Hidma Encounter: આંધ્ર પ્રદેશમાં મંગળવારે સવારે સુરક્ષા દળોએ નક્સલી માડવી હિડમા (51) સહિત છ લોકોને ઠાર કર્યા છે. હિડમા ઉર્ફે સંતોષ તેની પત્ની અને અન્ય સાથીઓ સાથે છત્તીસગઢથી ભાગી રહ્યો હતો. આંધ્ર પ્રદેશના અલ્લુરી સીતારામ રાજુ જિલ્લાના મારેડુમલ્લી જંગલમાં સવારે સુરક્ષા દળોએ અથડામણમાં હિડમા અને તેના સાથીઓને ઘેરી લીધા હતા અને એન્કાઉન્ટરમાં ઠાર કર્યા છે.
એક ઉચ્ચ અધિકારીએ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક અઠવાડિયાથી આંધ્ર પ્રદેશની એસઆઈબી/ગુપ્તચર એજન્સીઓને આંધ્ર પ્રદેશ, છત્તીસગઢ અને ઓડિશા સરહદ નજીક માઓવાદીઓની હિલચાલ વિશે માહિતી મળી હતી. આ ઇનપુટ્સના આધારે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને સુરક્ષા દળોને આ સફળતા મળી છે.
તાજેતરમાં જ્યારે મલ્લોજુલા વેણુગોપાલ રાવ ઉર્ફે સોનુએ આત્મસમર્પણ કર્યું ત્યારે એક વરિષ્ઠ સુરક્ષા અધિકારીએ કહ્યું હતું કે હવે હિડમા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. તે સૌથી ખતરનાક કમાન્ડર છે અને તેની શોધ પર ધ્યાન કેન્દ્રિત કરાશે.
સોમવારે મોડી રાત્રે કોમ્બિંગ ઓપરેશન શરૂ કરાયું
આંધ્ર પ્રદેશના નક્સલ વિરોધી દળ ‘ગ્રેહાઉન્ડ્સ’ અને સ્થાનિક પોલીસે સોમવારે મોડી રાત્રે કોમ્બિંગ ઓપરેશન શરૂ કર્યું હતું. તેમને માહિતી મળી હતી કે આંધ્ર પ્રદેશ, છત્તીસગઢ અને ઓડિશા સરહદના જંગલોમાં મોટી સંખ્યામાં માઓવાદીઓ ફરતા હતા. મળતી માહિતી મુજબ માઓવાદીઓનું આ જૂથ સરહદના જંગલ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યું હતું, ત્યારબાદ સુરક્ષા દળોએ કાર્યવાહી હાથ ધરી હતી.
હિડમા કોણ હતો?
હિડમા શરુઆતથી જ નક્સલવાદી વિચારધારાથી પ્રભાવિત હતો. છેલ્લા દસેક વર્ષથી તે માઓવાદી કમાન્ડરના રુપમાં સક્રિય હતો. તાજેતરમાં જ તેને કેન્દ્રિય કમિટીનો સભ્ય પણ બનાવી દેવાયો હતો. જે નક્સલ સંગઠનમાં બીજો સૌથી મોટો હોદ્દો છે. મિલિટ્રી લીડર તરીકે ઘણા મોટા હુમલાઓમાં તેનું નામ સામે આવ્યું હતું.
હિડમા એ કરેલા હુમલા અને સંડોવણી
નાનપણથી નક્સલ બની ગયેલ હિડમા આગળ જતાં નક્સલ સંગઠનમાં લીડર બની જતાં જંગલ વિસ્તારમાં તેણે ઘણો આતંક મચાવ્યો હતો.
- બસ્તર વિસ્તારમાં હિડમાનો આતંક જાણીતો છે. તેના કારણે બસ્તર વિસ્તારમાં અંદાજે 155 જવાનો માર્યા ગયા હતા.
- 6 એપ્રિલ 2010 ના રોજ સીઆરપીએફ ટુકડી પર મોટો હુમલો કરાયો હતો જેમાં 76 જવાનો શહીદ થયા હતા. આ હુમલો પણ તેણે જ કરાવ્યો હતો.
- 11 માર્ચ 2017 ના રોજ બુરકાપાલ વિસ્તારમાં કરાયેલા અન્ય એક હુમલામાં 12 જવાનો શહીદ થયા હતા.
- 30 એપ્રિલ 2017 ના રોજ થયેલા બીજા એક હુમલામાં સીઆરપીએફના 25 જવાનો શહીદ થયા હતા.
- 21 માર્ચ 2020ના રોજ થયેલા હુમલામાં વધુ 17 જવાનો શહીદ થયા હતા.
હિડમા વર્ષ 2009થી 2021 સુધી પીપલ્સ લિબરેશન ગુરિલ્લા આર્મી (PLGA) મિલિટ્રી બટાલિયનો નંબર-1 કમાન્ડર રહ્યો અને પછી કમાન્ડ બન્યો હતો. હિડમાની પત્ની અંગે એવું કહેવાય છે કે એ પણ સંગઠનનો એક ભાગ હતી અને સુરક્ષા જવાનો સાથેની એક અથડામણમાં ઠાર કરાઇ હતી.
મંગળવારે સવારે અલ્લુરી સીતારામ રાજુ જિલ્લાના એસપી અમિત બરાદરે ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે છ માઓવાદીઓ માર્યા ગયા છે. ઓપરેશન હજુ પણ ચાલુ છે.
આંધ્ર પ્રદેશમાં માઓવાદી વિરોધી અભિયાન
મંગળવારે સવારે હાથ ધરવામાં આવેલું માઓવાદી વિરોધી ઓપરેશન આંધ્ર પ્રદેશમાં લાંબા સમયથી ચાલતું હતું. આનું કારણ રાજ્યમાં માઓવાદી ગતિવિધિઓમાં ઘટાડો છે. રાજ્યમાં અગાઉ એપ્રિલ અને જૂનમાં એન્કાઉન્ટર જોવા મળ્યા હતા.
વધુ વાંચો: દિલ્હી બ્લાસ્ટ મામલે અલ ફલાહ યુનિવર્સિટીમાં મોટુ ઓપરેશન
ઉલ્લેખનીય છે કે, 18 જૂનના રોજ થયેલી એન્કાઉન્ટરમાં કેન્દ્રીય સમિતિના સભ્ય અને એનઆઈએના મોસ્ટ વોન્ટેડ લિસ્ટ ગજરલા રવિ અને વરિષ્ઠ માઓવાદી નેતા ચલપતિ ઉર્ફે અપ્પા રાવની પત્ની અરુણા સહિત ત્રણ માઓવાદીઓ માર્યા ગયા હતા.





