Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 18 May 2025, આજના તાજા સમાચાર: અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના સ્પ્રિંગ્સ શહેરમાં ફર્ટિલિટી ક્લિનિક બહાર ભયંકર બોમ્બ બ્લાસ્ટ થયો છે. આ ઘટનામાં 1 વ્યક્તિનું મોત અને 4 વ્યક્તિ ઘાયલ થયા. બોમ્બ વિસ્ફોટથી ક્લિનિકને નુકસાન થયું છે. અમેરિકાની તપાસ એજન્સી FBI આ ઘટનાને જાણી જોઇને કરાયેલું આતંકવાદી કૃત્ય ગણાવ્યું છે. એફબીઆઈ લોસ એન્જલ્સ હેડક્વાર્ટરના વડા અકીલ ડેવિસે કહ્યું કે, ક્લિનિકને જાણી જોઇને ટાર્ગેટ કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં મૃતકની હજી ઓળખ થઇ શકી નથી. આ ઘટનાનું લાઇવ ટેલીકાસ્ટ (ઇન્ટરનેટ પર) કરવામાં આવ્યું છે કે તેની તપાસ ચાલી રહી છે.
બિહારમાં ટ્રક કાર વચ્ચે એક્સિડેન્ટ, 3 લોકોના મોત
બિહારના નવાદા વિસ્તારમાં સવારે કારને ટ્રકે ટક્કર મારતા ભયંકર એક્સિડેન્ટ થયો છે. લગ્ન માંથી પરત આવી રહેલી કારને ટ્રકે પાછળથી ટક્કર મારતા 3 લોકોના મોત અને 2 વ્યક્તિને ગંભીર ઇજા થઇ છે. ટ્રકે એટલી ભંયકર ટક્કર મારી હતી કે કારનો બુકડો બોલાઈ ગયો હતો.
ઈસરો ઇઓએસ 09 મિશન લોન્ચિંગ નિષ્ફળ
ઈસરો (ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન) આજે ઈઓએસ-9 સેટેલાઈટ લોન્ચ કરવાનું હતું, પરંતુ છેલ્લી ઘડીએ તે અસફળ રહ્યું છે. ઇસરોએ શરૂઆતમાં પીએસએલવીમાં ટેકનિકલ ખામીને સેટેલાઇટ લોન્ચિંગ અસફળ રહેવાનું મુખ્ય કારણ ગણાવ્યું છે. જો કે હવે આ સમસ્યા કેમ ઉભી થઇ છે તેની મોટા પાયે તપાસ થઇ રહી છે, જેના કારણે આવું મહત્વપૂર્ણ મિશન નિષ્ફળ ગયું હતું. ISROના વડા વી નારાયણને જણાવ્યું હતું કે, ત્રીજા તબક્કાના ઓપરેશન દરમિયાન, અમે એક નિરીક્ષણ જોઈ રહ્યા છીએ અને મિશન પૂર્ણ થઈ શક્યું નથી. વિશ્લેષણ પછી, આપણે પાછા આવીશું.





