US Election Results 2024 Updates, અમેરિકા રાષ્ટ્રપતિ ચૂંટણી 2024 લેટેસ્ટ અપડેટ્સ : અમેરિકાની ચૂંટણીમાં નિર્ણાયક ક્ષણ આવી ગઈ છે. રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન શરુ થઇ ગયું છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસ વચ્ચે ઘણો રસપ્રદ મુકાબલો છે. દુનિયાની સૌથી જૂની લોકશાહીમાં આ વખતે કોણ જીતવાનું છે તે તો થોડા સમયમાં જ ખબર પડી જશે. આ વખતે અમેરિકાની ચૂંટણીમાં ઘણા મુદ્દાઓનો દબદબો રહ્યો છે. વાત ગેરકાયદે ઇમિગ્રેશન હોય કે ગાઝા યુદ્ધ, ગર્ભપાત હોય કે મોંઘવારી દરેક મુદ્દે વિચારધારાની લડાઈ સ્પષ્ટ જોવા મળી છે.
અમેરિકામાં ભારતીય સમય પ્રમાણે સાંજે 4.30 કલાકે (અમેરિકામાં સવારના 6.00 કલાક)મતદાન શરુ થઇ ગયું છે. ત્યાં રાજ્યો પ્રમાણે અલગ-અલગ સમયે વોટિંગ થાય છે. મોટી વાત એ છે કે અમેરિકાની ચૂંટણીમાં ગમે તે પક્ષ જીતે તેની અસર આખી દુનિયા પર પડશે. વેપાર, અર્થવ્યવસ્થા અને દ્વિપક્ષીય સંબંધોને અસર થવાની જ છે. આવી સ્થિતિમાં ભારત સહિત દરેક દેશની નજર આ ચૂંટણી પર છે.
અમેરિકામાં કુલ 538 ઈલેક્ટોરલ વોટ
અમેરિકામાં કુલ 538 ઈલેક્ટોરલ કોલેજ વોટ છે, જેમાંથી 270 કે તેથી વધુ મેળવનાર ઉમેદવાર વિજેતા બને છે. દરેકની નજર એવા ‘સ્વિંગ’ રાજ્યો પર છે જ્યાં મતદારોએ હજુ સુધી કોઈ એક પક્ષને મત આપવાનું નક્કી કર્યું નથી. આ સાત સ્વિંગ સ્ટેટ્સમાં વિસ્કોન્સિન, મિશિગન, પેન્સિલવેનિયા, નેવાડા, એરિઝોના, નોર્થ કેરોલિના, જ્યોર્જિયા છે. જેમાં કુલ 93 ઈલેક્ટોરલ વોટ ચૂંટણીનું ભવિષ્ય નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.





