Viral Turmeric Trend : સોશિયલ મીડિયા પર રોજ અવનવા વીડિયો વાયરલ થતા હોય છે. જોકે ક્યારેક એટલા વીડિયો વાયરલ થાય છે કે એક ટ્રેન્ડ બની જાય છે. હાલ મોટાભાગની રીલ્સમાં તમે જોતા હશો કે લોકો પાણીમાં હળદર ઉમેરીને વીડિયો બનાવી રહ્યા છે. આ રીતે પાણીમાં હળદર નાખવાનો અર્થ શું છે. જો તમે વિચારી રહ્યા છો કે આ એક નકામું કામ છે તો તમે સંપૂર્ણપણે ખોટા છો. પાણીમાં હળદર ઓગાળીને એક ખતરનાક સંયોજન શોધી શકાય છે.
વાયરલ ટ્રેન્ડ શું છે?
વાયરલ ટ્રેન્ડ વીડિયોમાં જોવા મળે છે કે અંધારામાં ફોનની ફ્લેશ લાઇટ પર કાચનો ગ્લાસ પાણીથી ભરેલો મુકવામાં આવે છે અને પછી ચમચીથી પાણીમાં હળદર નાખવામાં આવે છે. જેથી ચમકતી ક્ષણને કેદ કરી શકાય. મોટાભાગના લોકો બાળકો સાથે આ વીડિયો બનાવી રહ્યા છે અને બાળકો પણ તેને જોઈને ખૂબ ખુશ છે. પરંતુ આ વાયરલ ટ્રેન્ડ તમને હળદરની ભેળસેળ શોધવામાં પણ મદદ કરી શકે છે. જાણો કેવી રીતે
હળદરની ભેળસેળ કેવી રીતે શોધવી
હળદર પાણીમાં ઓગાળીને તેમાં રહેલી ભેળસેળ શોધી શકાય છે. આજકાલ મોટાભાગના લોકો ઘરોમાં પેકેટ હળદરનો ઉપયોગ કરે છે. આવી સ્થિતિમાં ભેળસેળનો ડર રહે છે. પાણીમાં હળદર ઓગાળીને આ ભેળસેળ શોધી શકાય છે.
આ પણ વાંચો – વાઘ વિ દીપડો : બન્નેની લડાઈમાં કોણ જીતશે? જાણો અહીં
જો હળદરમાં સીસાના ક્રોમેટની ભેળસેળ હોય તો તેને શોધવાની પદ્ધતિ FSSAI દ્વારા જણાવવામાં આવી છે. જો એક ગ્લાસ પાણીમાં એક ચમચી હળદર નાખવામાં આવે અને તે પુરી રીતે નીચે બેસી જાય અને પાણીમાં ખૂબ જ હળવો રંગ આવે તો તે શુદ્ધ હળદર છે. બીજી તરફ જો લેડ ક્રોમેટની ભેળસેળવાળી હળદર પાણીમાં નાખવામાં આવે તો તે સંપૂર્ણપણે ઓગળી જાય છે અને ખૂબ જ ઓછી માત્રામાં નીચે બેસી થઈ જાય છે. પાણીનો રંગ પીળો દેખાવા લાગે છે. આ પ્રકારની હળદર ખાવાનું ટાળવું જોઈએ.
ભેળસેળ વગરની હળદરની ઓળખ
જો તમને ભેળસેળ વગરની હળદર જોઈતી હોય તો બજારમાં ઉપલબ્ધ આખી હળદરને જાતે જ પીસીને મેળવો. આ પ્રકારની હળદર વાપરવા માટે સૌથી સલામત છે અને તે ભેળસેળ વગરની રહેશે.





