Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 2 April 2025, આજના તાજા સમાચાર: સંસદમાં બુધવારે વક્ફ (સંશોધન) બિલ, 2024 લોકસભામાં રજૂ કરવામાં આવ્યું છે. ભાજપના નેતા કિરણ રીજ્જુએ વક્ફ સશોધન રજૂ કરતી વખતે કહ્યું કે, જેપીસી એ મહત્વપૂર્ણ કામ કર્યું છે. જો કે કોંગ્રેસ સહિત ઘણા વિપક્ષો એ વક્ફ બિલનો વિરોધ કર્યો છે. જેડીયુ અને ટીડીપીએ વક્ફ બિલનું સમર્થન કર્યું છે.
જામનગરમાં જેગુઆર ફાઈટર પ્લેન ક્રેશ
જામનગરના કાલાવડ રોડ પર આવેલા સુવરડા ગામની સીમમાં જેગુઆર પ્લેન ક્રેશ થયું છે. જે વિસ્તારમાં પ્લેન ક્રેશ થયું તે સમગ્ર વિસ્તાર આગની લપેટમાં આવી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ SP, કલેક્ટર અને 108 સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)એ વક્ફ બિલનું સમર્થન કર્યું
તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)એ વક્ફ બિલનું સમર્થન કર્યું છે. ટીડીપીનાના સાંસદ કૃષ્ણ પ્રસાદ તેન્નટીએ જણાવ્યું હતું કે વકફ પાસે 1.2 લાખ કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે. આ મિલકતો ગેરવહીવટનો ભોગ બની છે. અમારી પાર્ટી માને છે કે આ મિલકતનો ઉપયોગ મુસ્લિમોના કલ્યાણ માટે, મહિલાઓના કલ્યાણ માટે થવો જોઈએ. અમારું માનવું છે કે આમાં સુધારો કરવાની જરૂર છે. અમે જેપીસીની માંગણી કરનાર પ્રથમ પક્ષ હતા. અમે વક્ફ બિલનું સમર્થન કરીએ છીએ.
આ બિલ કોઈપણ રીતે મુસ્લિમ વિરોધી નથી – JDU સાંસદ લલ્લન સિંહ
JDU સાંસદ અને કેન્દ્ર સરકારમાં પંચાયતી રાજ મંત્રી રાજીવ રંજન સિંહ ઉર્ફે લલ્લન સિંહે કહ્યું કે એવો નેરેટિવ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે આ બિલ મુસલમાન વિરોધી છે. આ બિલ કોઈપણ રીતે મુસ્લિમ વિરોધી નથી. શું વકફ એક મુસ્લિમ સંસ્થા છે. વકફ કોઈ ધાર્મિક સંસ્થા નથી, તે એક ટ્રસ્ટ છે જે મુસ્લિમોના કલ્યાણ માટે કામ કરે છે. તે ટ્રસ્ટને તમામ વર્ગના લોકો સાથે ન્યાય કરવાનો અધિકાર હોવો જોઈએ, જે થઈ રહ્યું નથી. વકફની આવક યોગ્ય જગ્યાએ ખર્ચ થાય તે સુનિશ્ચિત કરવા માટે આ સુધારો કરવામાં આવ્યો છે. આમાં શું સમસ્યા છે. શું તમે મુસ્લિમોના કલ્યાણની વિરુદ્ધ છો.
વક્ફ સુધારા બિલ પર ગૌરવ ગોગોઈએ શું કહ્યું
લોકસભામાં કોંગ્રેસના નેતા ગૌરવ ગોગોઈએ વક્ફ સુધારા બિલ પર ચર્ચા દરમિયાન કહ્યું કે સરકાર લઘુમતીઓ પ્રત્યે સહાનુભૂતિ દાખવી રહી છે પરંતુ તેમની ડબલ એન્જિન સરકારે લોકોને રસ્તાઓ પર ઈદની નમાજ અદા કરવાની મંજૂરી આપી નહીં. સૌ પ્રથમ તેમણે સ્પષ્ટ કરવું જોઈએ કે લોકસભામાં તેમના કેટલા લઘુમતી સાંસદો છે.
મહારાષ્ટ્રના બુલઢાણામાં ત્રિપલ અકસ્માતમાં 5 લોકોના મોત
મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાના શેગાંવ ખામગાંવ હાઈવે પર એક ખાનગી બસ, એક એસ.ટી. બસ અને બોલેરો વચ્ચે આ ભીષણ અકસ્માત સર્જાયો હતો. વહેલી સવારે પૂરપાટ ગતિએ દોડતી બોલેરો કાર એસ.ટી.બસ સાથે અથડાઈ હતી. જેના લીધે પાછળ આવતી ખાનગી બસ પણ આ અકસ્માતમાં લપેટાઈ ગઈ હતી. ભયાનક અકસ્માતમાં 5 લોકો ઘટનાસ્થળે જ મૃત્યુ પામી ગયા. જોકે 24 લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા છે.
ગુજરાતમાં હીટવેવ અને માવઠાંની બેવડી આગાહી
ગુજરાતમાં અત્યારે બેવડી આગાહી થઈ રહી છે ત્યારે સૌરાષ્ટ્રના ભાવનગર, દીવ અને કચ્છમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. જ્યારે પોરબંદરમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત મધ્ય ગુજરાતમાં ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં કમોસમી વરાસદની આગાહી કરવામાં આવી છે.





