અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના દેશમાં રહેતા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ વિરુદ્ધ એક મોટું અભિયાન ચલાવી રહ્યા છે. આ અંતર્ગત 5 ફેબ્રુઆરીએ અમેરિકાથી એક લશ્કરી વિમાન 104 ભારતીય નાગરિકોને લઈને પંજાબના અમૃતસર એરપોર્ટ ખાતે પહોંચ્યું છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં દેશનિકાલ માટે લશ્કરી વિમાનનો ઉપયોગ અસામાન્ય છે કારણ કે તેમાં ઊંચા ખર્ચનો સમાવેશ થાય છે. તાજેતરમાં કોલંબિયાએ પોતાના દેશમાં લશ્કરી વિમાનોને ઉતરવાની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો. આવામાં પ્રશ્ન એ ઊભો થાય છે કે ડોનાલ્ડ ટ્રમ્પ ઇમિગ્રન્ટ્સને તેમના દેશમાં મોકલવા માટે લશ્કરી વિમાનનો ઉપયોગ કરવાનો આગ્રહ કેમ રાખી રહ્યા છે?
સી-17 વિમાનનો ઉપયોગ
અમેરિકા સામાન્ય રીતે દેશનિકાલ માટે કોમર્શિયલ ચાર્ટરનો ઉપયોગ કરે છે, જે નિયમિત કોમર્શિયલ વિમાનો જેવા દેખાય છે અને યુએસ ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) દ્વારા સંચાલિત થાય છે. પરંતુ ટ્રમ્પ વહીવટીતંત્ર C-17 લશ્કરી વિમાનોનો ઉપયોગ કરીને સ્થળાંતર કરનારાઓને તેમના દેશોમાં પાછા મોકલવામાં વધુ રસ ધરાવે છે. ભારતીય ઇમિગ્રન્ટ્સને મોકલવા માટે પણ આ જ વિમાનનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
ચાર્ટર ફ્લાઇટ કરતાં વધુ ખર્ચ
સમાચાર એજન્સી રોઇટર્સે બંને વિમાનોની તુલનાત્મક કિંમતની ગણતરી કરી છે. તેના અહેવાલ મુજબ ગ્વાટેમાલાની તાજેતરની લશ્કરી દેશનિકાલ ફ્લાઇટનો ખર્ચ પ્રતિ વ્યક્તિ આશરે $4,675 (રૂ. 4,07,655) થવાની શક્યતા છે. આ ખર્ચ યુ.એસ. ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) દ્વારા સંચાલિત કોમર્શિયલ ચાર્ટર ફ્લાઇટના ખર્ચ કરતા વધારે છે.
આ પણ વાંચો: યુએસમાંથી દેશનિકાલ કરાયેલા ભારતીય નાગરિકોની સંખ્યામાં 400 ટકાનો વધારો
ભારતની સૌથી લાંબી ફ્લાઇટ
રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે C-17 લશ્કરી પરિવહન વિમાન ઉડાડવાનો અંદાજિત ખર્ચ પ્રતિ કલાક $28,500 છે. ભારતની ડિપોર્ટેશન ફ્લાઇટ અત્યાર સુધીની સૌથી લાંબી ફ્લાઇટ છે, તેથી તેના પર કેટલો ખર્ચ થયો હશે તેની કલ્પના કરી શકાય છે. અત્યાર સુધી આવી ફ્લાઇટ્સ ગ્વાટેમાલા, પેરુ, હોન્ડુરાસ અને ઇક્વાડોર સુધી પહોંચી છે. એક લશ્કરી વિમાન પણ કોલંબિયા ગયું હતું પરંતુ ત્યાંની સરકારે ઇમિગ્રન્ટ્સને પાછા લાવવા માટે પોતાના વિમાનો મોકલ્યા હતા.
આ સંદેશ પહોંચાડવાની કોશિશ
ડોનાલ્ડ ટ્રમ્પ ઘણીવાર ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને ‘એલિયન’ અને ‘ગુનેગારો’ તરીકે ઓળખાવે છે જેમણે અમેરિકા પર આક્રમણ કર્યું છે. તેથી લશ્કરી વિમાનોનો ઉપયોગ કરીને ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને પાછા મોકલીને, ટ્રમ્પ સંદેશ આપવા માંગે છે કે તેઓ આવા ગુનાઓને ખૂબ ગંભીરતાથી લે છે. સ્થળાંતર કરનારાઓને હાથકડી પહેરાવીને વિમાનોમાં બેસાડવામાં આવી રહ્યા છે જે તેમની સાથે ગુનેગારો જેવો વ્યવહાર છે.
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા 104 ભારતીયો વતન પહોંચ્યા
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બનતાની સાથે જ તેમણે પોતાના દેશમાં ગેરકાયદેસર રહેતા લોકનો દેશનિકાલ કરી રહ્યા છે ત્યારે આજે ડોન્કી રૂટ દ્વારા અમેરિકા ગયેલા 104 ભારતીયો વતન પાછા ફર્યા છે, અમૃતસરમાં યુએસ લશ્કરી વિમાન ઉતર્યું હતું જેમાં 13 બાળકો અને મહિલાઓનો પણ સમાવેશ થાય છે. ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સનો પહેલો જથ્થો અમેરિકન C-147 વિમાન દ્વારા ભારત પહોંચ્યો છે.
આ પણ વાંચો: અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા 104 ભારતીયોમાં 33 ગુજરાતી, સૌથી વધુ મહેસાણાના વતની
દેશનિકાલ કરાયેલા 104 ભારતીય નાગરિકોમાં હરિયાણા, ગુજરાત, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રના છે. દેશનિકાલ કરાયેલા લોકોમાં, 33 ગુજરાતના, 30 પંજાબના છે જ્યારે બે-બે ઉત્તર પ્રદેશ અને ચંદીગઢના છે અને ત્રણ મહારાષ્ટ્રના છે.
ડિપોર્ટેશનન તસવીરો પણ સામે આવી
થોડા સમય પહેલા વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે હાથકડી પહેરેલા સ્થળાંતર કરનારાઓના લશ્કરી વિમાન તરફ જતા ફોટા પોસ્ટ કર્યા હતા. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે દેશનિકાલ ફ્લાઇટ્સ શરૂ થઈ ગઈ છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વને એક મજબૂત અને સ્પષ્ટ સંદેશ આપી રહ્યા છે: જો તમે ગેરકાયદેસર રીતે યુનાઇટેડ સ્ટેટ્સમાં પ્રવેશ કરશો તો તેના ગંભીર પરિણામો આવશે.





