ્યા મંદિર દર્શન કરવા જઇ રહ્યા હતા. ત્યારે સામેથી આવેલા ટ્રેલરે જોરદાર ટક્કર મારી હતી. મૃતકો ઉત્તરપ્રદેશના લખનઉના રહેવાસી હતા. મૃતકોના નામ સત્યપ્રકાશ સોની – 60 વર્ષ, પત્ની રામાદેવી – 55 વર્ષ, પુત્ર અભિષેક સોની – 35 વર્ષ, વહુ પ્રિયાંશી – 30 વર્ષ અને છ મહિનાની પૌત્રી છે. આ તમામ લોકો રાજસ્થાન ફરવા આવ્યા હતા.
વડોદરામાં બીટેક ભણતા જમ્મુ કાશ્મીરના વિદ્યાર્થીનો આપઘાત, હોસ્ટેલમાં ગળાફાંસો ખાધો
વડોદરામાં એમએસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી છે. એમએસ યુનિવર્સિટીમાં બીટેકના બીજા વર્ષમાં અભ્યાસ કરતા અભિષેક મિશ્રા નામના વિદ્યાર્થીએ એમ વિશ્વેસરાય હોસ્ટેલમાં ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી છે. આત્મહત્યા કરનાર વિદ્યાર્થી અભિષેક મિશ્રા મૂળ જમ્મુ કાશ્મીરનો રહેવાસી છે અને વડોદરા અભ્યાસ માટે આવ્યો હતો. આત્મહત્યાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો. વિદ્યાર્થીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પોલીસી મૃતક વિદ્યાર્થીના મિત્રો અને હોસ્ટેલના વોર્ડનના નિવેદન લઇ તપાસ હાથ ધરી છે.
ગુજરાતમાં આજે PSIની 472 પોસ્ટ માટે 1.02 લાખ ઉમેદવારોની લેખિત પરીક્ષા
ગુજરાતમાં આજે પીએસઆઈની 472 પોસ્ટ માટે રાજ્યમાં લેખિત પરીક્ષા યોજવાની છે. આ પરીક્ષામાં 1,02,935 ઉમેદવારો પીએસઆઈની લેખિત પરીક્ષા આપવાના છે. રાજ્યમાં અમદાવાદ, વડોદરા અને સુરતની કૂલ 340 સ્કૂલમાં પરીક્ષા યોજવાની છે. આ પરીક્ષા બિનહથિયાર ધારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની નોકરી માટે છે. અગાઉ જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં લેવામાં આવેલી શારીરિક કસોટીમાં ઉર્તીર્ણ થયેલા ઉમેદવારો પીએસઆઈની લેખિત પરીક્ષા આપવાના છે. પીએસઆઈની પરીક્ષામાં કોઇ ગેરરીતિ ન થાય તેની માટે કડક વ્યવસ્થા કરવામાં આવી છે. 8 લાખથી વધુ પોલીસ અને શિક્ષણ વિભાગના અધિકારી કર્મચારીઓ આ પરીક્ષાલક્ષી કામગીરી કરવાના છે.
મુર્શિદાબાદમાં હિંસા બાદ સેના તૈનાત, હિંસામાં 3 લોકોના મોત થયા હતા
પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં વકફ (સંશોધન) અધિનિયમ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન દરમિયાન વખતે હિંસા ફાટી નીકળી હતી. આ હિંસા અને આગચંપીમાં 3 લોકોના મોત થયા છે. મુર્શિદાબાદમાં હિંસા બાદ કેન્દ્રીય અર્ધલશ્કરી દળો તૈનાત કરવામાં આવી છે. આઈજીપી દક્ષિણ બંગાળ ફ્રંટિયર બીએસએફ કરણી શેખાવતે કહ્યું કે, અમે અમારી 5 ટીમ મોકલી છે અને તે તમામ પોલીસ સાથે છે. અમે સ્થિતિને નિયંત્રિત કરવામાં મદદ કરીશું.





