ચીનના ઝુહાઈમાં એક ડ્રાઈવરે અનિયંત્રિત વાહન ભીડમાં ચઢાવી દીધું. આ ભયાનક રોડ અકસ્માતમાં 35 લોકોના મોત થયા છે, જ્યારે 43થી વધુ લોકો ઘાયલ થયા છે. રિપોર્ટ અનુસાર ચીનનો પ્રતિષ્ઠિત એર શો હાલમાં ઝુહાઈમાં ચાલી રહ્યો છે. જેના કારણે શહેરમાં ભારે ભીડ જોવા મળી રહી છે. આ હાઈપ્રોફાઈલ ઈવેન્ટ દરમિયાન 62 વર્ષનો ડ્રાઈવર નિયંત્રણ બહારના વાહન સાથે સૌથી વ્યસ્ત વિસ્તારમાં પહોંચી ગયો હતો. ડ્રાઇવરને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. આ અકસ્માત છે કે હિટ એન્ડ રનનો મામલો તે હાલ સ્પષ્ટ નથી થયું.
રાષ્ટ્રપતિ શી જિનપિંગે શોક વ્યક્ત કર્યો
અકસ્માતનું કારણ તાત્કાલિક સ્પષ્ટ થયું ન હતું. પોલીસે હજુ સુધી ઘટનાની વિગતો જાહેર કરી નથી. સરકારી સમાચાર એજન્સી સિન્હુઆના અહેવાલ મુજબ ડ્રાઈવર કારમાં હતો. રાષ્ટ્રપતિ શી જિનપિંગે ઝુહાઈ શહેરમાં કાર અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોની સારવાર માટે શક્ય તમામ મદદની ખાતરી આપી છે.
દોષિત ડ્રાઈવરને કડક સજા થશે
શિન્હુઆના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે શી જિનપિંગે ગુનેગારને કાયદા મુજબ કડક સજા આપવાના નિર્દેશ પણ આપ્યા છે.
એક રિપોર્ટ અનુસાર, કેટલાક ઘાયલોને ઝુહાઈની શાંગ ચોંગ હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર અકસ્માતના ઘણા વીડિયો પણ વાયરલ થઈ રહ્યા છે. વીડિયોમાં ઘાયલ લોકો રસ્તા પર પડેલા જોવા મળે છે. અન્ય એક વીડિયોમાં ઘાયલ લોકો હોસ્પિટલમાં દાખલ જોવા મળે છે.





