Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 28 May 2025, આજના તાજા સમાચાર: ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું છે કે તેમની સેનાએ હમાસ ગાઝાના પ્રમુખ મોહમ્મદ સિનવારને મારી નાખ્યો છે. મોહમ્મદ સિનવાર ઇઝરાયેલના મોસ્ટ વોન્ટેડ લોકોમાંથી એક હતો અને ભૂતપૂર્વ હમાસ નેતા યાહ્યા સિનવારનો ભાઈ હતો. દક્ષિણ શહેર ખાન યુનિસમાં યુરોપિયન હોસ્પિટલના પરિસર અને આસપાસના વિસ્તારમાં મોહમ્મદ સિનવારને નિશાન બનાવીને મોટો હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં હમાસનું ભૂમિગત માળખું નાશ પામ્યું હતું. ગાઝાના હમાસ સંચાલિત આરોગ્ય મંત્રાલયે તે સમયે માહિતી આપી હતી કે 28 લોકો માર્યા ગયા છે. હમાસે સિનવારના મૃત્યુની પુષ્ટિ કે ખંડન કર્યું નથી.
ગુજરાતની 8327 ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર, 22 જૂને મતદાન
ગુજરાત રાજ્ય ચૂંટણી કમિશનરે આજે બુધવારે ગુજરાતની 8327 ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. લાંબા સમયથી પેન્ડીંગ રહેલી ગ્રામ પંચાયતોની 22 જૂનના રોજ મતદાન થશે જ્યારે 25 જૂનના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. 2 જૂને ચૂંટણી અંગેનું જાહેરનામું બહાર પડાશે. 9 જૂન સુધી ઉમેદવારીપત્ર ભરી શકાશે. 10 જૂને ફોર્મની ચકાસણી કરાશે અને 11 જૂન સુધી ઉમેદવારી પત્ર પરત ખેંચી શકાશે.
અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ફરી ધમધમ્યું JCB
અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદે દબાણો દૂર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે આજે સવારે પણ ચંડોળા તળાવ પર જેસીબી ધમધમી રહ્યા છે. આજે 28 મે, બુધવારના રોજ સવારથી અમદાવાદ કોર્પોરેશનના દક્ષિણ ઝોન અને અન્ય ઝોનની એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા ચુસ્ત પોલીસ-બંદોબસ્ત વચ્ચે ગરીબ નવાબ મસ્જિદ, હનુમાન મંદિર તેમજ અન્ય મંદિર-મસ્જિદ સહિતનાં ધાર્મિક સ્થાનો દૂર કરાયાં છે. ઇસનપુર દશા માતા મંદિર નજીક તળાવની કેટલીક જગ્યામાં નાનાં કાચાં-પાકાં મકાનો પણ તોડવામાં આવ્યાં હતાં.
ઓપરેશન સિંદૂર ડેલિગેશનમાં સામેલ નેતા ગુલામ નબી આઝાદની તબિયત લથડી
રાજ્યસભામાં વિરોધ પક્ષના ભૂતપૂર્વ નેતા ગુલામ નબી આઝાદ બીમાર પડ્યા છે. ગુલામ નબી આઝાદ પશ્ચિમ એશિયા અને ઉત્તર આફ્રિકાના પ્રવાસે ગયા હતા પરંતુ ત્યાં તેમની તબિયત બગડી ગઈ હતી અને તેમને કુવૈતની હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ પોતાનો પ્રવાસ છોડીને ભારત પાછા આવી શકે છે.
ગુલામ નબી આઝાદ ભાજપના સાંસદ બૈજયંત પાંડાના નેતૃત્વ હેઠળના પ્રતિનિધિમંડળનો ભાગ છે. જણાવવાનું કે સાંસદો અને નેતાઓના સાત પ્રતિનિધિમંડળો ઓપરેશન સિંદૂર વિશે જણાવવા માટે વિશ્વના ઘણા દેશોમાં ગયા છે. આ પ્રતિનિધિમંડળ સાઉદી અરેબિયા પહોંચ્યું હતું અને હવે તેમને અલ્જેરિયા પણ જવાનું છે. પાંડાએ કહ્યું કે ગુલામ નબી આઝાદને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે, તેમની હાલત સ્થિર છે, અમે તેમને સાઉદી અરેબિયા અને અલ્જેરિયામાં યાદ કરીશું.





