U.S. Presidential Inauguration January : અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણીના પરિણામોને લઈને જબરદસ્ત હલચલ જોવા મળી હતી અને અંતે રિપબ્લિકન ડોનાલ્ડ ટ્રમ્પે ડેમોક્રેટ કમલા હેરિસને હરાવ્યા હતા. ટ્રમ્પે શાનદાર જીત મેળવી હતી. ભારતમાં ઘણી જગ્યાએ ટ્રમ્પની જીતની ઉજવણી કરવામાં આવી હતી. અમેરિકાની ચૂંટણી પ્રક્રિયા જોયા બાદ મનમાં સવાલ ઉઠે છે કે જ્યારે નવેમ્બરમાં રાષ્ટ્રપતિની ચૂંટણી થાય છે ત્યારે ચૂંટાયેલા નવા રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિને શપથ લેવા માટે આવતા વર્ષે જાન્યુઆરીની રાહ કેમ જોવી પડે છે?
અમેરિકાની ચૂંટણીમાં રસ ધરાવતા લોકોના મનમાં અનેક સવાલો છે, નવા રાષ્ટ્રપતિને શપથ લેવડાવવાની પ્રક્રિયા શું છે? અમેરિકામાં નવા રાષ્ટ્રપતિના શપથ ગ્રહણ સમારંભના દિવસને ઇનોગ્રેશન ડે કહેવામાં આવે છે. આ ઇનોગ્રેશન ડે નું શું મહત્વ છે? શપથ ગ્રહણ સમારોહમાં કોણ કોણ સામેલ થાય છે?
ઇલેક્ટોરલ કોલેજ એટલે શું?
ઇલેક્ટોરલ કોલેજ એ યુ.એસ. રાષ્ટ્રપતિની ચૂંટણીની એક વિશેષતા છે અને તેની સ્થાપના અમેરિકાના બંધારણ દ્વારા કરવામાં આવી છે. જેમાં 538 ઇલેક્ટરનો સમાવેશ થાય છે. ઇલેક્ટરની સંખ્યા દરેક રાજ્યમાં અલગ અલગ હોય છે. ચૂંટણી જીતવા માટે 270 વોટની જરૂર છે. ચૂંટણીમાં સાત સ્વિંગ રાજ્યો પેન્સિલવેનિયા, જ્યોર્જિયા, નોર્થ કેરોલિના, મિશિગન, એરિઝોના, વિસ્કોન્સિન અને નેવાડાની ચૂંટણીમાં મહત્વની ભૂમિકા ભજવે છે. રાષ્ટ્રપતિની ચૂંટણી દર ચાર વર્ષે યોજાય છે.
નવેમ્બરમાં જ ચૂંટણી યોજાય છે
અમેરિકામાં દર વખતે નવેમ્બર મહિનામાં ચૂંટણી થાય છે અને આ ચૂંટણી મહિનાના પહેલા મંગળવારે યોજાય છે. રાષ્ટ્રપતિ માટે શપથ લેવાનો દિવસ 20 જાન્યુઆરી નક્કી કરવામાં આવ્યો છે. અમેરિકાના બંધારણમાં રાષ્ટ્રપતિની ચૂંટણીથી લઈને શપથ સુધીના ચાર મહિના ટ્રાન્ઝિશન પ્લાનિંગ માટે રાખવામાં આવ્યા હતા, પરંતુ 1933માં બંધારણના 20માં સુધારા દ્વારા તેને ઘટાડીને 3 મહિના કરી દેવામાં આવ્યા હતા. આ સમય દરમિયાન વિદાય લેનારા રાષ્ટ્રપતિ આ પદ પર રહે છે પરંતુ તેમની પાસે રાષ્ટ્રપતિને મળનારી શક્તિઓ હોતી નથી.
ટ્રાન્ઝિશન પ્લાનિંગ માટેનો સમય
ટ્રાન્ઝિશન પ્લાનિંગનો સમય અમેરિકાના શાસનને નવા રાષ્ટ્રપતિના શપથગ્રહણ માટેની તૈયારી કરવાની તક આપે છે. આ સમય કેબિનેટની રચના કરવાનો અને સરકારના કામકાજને લગતી નીતિઓ ઘડવાનો હોય છે. અમેરિકામાં આગામી સરકાર વધુ સારી રીતે ચાલે તે માટે આ પ્રકારની તૈયારી ખૂબ જ જરૂરી છે.
આ પણ વાંચો – અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પનો વિજય, જાણો પીએમ મોદી સહિત વૈશ્વિક નેતાઓએ શું કહ્યું
આ દરમિયાન કાનૂની વાતોનું ધ્યાન રાખવામાં આવે છે અને એ સુનિશ્ચિત કરવામાં આવે છે કે નવા રાષ્ટ્રપતિના શપથ લેતા પહેલા ચૂંટણી સાથે સંબંધિત તમામ કાનૂની પડકારોનો ઉકેલ લાવવામાં આવે.
ઇનોગ્રેશન ડે ના દિવસે શું થાય છે?
રાષ્ટ્રપતિનો શપથવિધિ સમારોહ દર્શાવે છે કે નવા ચૂંટાયેલા પ્રમુખને સત્તા હસ્તાંતરિત કરવામાં આવી છે. 20 જાન્યુઆરીએ આ સમારોહ યુએસ કેપિટલની સીડીઓ પર થાય છે. રાષ્ટ્રપતિ શપથમાં સંવિધાન બનાવી રાખવા અને રાષ્ટ્રપતિ પદ પર રહેતા તેમની ફરજો નિષ્ઠાપૂર્વક નિભાવવાના શપથ લે છે. અમેરિકાના બંધારણ મુજબ શપથ લેવા જરૂરી છે. શપથ ગ્રહણ બાદ નવા રાષ્ટ્રપતિ ભાષણ આપે છે અને આ દરમિયાન તેઓ જણાવે છે કે તેઓ પોતાના કાર્યકાળમાં શું કરશે અને તેમની પ્રાથમિકતાઓ શું છે? જ્યોર્જ વોશિંગ્ટનના સમયથી આ પરંપરા ચાલી રહી છે.
આ પ્રસંગે યુએસ કેપિટલમાં ઔપચારિક લંચનું આયોજન કરવામાં આવે છે અને તેમાં કોંગ્રેસ સાથે સંકળાયેલા અન્ય તમામ મહત્વપૂર્ણ લોકો હાજર રહે છે. નવા રાષ્ટ્રપતિ લંચ પછી મિલિટ્રી સૈનિકોની ટુકડીની સમીક્ષા કરે છે. અમેરિકામાં આ પણ એક પરંપરા છે જે નવા કમાન્ડર ઇન ચીફના માનમાં આપવામાં આવે છે. આ દરમિયાન પેન્સિલ્વેનિયા એવન્યુથી વ્હાઇટ હાઉસ સુધી ઔપચારિક સરઘસ પણ કાઢવામાં આવે છે. ત્યારબાદ એક લશ્કરી એસ્કોર્ટ કેપિટલથી વ્હાઇટ હાઉસ સુધી જાય છે અને તેમાં સૈન્યની ઘણી શાખાઓ સામેલ થાય છે.
એ જ સાંજે નવા રાષ્ટ્રપતિ અને તેમના પ્રશાસનના માનમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે અને સામાન્ય લોકો પણ તેમાં ભાગ લે છે. જોકે આ દિવસે અમેરિકામાં કોઈ જાહેર રજા નથી હોતી, પરંતુ મોટી સંખ્યામાં લોકો આ કાર્યક્રમોમાં જોડાય છે અથવા ટેલિવિઝન અથવા ઓનલાઇન મોડ દ્વારા આ કાર્યક્રમો જુએ છે.
તમામ રાજકીય પડકારો અને વિવાદો છતાં આ ચૂંટણી પ્રક્રિયા અમેરિકાની લોકશાહી વ્યવસ્થાની તાકાત દર્શાવે છે અને ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ દેશને એક નવા રાષ્ટ્રપતિ મળે છે જે વચન આપે છે કે તેઓ દેશને નવી ઊંચાઈઓ પર લઈ જશે.





