Swami Nithyananda Net Worth: સ્વામી નિત્યાનંદ એક એવું નામ છે જે થોડા વર્ષો પહેલા ચર્ચામાં આવ્યું હતું જ્યારે તેણે નિત્યાનંદ કૈલાસા નામનો દેશ બનાવવાનો દાવો કર્યો હતો. સ્વયંભૂ સંત સ્વામી નિત્યાનંદ વિશે એવા સમાચાર આવી રહ્યા છે કે તે ટૂંક સમયમાં કૈલાસા સાથે સંબંધિત નવી જાહેરાત કરી શકે છે. કૈલાસાના પ્રતિનિધિ વિજયપ્રિયાએ એક વખત દાવો કર્યો હતો કે સંયુક્ત રાષ્ટ્ર (યુએન)એ દાવો કર્યો હતો કે નિત્યાનંદના દેશ કૈલાસાની વસ્તી લગભગ 20 લાખ છે.
નિત્યાનંદની ગણતરી દેશના સૌથી અમીર બાબાઓમાં થાય છે, તે અલગ વાત છે કે તે હાલ ભારતમાં રહેતા નથી. અહેવાલો અનુસાર નિત્યાનંદ પાસે 100 – 200 કે 500 કરોડ નહીં પરંતુ હજારો કરોડ રૂપિયાની સંપત્તિ છે. અને આ સંપત્તિની તાકાતથી તેણે પોતાનો અલગ દેશ બનાવવાનો દાવો કર્યો છે. પરંતુ શું તમે જાણો છો કે નિત્યાનંદ ભારતમાંથી કેમ ભાગી ગયો? 2019માં ભારત છોડીને ભાગી જનાર નિત્યાનંદ પર બળાત્કાર અને અપહરણ જેવા ઘણા મોટા અને ગંભીર આરોપ છે. પોતાને સંત કહેનાર નિત્યાનંદ કોણ છે? કેટલી સંપત્તિ છે? જાણો વિગતવાર
કૈલાસના પ્રતિનિધિ વિજયપ્રિયાએ કથિત સ્વામી નિત્યાનંદને સંયુક્ત રાષ્ટ્રમાં હિન્દુઓના સર્વોચ્ચ ગુરુ ગણાવ્યા હતા. આ ઉપરાંત કૈલાસાના 20 લાખ પ્રવાસી હિન્દુઓ પર અત્યાચારને રોકવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે પગલાં લેવા પણ અવાજ ઉઠાવ્યો હતો.
નિત્યાનંદ કૈલાસા ક્યાં આવેલ છે?
રિપોર્ટ્સ અનુસાર નિત્યાનંદ પર 2010માં રેપનો આરોપ લાગ્યો હતો. અને અહીંથી સ્વામી નિત્યાનંદની અપરાધ કુંડળી ખુલવા લાગી. 2019માં નિત્યાનંદે ભારત છોડીને દક્ષિણ અમેરિકાના ઇક્વાડોરમાં જંગી જમીન ખરીદી હતી. આ જગ્યાએ તેણે કૈલાસા વસાવ્યું અને બાદમાં દાવો કર્યો કે તે એક અલગ દેશ છે.
નિત્યાનંદ ભારતમાંથી ફરાર
વર્ષ 2019માં જ્યારે બાબા દેશમાંથી ભાગી ગયા હતા ત્યારે તમામ મીડિયા રિપોર્ટ્સમાં અલગ અલગ દાવા કરવામાં આવ્યા હતા. કેટલાક અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે નિત્યાનંદનો પાસપોર્ટ 2018માં સમાપ્ત થઈ ગયો હતો. ત્યારે નિત્યાનંદે નકલી પાસપોર્ટ બનાવ્યો અને પછી દેશમાંથી ભાગી ગયો કે કેમ તેવા સવાલો ઉભા થયા? નિત્યાનંદ ભારતમાં તેમની સામે નોંધાયેલા ઘણા કેસોની સુનાવણીમાં હાજર થયા ન હતા. એવા અહેવાલો પણ આવ્યા હતા કે તે નેપાળ થઈને ઇક્વાડોર ભાગી ગયો હતો. 2019માં ગુજરાત પોલીસે નિત્યાનંદના દેશમાંથી ભાગવાની જાણકારી હાઇકોર્ટને આપી હતી.
નિત્યાનંદ સામે બળાત્કાર અને અપહરણના અનેક આરોપ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર નિત્યાનંદનો જન્મ 1 જાન્યુઆરી 1978ના રોજ તમિલનાડુમાં થયો હતો. ઘણી જગ્યાએ એવો દાવો કરવામાં આવ્યો હતો કે તેણે 12 વર્ષની ઉંમરથી જ રામકૃષ્ણ મઠમાં શિક્ષણ લેવાનું શરૂ કર્યું હતું. 2003માં નિત્યાનંદનો પહેલો આશ્રમ બેંગ્લોર પાસે ખોલવામાં આવ્યો હતો. આ પછી, આ પ્રક્રિયા અટકી નહીં અને નિત્યાનંદે દેશભરમાં ઘણા આશ્રમો બનાવ્યા.
2010માં નિત્યાનંદ ત્યારે ચર્ચામાં આવ્યા જ્યારે તેમનો એક અશ્લીલ વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં સ્વયંભૂ સ્વામી એક અભિનેત્રી સાથે વાંધાજનક સ્થિતિમાં હતા. આ પછી, તેની સામે કેસ નોંધવામાં આવ્યો, બાબાની ધરપકડ કરવામાં આવી અને ત્યારબાદ જામીન પણ મળી ગઇ.
વર્ષ 2010નું વર્ષ હતું જ્યારે અમેરિકામાં એક મહિલાએ નિત્યાનંદ પર ગંભીર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. મહિલાએ દાવો કર્યો હતો કે નિત્યાનંદે ધર્મના નામે વર્ષો સુધી તેનું શોષણ કર્યું હતું અને તેની સામે બેંગલુરુમાં કેસ નોંધવામાં આવ્યો હતો.
આ સુનાવણી 2018માં શરૂ થઈ હતી પરંતુ હાઈપ્રોફાઈલ બાબા ક્યારેય કોર્ટમાં હાજર થયા નહોતા. વર્ષ 2012માં નિત્યાનંદ પર ફરીથી રેપનો આરોપ લગાવીને તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો. આ વખતે નિત્યાનંદ જેલમાંથી ફરાર થઇ ગયા, જોકે પાછળથી તેણે આત્મસમર્પણ કરવું પડ્યું હતું.
2019માં નિત્યાનંદ પર ગુજરાતના એક દંપતીએ પોતાની બે પુત્રીઓનું અપહરણ કરવાનો આરોપ લગાવ્યો હતો. કેસ નોંધીને હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. આ લોકોએ આરોપ લગાવ્યો હતો કે તેમની પુત્રીઓને નિત્યાનંદ દ્વારા બળજબરીથી બંધક બનાવવામાં આવી હતી અને કસ્ટડીની માંગ કરી હતી. પરંતુ વિચિત્ર વાત એ હતી કે છોકરીઓએ માતા-પિતા સાથે જવાની ના પાડી દીધી હતી.
નિત્યાનંદ પાસે કેટલી સંપત્તિ છે?
જો તમે વિચારી રહ્યા હશો કે સ્વામી નિત્યાનંદ પાસે કેટલા પૈસા છે, તો કદાચ તમે તેની કલ્પના પણ નહીં કરી શકો. નિત્યાનંદ ની ગણતરી ભારતના સૌથી ધનિક બાબામાં પણ થાય છે. તેની પાસે બાબા રામદેવ, શ્રી શ્રી રવિશંકર, આસારામ, રામ રહીમથી પણ વધુ સંપત્તિ છે. રિપોર્ટ્સ અનુસાર નિત્યાનંદની નેટવર્થ લગભગ 10000 કરોડ રૂપિયા છે. જી હા, આટલી અઢળક સંપત્તિના કારણે નિત્યાનંદ ઇક્વાડોર જઇને અલગ ટાપુ ખરીદવાના અને હવે પોતાના અલગ દેશ કૈલાસ બનાવવાનો દાવો કરી રહ્યા છે.