Republic Day 2025: પ્રજાસત્તાક દિવસ પર અમદાવાદમાં ફરવા લાયક સ્થળો, 26 જાન્યુઆરી બનશે યાદગાર
Best Places Visit In Ahmedabad: પ્રજાસત્તાક દિવસ ભારત 26 જાન્યુઆરીએ ઉજવે છે. આ દિવસે જાહેર રજા હોય છે. આ દિવસને યાગદાર બનાવવા તમારે અમદાવાદના આ સ્થળોની મુલાકાત લેવી જોઇએ. દેશની આઝાદીમાં આ સ્થળોનું વિશેષ મહત્વ છે. પ્રજાસત્તાક દિવસ પર આ સ્થળોની મુલાકાત લેવાથી દિલમાં દેશભક્તિની ભાવના જાગશે.
પ્રજાસત્તાક દિવસ 26 જાન્યુઆરી એટલે ભારતનો પ્રજાસત્તાક દિન. વર્ષ 1947માં આઝાદ થયા બાદ ભારતમાં વર્ષ 1950માં 26 જાન્યુઆરીએ બંધારણ અમલમાં આવ્યું હતું. આથી વર્ષ 1950થી ભારતમાં દર વર્ષે 26 જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક દિવસ ઉજવાય છે. તેને ગણતંત્ર દિવસ પણ કહેવાય છે. પ્રજાસત્તાક દિવસે ભારતના સ્વતંત્રતા સેનાનીઓને યાદ કરી તેમને શ્રદ્ધાંજલી આપવામાં આવે છે. દિલ્હીના કર્તવ્યપથ પર પરેડ યોજાય છે. (Photo: freepik)
ગણતંત્ર દિવસની ઉજવણી આ દિવસે જાહેર રજા હોય છે. શાળા કોલેજ અને સરકારી સંસ્થાઓમાં ધ્વજ વંદન સાથે રાષ્ટ્ર ભક્તિના કાર્યક્રમ યોજવામાં આવે છે. તમે આ પ્રજાસત્તાક દિવસ પર અમદાવાદના આ ખાસ સ્થળોની મુલાકાત લઇ ગણતંત્ર દિવસને યાદગાર બનાવી શકો છો. આ સ્થળો પર તમને ભારતની આઝાદીની લડત અને સ્વતંત્રતા સેનાનીઓની અમૂલ્ય યોગદાનની કહાણી જાણવા, જોવા અને સમજવા મળશે. (Photo: Gujarat tourism)
કોચરબ આશ્રમ/Kocharab Ashram કોચરબ આશ્રમ મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત પહેલું આશ્રમ છે. વર્ષ 1915માં આફ્રિકાથી ભારત પરત આવ્યા બાદ તેમણે અમદાવાદના પાલડી વિસ્તારમાં કોચરબ આશ્રમ સ્થાપ્યો હતો. ગાંધીજી દ્વારા બેરિસ્ટર જીવણલાલ દેસાઈના બંગલામાં ભાડેથી આ આશ્રમની શરૂઆત કરવામાં આવી હતી. અહીંથી જ તેમણે બ્રિટિશરો સામે દેશનું સ્વાતંત્ર્ય યુદ્ધ શરૂ કરવાનું પસંદ કર્યું હતું. કોચરબ આશ્રમમાં ગાંધીનો રૂમ, ફોટા, પુસ્તકો અને પત્રો જોવા મળશે. (Photo: Gujarat tourism)
સાબરમતી આશ્રમ/Sabarmati Ashram સાબરમતી આશ્રમ અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે આવેલું છે. તેને સત્યાગ્રહ આશ્રમ અને હૃદયકુંજ આશ્રમના નામે પણ ઓળખવામાં આવે છે. મહાત્મા ગાંધીજીએ વર્ષ 1917માં સાબરમતી આશ્રમની સ્થાપના કરી હતી. તેઓ વર્ષ 1930 સુધી સાબરમતી આશ્રમમાં રહ્યા હતા અને અહીંથી જ દાંડી કૂચ અને મીઠાં સત્યાગ્રહનો આરંભ કર્યો હતો. દેશ વિદેશ માંથી લાખો લોકો સાબરમતી આશ્રમ જોવા આવે છે. (Photo: Gujarat tourism)
સાબરમતી આશ્રમ/Sabarmati Ashram સાબરમતી આશ્રમ દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. સાબરમતી આશ્રમમાં મહાત્મા ગાંધીજી દ્વારા ઉપયોગમાં લેવાતી ચીજવસ્તુઓ પ્રદર્શનીમાં જોવા મળે છે. સત્યાગ્રહ આશ્રમમાં ગાંધીજીના વિવિધ અંગત પત્રો અને તસવીરો પ્રદર્શિત કરવામાં આવી છે. ઉપાસના મંદિર, મગન નિવાસ, વિનોબા, નંદિની અને કુટિર આશ્રમ પર આવેલી છે. સાબરમતી આશ્રમ હવે એક ઐતિહાસિક સ્થળ છે, જે અસંખ્ય ઐતિહાસિક ઘટનાઓનું સાક્ષી છે. હાલ સાબરમતી આશ્રમનું નવિનિકરણ ચાલી રહ્યું છે. (Photo: Gujarat tourism)
ગુજરાત વિદ્યાપીઠ/Gujarat Vidyapeeth ગુજરાત વિદ્યાપીઠ મહાત્મા ગાંધીજી દ્વારા વર્ષ 1920માં સ્થપાયેલી શિક્ષણ સંસ્થા છે. ગુજરાત વિદ્યાપીઠ મહાત્મા ગાંધીના સિદ્ધાંતોને વરેલી સંસ્થા છે. અહીં અભ્યાસ ભણતા વિદ્યાર્થીઓ ખાદી પહેરે છે અને રેટિંયો કાંતે છે. ગુજરાત વિદ્યાપીઠ સંકુલમાં પ્રાણજીવન છાત્રાલય છે, જેમા એક સંગ્રહાલય આવેલું છે. ઉપરાંત ગુજરાત વિદ્યાપીઠ પુસ્તકાલયમાં મહાત્મા ગાંધીના પુસ્તકો જોવા અને વાંચવા મળશે. તમને જણાવી દઇયે કે, ગુજરાત વિદ્યાપીઠની શરૂઆત 18મી ઓક્ટોબર, 1920ના રોજ ગુજરાતના યુવાનો માટે શિક્ષણ અને વિકાસની સંસ્થા તરીકે થઈ હતી. (Photo: Gujarat tourism)
દાંડી કુટીર મ્યુઝિયમ/ Dandi Kutir Museum દાંડી કુટીર મ્યુઝિયમ અમદાવાદ નજીક ગાંધીનગરમાં આવેલું છે. દાંડી કુટીર એ ભારતનું સૌથી મોટું અને એક માત્ર મ્યુઝિયમ છે જ્યાં મુલાકાતીઓ મહાત્મા ગાંધીના જીવન અને ઉપદેશો વિશે ઓડિયો વિઝ્યુઅલની મદદથી સુંદર રજૂઆત જોઇ શકે છે. જાન્યુઆરી 2015માં દાંડી કુટીર મ્યુઝિયમ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ મ્યુઝિયમમાં ઓડિયો-વિડિયો, 3ડી વિઝ્યુઅલ્સ, 360 ડિગ્રી શોના સંયોજન સાથે અત્યાધુનિક ટેકનોલોજી સાથે ડિઝાઇન કરવામાં આવ્યા છે અને ડિસ્પ્લે પર ગાંધીજીના જ્ઞાન ઉપદેશ પ્રદર્શિત કરવામાં આવે છે. (Photo: Gujarat tourism)