Turkey Fire: તુર્કીની એક હોટલમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. ઉત્તર-પશ્ચિમ તુર્કીમાં એક સ્કી રિસોર્ટમાં એક હોટલમાં લાગેલી આગમાં ઓછામાં ઓછા 66 લોકોનાં મોત નીપજ્યાં હતાં અને 51 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. તુર્કીના ગૃહ મંત્રીએ દુર્ઘટનાની પુષ્ટિ કરતા કહ્યું કે એક લોકપ્રિય સ્કી રિસોર્ટમાં એક હોટલમાં લાગેલી આગમાં ઓછામાં ઓછા 66 લોકો માર્યા ગયા છે. મંત્રીએ જણાવ્યું હતું કે, મંગળવારે વહેલી સવારે લાગેલી આગમાં ઓછામાં ઓછા 51 લોકો ઇજાગ્રસ્ત થયા છે.
ગૃહ મંત્રી અલી યેરલિકાયાએ સ્થળની મુલાકાત લીધા પછી પત્રકારોને જણાવ્યું હતું કે અમે ખૂબ જ દુ:ખી છીએ. કમનસીબે આ હોટલમાં લાગેલી આગમાં 66 લોકોએ જીવ ગુમાવ્યો છે.
હોટલમાં 238 રજિસ્ટર્ડ ગેસ્ટ હતા
અલી યેરલિકાયાએ જણાવ્યું હતું કે ઇસ્તંબુલથી લગભગ 300 કિલોમીટર (185 માઇલ) પૂર્વમાં બોલુ પ્રાંતના કોરોગ્લુ પર્વતોમાં કાર્તલ્કયા રિસોર્ટમાં ગ્રાન્ડ કાર્તલ હોટલમાં લાગેલી આગમાં ઓછામાં ઓછા 51 લોકો ઘાયલ થયા છે. સ્કૂલોના સેમેસ્ટર બ્રેક દરમિયાન આગ ફાટી નીકળી હતી, જ્યારે આ વિસ્તારની હોટલો ખીચોખીચ ભરાઈ ગઈ હતી. હોટલમાં 238 રજિસ્ટર્ડ ગેસ્ટ હતા.
આરોગ્ય મંત્રી કમાલ મેમિસોગ્લુએ જણાવ્યું હતું કે ઘાયલોમાંથી ઓછામાં ઓછા એકની હાલત ગંભીર છે જ્યારે 17 અન્ય લોકોને રજા આપવામાં આવી છે.
ગૃહમંત્રી યેરલિકાયાએ પત્રકારોને જણાવ્યું કે આગ લાગવાની જાણકારી સવારે 3:27 વાગ્યે મળી હતી અને ફાયર બ્રિગેડની ટીમ સવારે 4:15 વાગ્યે પહોંચી હતી. સરકારે અકસ્માતની તપાસનું નેતૃત્વ કરવા માટે 6 અધિકારીઓની નિમણૂક કરી હતી.
લોકો ગભરાઈને બિલ્ડિંગ પરથી કૂદી પડ્યા
ગર્વનર અબ્દુલઅઝીઝ આયડિને રાજ્ય સરકારને જણાવ્યું હતું કે ગભરાટમાં બિલ્ડિંગમાંથી કૂદવાના કારણે ઓછામાં ઓછા બે પીડિતોનાં મોત નીપજ્યાં હતાં. કેટલાક સ્થાનિક મીડિયાએ અહેવાલ આપ્યો છે કે કેટલાક લોકોએ ચાદરો અને ધાબળાઓનો ઉપયોગ કરીને તેમના રુમમાંથી નીચે ઉતરવાનો પ્રયાસ કર્યો હતો. હોટેલના સ્કી ઇન્સ્ટ્રક્ટર નેકમી કેપસેટુટને જણાવ્યું હતું કે આગ લાગી ત્યારે તે ઊંઘી રહ્યો હતો અને તે બિલ્ડિંગની બહાર દોડી ગયો હતો.
હોટલના સેન્સરો થયા ફેલ
સાક્ષીઓ અને અહેવાલો દર્શાવે છે કે હોટલની ફાયર ડિટેક્શન સિસ્ટમ કામ કરવામાં નિષ્ફળ ગઈ છે. ત્રીજા માળે રહેતા એક મહેમાન યેલ્કોવાને આઇએચએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે મારી પત્નીને સળગવાની ગંધ આવી હતી પરંતુ એલાર્મ વાગ્યું ન હતું, અમે ઉપર જવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ જઇ શક્યા નહીં, આગની જ્વાળાઓ વિકરાળ હતી.
આ પણ વાંચો – ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ બન્યા, પીએમ મોદીએ અભિનંદન પાઠવ્યા
161 રૂમવાળી હોટલનો એક ભાગ ખડકની ધાર પર છે, જેથી આગ બુઝાવવામાં બાધા આવી રહી હતી. ગૃહ મંત્રી યેરલિકાયાએ પુષ્ટિ કરી હતી કે પાછળનો ભાગ ઢોળાવ પર હોવાથી તે ફક્ત આગળ અને બાજુથી જ પ્રવેશ કરી શકાય છે.
તુર્કીના રાષ્ટ્રપતિએ દુ:ખ વ્યક્ત કર્યું
અંકારામાં એક સંબોધનમાં રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને કહ્યું કે દુર્ભાગ્યવશ, અમને આજે બોલુ કાર્તલકાયાથી ખૂબ જ દુ:ખદ સમાચાર મળ્યા. એક હોટલમાં લાગેલી આગમાં અમારા ભાઈ-બહેનો માર્યા ગયા હતા અને ઘાયલ થયા હતા. તેમણે જણાવ્યું હતું કે ઘટનાના તમામ પાસાઓને ઉજાગર કરવા અને જવાબદાર લોકોને જવાબદાર ઠેરવવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવશે.





