Uttarkashi Cloudburst : ઉત્તરાખંડના ઉત્તરકાશીના ધરાલી ગામમાં વાદળ ફાટ્યા બાદ કુદરતનો પ્રકોપ જોવા મળ્યો હતો. મંગળવારે ધરાલી ગામના ખીરગંગામાં અચાનક વાદળ ફાટવાની ઘટના બની હતી. ત્યારબાદ આવેલા પૂરે ભારે તબાહી મચાવી છે. આ કુદરતી આફતમાં 100થી વધુ લોકો ગુમ થયાના અહેવાલ છે. પ્રશાસને 4 લોકોના મોતની જાણકારી આપી છે. સાથે જ આ આંકડો પણ વધી શકે છે. બચાવ કામગીરી ચાલી રહી છે.
જણાવવામાં આવી રહ્યું છે કે એક જગ્યાએ લગભગ 20 મીટર ઉંચો કાટમાળ એકઠો થયો છે, જેમાં ઘણા લોકો દટાયા હોવાનું કહેવાય છે. પ્રત્યક્ષદર્શીએ આ ઘટનાને નજરે જોઇ છે.
મેં મારી આંખો સામે ઘણી હોટલો તણાતા જોઇ – પ્રત્યક્ષદર્શી
બીબીસીએ આ ઘટના અંગે પ્રત્યક્ષદર્શીઓ સાથે વાત કરી છે. આસ્થા પવાર ધરાલી ગામની રહેવાસી છે અને તેનું ઘર રસ્તાથી થોડે દૂર છે. આસ્થાએ જણાવ્યું કે હું ઉપરના માળે રહું છું, તેથી હું જાણું છું કે નીચે કેટલું નુકસાન થયું છે. મેં મારી આંખો સામે ઘણી બધી હોટલો તણાતા જોઇ હતી અને એવું નથી કે બધું જ એક સાથે વહી ગયું તેવું નથી.
આસ્થાના મુજબ પહેલી લહેર જે આવી તે એકદમ ભયાનક હતી. આસ્થાએ જણાવ્યું કે દર 10થી 20 મિનિટની વચ્ચે કાટમાળની લહેર આવતી હતી અને તે તેની સાથે હોટલ તણાઇ જતી હતી.
રાત્રે પૂજા થઇ હતી
આસ્થાએ જણાવ્યું કે અમને કોઈ ચેતવણી આપવામાં આવી ન હતી અને કોઈને પણ ખબર ન હતી કે આટલી મોટી દુર્ઘટના થવાની છે. આસ્થાએ જણાવ્યું હતું કે ધરાલી ગામના મોટાભાગના લોકો એક સ્થાનિક પૂજામાં ભાગ લેવાની તૈયારી કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે સદ્ભાગ્યે આ ઘટના 4 ઓગસ્ટની રાત્રે બની ન હતી જ્યારે આખું ગામ પૂજામાં ભાગ લઈ રહ્યું હતું. આસ્થાએ કહ્યું કે જો અમને ચેતવણી આપવામાં આવી હોત તો અમે પૂજામાં ન ગયા હોત, પરંતુ કોઈ એલર્ટ જારી કરવામાં આવ્યું ન હતું, બાળકો સ્કૂલમાં હતા, બધું સામાન્ય હતું.
આ પણ વાંચો – ઉત્તરાખંડના ધરાલીમાં વાદળ ફાટ્યું, હોટલ-ઘરો તણખલાંની જેમ તણાયા, જુઓ ભયાવહ તસવીરો
બધું જ ખતમ થઇ ગયું છે – આસ્થા
આસ્થાએ કહ્યું કે અહીં ઘણી મોટી હોટલો હતી, ત્રણથી ચાર માળની હોટલો હતી અને હવે તેમની છત પણ દેખાતી નથી. તેણે કહ્યું કે આખું માર્કેટ પૂરું થઈ ગયું છે, ધરાલી ખૂબ મોટું બજાર હતું અને અહીં એક ખૂબ મોટું મંદિર હતું. આસ્થા અનુસાર હવે તેને કંઈ દેખાતું નથી, બધું જ નષ્ટ થઈ ગયું છે. કલ્પ કેદાર મંદિર પણ દેખાતું નથી.
ધરાલી ગંગોત્રી જવાના રસ્તે પડે છે અને હર્ષિલ વેલી નજીકમાં જ આવેલી છે. કલ્પ કેદાર અહીંનું એક સ્થાનિક મંદિર છે, જ્યાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પૂજા-અર્ચના માટે આવે છે. ચાર ધામ યાત્રાનો રૂટ ધરાલીમાંથી પણ પસાર થાય છે. આવી સ્થિતિમાં ઘણી વખત ભક્તો ધરાલીમાં રોકાઈ જાય છે.
ટીમો રાહત અને બચાવ કાર્યમાં લાગી ગઈ
એનડીઆરએફ, એસડીઆરએફ અને જિલ્લા પ્રશાસનની ટીમો રાહત અને બચાવ કાર્યમાં લાગી ગઈ છે. ભારતીય સેનાના જવાનો પણ રાહત કાર્યમાં લાગેલા છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ ઘટના પર દુખ વ્યક્ત કરીને ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી સાથે વાત કરી અને દરેક સંભવ મદદની ખાતરી આપી છે. દિલ્હીથી પણ ટીમો મોકલવામાં આવી છે.





