Uttarakhand Government Agniveer Job: અગ્નિવીર વિશે ઉત્તરાખંડ સરકારે મોટી જાહેરાત કરી છે. અગ્નિવીરો માટે આ કોઈ ભેટથી કમ નથી. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ રવિવારે કહ્યું કે, દેશની સેવા કરીને પરત ફરેલા રાજ્યના અગ્નિવીરોને રાજ્યના વિવિધ વિભાગોમાં સ્થાન આપવામાં આવશે અને આ માટે અનામતની જોગવાઈ પણ કરવામાં આવશે.
અગ્નિવીર માટે ઉત્તરાખંડ સરકારની યોજના
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું કે, અગ્નિવીર યોજના શરૂ થયા બાદ તેમણે સેનાના અધિકારીઓ, પૂર્વ અધિકારીઓ, જવાનો અને અન્ય લોકો સાથે બેઠક કરી હતી અને 15 જૂન, 2022 ના રોજ સોશિયલ મીડિયા એક્સ પર જાહેરાત કરી હતી કે, તેમની સરકાર પોલીસ સહિત રાજ્યના અન્ય વિભાગોમાં દેશની સેવા કર્યા પછી પરત આવી રહેલા અગ્નિવીરને સમાવી લેશે અને પ્રાધાન્ય આપશે.
રાજ્ય સરકાર એક પ્રસ્તાવ લઈને આવશે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે અગ્નિવીરો માટે પણ અનામતની જોગવાઈ કરવામાં આવશે. ધામીએ કહ્યું કે, જો અગ્નિવીરને સમાવવા માટે કોઈ કાયદો બનાવવો જરૂરી છે, તો તે માટેનો પ્રસ્તાવ પણ મંત્રીમંડળમાં લાવવામાં આવશે અને વિધાનસભામાં મૂકવામાં આવશે.
ઉત્તરાખંડના યુવાનો સેનામાં જોડાવા માંગે છે
આ દરમિયાન ઉત્તરાખંડ ના મુખ્યમંત્રીએ કહ્યું કે ઉત્તરાખંડ એક સૈનિક પ્રભુત્વ ધરાવતું રાજ્ય છે. અહીં સૈનિકોએ આગળ પોતાના જીવન વિશે વિચારવાની જરૂર નથી. સરકારે અધિકારીઓને નક્કર યોજના તૈયાર કરવા સૂચના આપી છે. તેમણે કહ્યું કે, અહીંના યુવાનો મોટા પાયે સેનામાં જોડાવા માંગે છે.
નિવૃત્ત સૈનિકોને મળશે નોકરી
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર સેનામાં ચાર વર્ષની સેવા પૂર્ણ કર્યા બાદ નિવૃત્ત સૈનિકોને કામે લગાડવામાં કોઈ કસર છોડશે નહીં. સરકાર ઈચ્છે છે કે સેનામાં ચાર વર્ષ પૂરા કર્યા બાદ પણ અગ્નિવીરોને રાજ્યમાં પુષ્કળ નોકરીઓ અને રોજગારની તકો મળે.





