Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 23 April 2025, આજના તાજા સમાચાર: પહેલગામ હુમલા અંગે મળેલી સીસીએસની બેઠક હવે પૂરી થઈ ગઈ છે, આ બેઠક લગભગ અઢી કલાક ચાલી હતી. આ બેઠકની અધ્યક્ષતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી. આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, વિદેશ મંત્રી એસ જયશંકર અને NSA અજિત ડોવાલ ઉપસ્થિત રહ્યા હતા.
બારામૂલામાં સુરક્ષા દળોએ બે આતંકીઓને ઠાર માર્યા
મંગળવારે 23 એપ્રિલ 2025ના રોજ બપોરે લગભગ 3 વાગ્યે કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં લગભગ 26 લોકો માર્યા ગયા હતા. આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા મોટાભાગના લોકો પ્રવાસીઓ હતા. આ હુમલાને 2019ના પુલવામા હુમલા બાદ ઘાટીમાં સૌથી ઘાતક હુમલો ગણાવવામાં આવી રહ્યો છે. લોકોએ જણાવ્યું કે આતંકવાદીઓ પોલીસ વર્દીમાં ત્યાં પહોંચ્યા હતા.
સુરક્ષા દળોએ બારામૂલામાં બે આતંકીઓને ઠાર માર્યા છે. પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સેના સતત જમ્મુ કાશ્મીરમાં અનેક જગ્યાઓ ઉપર સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.
PM મોદીએ વિદેશ મંત્રી, NSA સાથે બેઠક કરી
પીએમ નરેન્દ્ર મોદી પણ પોતાનો બે દિવસીય સાઉદી પ્રવાસ છોડીને પોતાના દેશ પરત આવી ગયા છે. ભારતમાં પગ મુકતાની સાથે જ એરપોર્ટ ઉપર જ હાઈલેવલ બેઠક બોલાવી હતી. કાશ્મીરમાં પહેલગામ આતંકી હુમલાના પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદેશ મંત્રી ડૉ એસ જયશંકર, NSA અજીત ડોભાલ, વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રી અને અન્ય અધિકારીઓ સાથે બેઠક કરી હતી. વડાપ્રધાન મોદીએ ઘટના અંગેની તમામ માહિતી મેળવી હતી.
પહેલગામમાં આતંકવાદી ઘટના બાદ દુનિયાભરના દેશોના વડાઓએ આતંકવાદ સામેની લડાઈમાં ભારતને સમર્થન આપ્યું છે. અમેરિકા અને રશિયાએ પણ કહ્યું છે કે તેઓ આતંકવાદ સામેની લડાઈમાં ભારતને સાથ આપશે.





