ચોમાસા (monsoon) ની ઋતુ ખુશનુમા હોય છે, પરંતુ આ સમયમાં પાચનતંત્ર નબળું પડી જાય છે અને પાણીજન્ય રોગો થવાનું જોખમ વધી જાય છે. તેથી આહારમાં ખાસ કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે. કઠોળ પ્રોટીન, ફાઈબર અને અન્ય પોષક તત્વોથી ભરપૂર હોય છે, પરંતુ ચોમાસામાં કયા કઠોળ (Pulses) નું સેવન કરવું અને કયા કઠોળ ટાળવા તે જાણવું આવશ્યક છે.
ચોમાસામાં શ્રેષ્ઠ કઠોળ : ચોમાસામાં એવા કઠોળનું સેવન કરવું જોઈએ જે પચવામાં હળવા હોય અને પાચનતંત્રને મદદરૂપ થાય. અહીં કેટલાક બેસ્ટ કઠોળ આપેલા છે જે પચવામાં સરળ છે,
મગ: મગને આયુર્વેદમાં બેસ્ટ કઠોળ માનવામાં આવે છે. તે પચવામાં અત્યંત હળવા હોય છે અને તેમાં પ્રોટીન, આયર્ન, પોટેશિયમ, એમિનો એસિડ અને એન્ટીઑકિસડન્ટ ભરપૂર માત્રામાં હોય છે. તે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે અને કોલેસ્ટ્રોલ ઘટાડવામાં પણ ફાયદાકારક છે. મગની દાળ કે મગની ખીચડી ચોમાસામાં ઉત્તમ વિકલ્પ છે.
ચોળા : ચોળી પ્રોટીન, ખનીજ તત્વો, લોહ તત્વ અને વિટામિન-એથી ભરપૂર હોય છે. તે પચવામાં સરળ હોય છે અને તેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ જેવા પોષક તત્વો પણ હોય છે. તેને અઠવાડિયામાં બે વાર ખાઈ શકાય છે.
ચોમાસામાં કયા કઠોળ ટાળવા જોઈએ? ચોમાસામાં કેટલાક કઠોળ પચવામાં ભારે હોય છે અને ગેસ, અપચો અને પેટમાં દુખાવા જેવી સમસ્યાઓ પેદા કરી શકે છે. આવા કઠોળ ટાળવા જોઈએ.
રાજમા અને અડદ દાળ : અડદની દાળ પચવામાં ખૂબ જ ભારે હોય છે. ચોમાસામાં તેના સેવનથી ગેસ, અપચો અને પેટમાં ભારેપણું થઈ શકે છે, રાજમા પણ પચવામાં ભારે હોય છે અને ચોમાસામાં ગેસ અને પેટ ફૂલવાની સમસ્યા વધારી શકે છે.
કઠોળને સારી રીતે રાંધવા : અધકચરા કઠોળ પાચન સમસ્યાઓ કરી શકે છે. કઠોળ બનાવતી વખતે હળદર, હિંગ, જીરું, આદુ જેવા પાચન સહાયક મસાલાનો ઉપયોગ કરવો. આનાથી ગેસ ઓછો થાય છે અને પાચન સુધરે છે. કઠોળ ઉકાળતી વખતે ઉપર જે સફેદ ફીણ આવે તે કાઢી નાખવું. આ ફીણ ગેસ અને અપચોનું કારણ બની શકે છે. કઠોળ ખાધા પછી પૂરતું પાણી પીવું, જેથી પાચન પ્રક્રિયા સરળ બને અને ગેસની સમસ્યા ન થાય.
ચોમાસામાં સ્વસ્થ રહેવા માટે હળવો, ગરમ અને તાજો રાંધેલો ખોરાક લેવો જરૂરી છે. કઠોળ એક પૌષ્ટિક આહાર છે, પરંતુ યોગ્ય કઠોળની પસંદગી અને તેને યોગ્ય રીતે રાંધવા એ ચોમાસામાં સ્વસ્થ રહેવાની ચાવી છે.