વડોદરા AC માં વિસ્ફોટ? વીમા કંપનીની ઓફિસમાં લાગી આગ, છ કર્મચારી ઈજાગ્રસ્ત, બેની હાલત ગંભીર
Vadodara AC Blast Fire Accident : વડોદરામાં શ્રીરામ જનરલ ઈન્સ્યોરન્સની ઓફિસમાં આગ લાગવાની દુર્ઘટના સામે આવી છે. સૂત્રો અનુસાર, એસીમાં બ્લાસ્ટ થયો હતો, આ અકસ્માતમાં 6 લોકો ઈજાગ્રસ્ત થયા છે.
Vadodara AC Blast : વડોદરાના ઓપી રોડ પર આવેલી એક ખાનગી ઓફિસમાં સોમવારે સવારે એક વીમાની ઓફિસમાં અચાનક આગ લાગવાની ઘટના સર્જાઈ હતી, આ દુર્ઘટનામાં છ લોકો ઘાયલ થયા હતા. જેમાં બેની હાલત ગંભીર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
પોલીસે જણાવ્યું છે કે, છ ઇજાગ્રસ્તોમાંથી બેની હાલત ગંભીર છે કારણ કે તેઓને દાઝી ગયેલી ઇજાઓ સાથે કાચના ટુકડા પણ વાગ્યા છે અને હાલમાં તેઓ ખાનગી હોસ્પિટલના ICUમાં દાખલ છે.
પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના સવારે 11 વાગ્યાની આસપાસ બની હતી, આ સમયે કોમર્શિયલ કોમ્પ્લેક્સના ત્રીજા માળે આવેલી શ્રીરામ જનરલ ઈન્સ્યોરન્સ કંપનીની ઓફિસમાં ઓછામાં ઓછા છ કર્મચારીઓ હાજર હતા. તમામ ઈજાગ્રસ્ત થયા છે.
ફાયર ઓફિસર અમિત ચૌધરીએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, તેમને મળેલા કોલ પરથી એવું સૂચન કરવામાં આવ્યું હતું કે, એર કન્ડીશનીંગ યુનિટ (એસી) માં વિસ્ફોટને કારણે આગ લાગી હતી, પરંતુ પ્રારંભિક તપાસમાં વિસ્ફોટના હાલ કોઈ સંકેત મળ્યા નથી.
ચૌધરીએ કહ્યું કે, "ફોરેન્સિક નિષ્ણાતો કારણની તપાસ કરી શકશે અને અમે તેમના રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ. આગા લાગ્યા બાદ ધુમાડો હતો અને આગ ખૂબ જ ડરામણી હતી કારણ કે ઓફિસનો વિસ્તાર માત્ર 25x25 ચોરસ ફૂટ હતો."
સાક્ષીઓના જણાવ્યા અનુસાર, એર કન્ડીશનીંગ ઇન્ડોર યુનિટમાં વિસ્ફોટ થયો હતો, અને આગ ઝડપથી સમગ્ર કોમ્પેક્ટ ઓફિસમાં ફેલાઈ ગઈ. વિસ્ફોટ એટલો જબરદસ્ત હતો કે, કાચના પાર્ટિશન અને બારીના ફલક પણ તૂટી ગયા હતા. એટલું જ નહીં કાચના ટુકડા બાજુમાં શેરીમાં જઈ પડ્યા હતા.
પોલીસે જણાવ્યું કે, ઈજાગ્રસ્તોની ઓળખ વિકાસ સોલંકી, ગૌતમ સોલંકી, વિપુલ ચૌહાણ, અચિંત પરીખ, ઉષાલ દેસાઈ અને પુનીતા અંતાણી તરીકે થઈ છે. બપોરના થોડા સમય બાદ અલકાપુરીના પ્રોડકટીવીટી રોડ પરની કપડાની દુકાનમાં એક સાથે બીજી આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું.