જીવંત લોકશાહી: સમુદ્રની વચ્ચે શિયાળ બેટ પર થશે મતદાન, હોડીમાં પહોંચ્યા ઈવીએમ
Gujarat Lok Sabha Election Shiyal Bet : ગુજરાત લોકસભા ચૂંટણી માટે આવતીકાલે મતદાન થશે, તો સમુદ્રની વચ્ચે આવેલા અમરેલી જિલ્લાના શિયાળ બેટ પર પણ મતદારો મતાધિકારનો ઉપયોગ કરી શકશે.
ગુજરાત લોકસભા ચૂંટણી : ગુજરાતમાં લોકસભા ચૂંટણી 2024 માટે આવતીકાલે 7 મે 2024 મંગળવારે મતદાન યોજાવા જઈ રહ્યું છે, વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. મતાધિકારના આ અવસર પર કોઈ પણ મતદાર મતદાનથી વંચિત ન રહી જાય તે માટે તંત્ર દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ત્યારે, અમરેલી જિલ્લાના પણ પ્રત્યેક નાગરિક તેના મતદાનનો ઉપયોગ કરી શકે તે માટે રાષ્ટ્રના ચૂંટણી પંચ દુર્ગમ વિસ્તારોમાં અનેક પડકારોની વચ્ચે પણ મતદાન પ્રક્રિયાની તૈયારીઓ સાથે સજ્જ અને કટિબધ્ધ છે.
અમરેલી જિલ્લામાં જાફરબાદ તાલુકામાં દરિયાની વચ્ચે આવેલો શિયાળ બેટ ટાપુ એ વિશિષ્ટ ભૌગોલિક સ્થિતિ ધરાવે છે. દરિયાથી ચોમેર ઘેરાયેલા ટાપુ પર વસતા મતદારો મતાધિકારથી વંચિત ન રહે તેથી અમરેલી જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા દરિયામાં હોડી મારફતે ઈ.વી.એમ. મશીન અને મતદાન સામગ્રીઓ પહોંચાડવામાં આવે છે અને શિયાળ બેટમાં મતદાન પ્રક્રિયાઓને અનુસરવામાં આવે છે.
રાજુલા મુકામે આવેલા ઇ.વી.એમ. ડિસ્પેન્ચીંગ કેન્દ્ર ખાતેથી શિયાળબેટ ખાતે યોજનાર મતદાન પ્રક્રિયા માટે બસ મારફતે જેટી સુધી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. જિલ્લા ચૂંટણી અધિકારી અજય દહિયાના માર્ગદર્શન હેઠળ મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારીના આ સફળ આયોજનના પગલે મારફતે મતદાન પ્રક્રિયા માટે ઈ.વી.એમ. યુનિટ અને મતદાન સામગ્રીઓ પહોંચાડવામાં આવી હતી.
મંગળવારે તા.07 મે, 2024 ના રોજ શિયાળબેટ પર મતદાન પ્રક્રિયા યોજાશે. જાફરાબાદ થી 25 નોટીકલ માઈલ દૂર શિયાળબેટ પહોંચવા માટે દરિયાઈ માર્ગ એકમાત્ર વિકલ્પ છે ત્યારે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણી ફરજ પરના અધિકારી અને કર્મચારીઓ માટે શિયાળબેટ પહોંચવા ચૂંટણી તંત્ર દ્વારા બે બોટની વ્યવસ્થા કરવામાં આવી હતી. ચૂંટણી ફરજ પરના અધિકારીઓ-કર્મચારીઓ સાથે સુરક્ષાકર્મીઓ પણ મતદાન પ્રક્રિયામાં જોડાશે.
શિયાળ બેટમાં મતદાન પ્રક્રિયા માટે 05 ટીમ ફરજ બજાવશે. શિયાળબેટ ખાતે નવી પ્રાથમિક શાળા ખાતે 5,048 મતદારો માટે મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થશે. તા. 05-01-2024 ની સ્થિતિએ શિયાળ બેટમાં 2,582 પુરુષ અને 2,466 મહિલા, 14 પી.ડબલ્યુ.ડી.- દિવ્યાંગો સહિત 5,048 મતદારો છે. 80 પ્લસ ની વય ધરાવતા 54 મતદારો છે.
લોકસભા સામાન્ય ચૂંટણી-2024 ની આ મતદાન પ્રક્રિયા માટે 20 પોલીંગ સ્ટાફ, 05 બી.એલ.ઓ., પ્રિસાઇડીંગ અધિકારી, ઝોનલ અધિકારી અને સુરક્ષાકર્મીઓ મળી 40 જેટલા ચૂંટણી ફરજ પરના અધિકારી અને કર્મચારીઓ બોટ મારફતે અરબ સાગર ખેડી અને લોકશાહીના પર્વને મતદારો સુધી લઈ જવા માટે પહોંચી ચૂક્યા છે.