Hill Stations: ગુજરાત નજીક આવેલા 4 હિલ સ્ટેશન, જ્યાં અંગ્રેજો ઉનાળામાં ફરવા આવતા, હવે પ્રવાસીઓનું ઘોડાપુર
Hill Stations In Madhya Pradesh: ગુજરાતના પડોશી રાજ્ય મધ્યપ્રદેશમાં પ્રખ્યાત હિલ સ્ટેશન આવેલા છે. અહીં ઉનાળામાં મિત્રો અને પરિવાર સાથે ફરવા જઇ શકાય છે. પ્રકૃતિ અને ઇતિહાસ પ્રેમીઓ માટે આ સ્થળો સ્વર્ગ સમાન છે.
મધ્યપ્રદેશના પ્રખ્યાત 4 હિલ સ્ટેશન હિલ સ્ટેશન કુદરતી સૌંદર્યથી ભરપૂર ઉનાળામાં ફરવા માટે શ્રેષ્ઠ સ્થળ છે. ગુજરાતમાં ભલે એક જ હિલ સ્ટેશન હોય પણ પડોશી રાજ્યોમાં ઘણા હિલ સ્ટેશન આવેલા છે. ગુજરાતને અડી આવેલા મધ્યપ્રદેશમાં 4 હિલ સ્ટેશન છે, જ્યાં ઉનાળામાં ફરવા જઇ શકાય છે. (Photo: Freepik)
પંચમઢી : Pachmarhi પંચમઢી મધ્યપ્રદેશનું પ્રખ્યાત હિલ સ્ટેશન છે. અદભુત કુદરતી દ્રશ્ય અને આનંદિત હવામાન પ્રવાસીઓને ખુશ કરે છે. મધ્યપ્રદેશમાં જ્યારે ભયંકર ગરમી પડતી હોય ત્યારે પણ પંચમઢીમાં ઠંડકનો અનુભવ થાય છે. પંચમઢીમાં મહાદેવ હિલ્સ, પાંડવ ગુફા, સનસેટ પોઇન્ટ, હાંડી ખોહ ખીણ, પ્રિયદર્શિની પોઇન્ટ, સતપુડા રાષ્ટ્રીય અભ્યારણ સહિત ઘણા જોવાલાયક સ્થળો છે. પંચમઢી 200 મીટરની ઉંચાઇ પરથી નીચે પડતું બી ફોલ્સ જોવાલાયક છે. પંચમઢી જબલપુરથી 250 કિમી અને ભોપાલથી 230 કિમી દૂર છે. (Photo: Social Media)
માંડુ / માંડવગઢ : Mandu મધ્યપ્રદેશના ધાર જીલ્લામાં આવેલું માંડુ પર્વતમાળામાં વસેલું ઐતિહાસિક સ્થળ છે. માંડુને માંડવગઢ પણ કહેવાય છે. માંડુ ઇતિહાસ અને પ્રકૃતિ પ્રેમીઓ માટે સ્વર્ગ સમાન સ્થળ છે. અહીં મુઘલ કાળની ઐતિહાસિક ઇમારતો અને વન્યજીવન જોવા મળે છે. માંડવગઢમાં તારાપુર દરવાજા, જહાંગીર દરવાજા, દિલ્હી દરવાજા, હોશંગ શાહનો મકબરો, જામા મસ્જિદ, અશરફી મહેલ, રેવા કુંડ, રૂમતી મંડપ, નીલકંઠ મહલ, હાથી મહલ તથા લોહાની ગુફા જોવાલાયક છે. માંડુ મધ્યપ્રદેશના ઈન્દોરથી 86 કિમી અને ધાર શહેરથી 35 કિમી દૂર છે. (Photo: Social Media)
તામિયા હિલ : Tamia Hill તામિયા હિલ મધ્યપ્રદેશના છિંદવાડામાં આવેલું સ્વર્ગ સમાન પ્રવાસન સ્થળ છે. તામિયા હિલ સ્ટેશન પર બ્રિટિશ કાળમાં અંગ્રેજો હોલીડે મનાવવા આવતા હતા. એક પહાડની ટોચ પર સ્થિત તામિયા ધોડાની નાળ આકારમાં પાતાલકોટ ખીણ સાથે ચારે ચાજુથી ગાઢ જંગલથી ઘેરાયેલું છે. તામિયા હિલ સૌથી વધુ હરિયાળી, કુદરતી સૌંદર્ય અને સનસેટ પોઇન્ટ માટે પ્રસિદ્ધ છે. તામિયા હિલ ટ્રેકિંગ, ફોટોગ્રાફી, કેમ્પિંગ વગેરે માટે પ્રખ્યાત છે. તામિયા હિલ સ્ટેશનનો અસલી નજારો ચોમાસામાં જોવા મળે છે. તામિયાથી 100 કિમ દૂર પેંચ ટાઇગર રિઝર્વ છે. (Photo: Social Media)
શિવપુરી : Shivpuri Hll મધ્યપ્રદેશના ગ્વાલિયર શહેર નજીક શિવપુરીમાં પ્રવાસીઓ જાધવ સાગર લેક અને ચાંદપાઠા લેક ફરી શકે છે. ઉપરાંત શિવપુરી હિલ સ્ટેશન પ્રકૃતિ અને વન્યજીવ પ્રેમીઓ માટે ખાસ સ્થળ છે, કારણ કે કરેરા પક્ષી અભ્યારણ અને માધવ નેશનલ પાર્ક શિવપુરીમાં જ આવેલા છે. આ અભ્યારણમાં પ્રવાસીઓ વન્ય પ્રાણી અને પક્ષીઓ જોવાનો આનંદ લઇ શકે છે. (Photo: Social Media)