Wayanad Landslide Accident : વાયનાડ ભૂસ્ખલન અકસ્માતની ઘણી કરુણ કહાનીઓ છે. ગયા વર્ષે શાળામાં એક લેખન સ્પર્ધા દરમિયાન 8મા ધોરણના વિદ્યાર્થીની લાયા દ્વારા પ્રકૃતિ પર લખવામાં આવેલો એક નિબંધ ખૂબ ચર્ચામાં છે. જેમાં તેણે બદલાતા હવામાન પર ઘણું લખ્યું હતું. તેની કહાનીમાં એક નાની છોકરીને દર્શાવવામાં આવી છે. જે ધોધમાં ડૂબી જાય છે અને પછી પક્ષીના રૂપમાં પોતાના ગામમાં આવે છે. તે પક્ષી ગામડાના બાળકોને ચેતવણી આપે છે કે, નદીઓ અને નાળાઓ પાસે ન જાવ, તેનાથી દૂર રહો.
પક્ષી કહે છે, ‘બાળકો, ગામથી ભાગી જાઓ. આગળ ખતરો છે.’ બાળકો ભાગી જાય છે, પરંતુ જ્યારે તેઓ ટેકરી તરફ જુએ છે, ત્યારે તેઓને પહાડી પરથી નીચે આવતુ વરસાદનું પાણી વહેતું દેખાય છે. અને તેઓ જુએ છે કે, પક્ષી એક સુંદર છોકરીમાં પરિવર્તિત થઈ જાય છે, હવે લાયાના પિતાનું પણ વાયનાડમાં પૂર દરમિયાન મૃત્યુ થયું છે.
ગામનો નાશ થયો છે
આજે ચુરલમાલા ગામ એક વિશાળ ભૂસ્ખલનથી પૂરે પૂરૂ નાશ પામ્યું છે, જેમાં સેંકડો લોકો માર્યા ગયા છે. આ અકસ્માતમાં નિબંધ લખનારી છોકરી લાયાના પિતા લેનિન પણ સામેલ છે. શાળાના 497 વિદ્યાર્થીઓમાંથી 32ના મોત પણ થયા છે. સત્તાવાર માહિતી અનુસાર, મૃત્યુઆંક 308 પહોંચ્યો છે. ભૂસ્ખલન બાદ બચી ગયેલા લોકોને નાની-મોટી ઈજાઓ સાથે બચાવી લેવાયા છે. 160થી વધુ લોકો હજુ પણ ગુમ હોવાનું કહેવાય છે. ચુરલમાલાની શાળા સંપૂર્ણપણે નાશ પામી ગઈ છે. આ અકસ્માતમાં શાળાના મુખ્ય શિક્ષક અને ઘણા શિક્ષકોનો મહામુશ્કેલીથી આબાદ બચાવ થયો છે.
એક પ્રેમાળ અને ખુશીઓથી ભરેલુ ગામ હતુ
18 વર્ષથી ચુરલમાલાની શાળામાં ભણાવતા શિક્ષક કહે છે કે, આ ગામ હંમેશાથી આવકારદાયક, પ્રેમાળ અને મૈત્રીપૂર્ણ ગામ રહ્યું છે. અહીં એલચી અને ચાના બગીચાઓમાં કામ કરતા મોટાભાગના કામદારો રહે છે. તેઓ કહે છે, “છેલ્લાં કેટલાંક વર્ષોમાં ગામનાં ઘણાં યુવાનો શિક્ષત થયા છે અને બગીચાની બહાર પણ કારકિર્દી બનાવી રહ્યા છે. “તે રાત્રે તેમની દુનિયા થોડી જ સેકન્ડોમાં સમાપ્ત થઈ ગઈ.” શાળાના 11 બાળકો હજુ પણ ગુમ છે. શિક્ષકો વિદ્યાર્થીઓ અને તેમના પરિવારોને શોધવા માટે સખત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો – વરસાદી તબાહી : ક્યાંક વાદળ ફાટ્યા તો ક્યાંક ભૂસ્ખલન તો ક્યાંક રેકોર્ડ બ્રેક વરસાદ, ઉત્તરથી દક્ષિણ સુધી કુદરતનો કહેર
પ્રિન્સિપાલ કહે છે, “આ બાળકો બધા ગામના જ છે, જે હવે નથી રહ્યા. શાળાની બિલ્ડીંગની હાલત વિશે મને ખબર નથી. “અત્યાર સુધી અમે ગામની નજીક જઈ શક્યા નથી કારણ કે, ત્યાં પહોંચવા માટે કોઈ પુલ નથી.” સમગ્ર વિસ્તારની બે શાળામાંથી 44 બાળકો ગુમ છે. કાટમાળમાંથી ઘણા મૃતદેહ મળી આવ્યા છે, મૃત્યુઆંક વધી શકે છે.





