Panchayat Poll Violence: પશ્ચિમ બંગાળ પંચાયત ચૂંટણી બની લોહિયાળ, હિંસામાં 13 લોકોના મોત
West Bengal Panchayat Violence: પશ્વિમ બંગાળમાં પંચાયતની ચૂંટણી લોહિયાળ બની. શનિવારે પંચાયત ચૂંટણી દરમિયાન પશ્ચિમ બંગાળમાં હિંસા ફાટી નીકળી હતી, જેમાં ઓછામાં ઓછા 13 લોકોના જીવ ગયા છે. વિપક્ષ અને શાસક તૃણમૂલ કોંગ્રેસ (TMC) એ એકબીજા પર આક્ષેપ કર્યો હતો. માર્યા ગયેલા લોકોમાંથી સાત ટીએમસી સાથે સંકળાયેલા હતા. શાસક પક્ષે વિપક્ષ પર હિંસામાં સામેલ હોવાનો આરોપ મૂક્યો હતો. વિપક્ષી પાર્ટી ભાજપે સમગ્ર ચૂંટણી રદ કરવાની માંગ કરી છે
પશ્વિમ બંગાળમાં પંચાયત ચૂંટણી માટે શનિવારે મતદાન યોજાયું હતું. પરંતુ રાજ્યમાં હિંસાનો છૂટો દોર જોવા મળ્યો. મુર્શિદાબાદના ખરગ્રામ, રેઝીનગર, રાણીનગર, ડોમકલથી લઇને કૂત બિહારના દિનહાટા, દક્ષિણ 24 પરગણામાં ભાનાડ, ઉત્તર 24 પરગણાના બસંતી બારાસત સહિત વિસ્તારમાં હિંસક સ્થિતિ જોવા મળી.
બંગાળમાં 2023 પંચાયતની ચૂંટણીમાં હિંસાનો દોર શરૂઆતથી જ જોવા મળ્યો હતો. નોમિનેશન સમયે પણ હિંસાની ઘટનાઓ બની હતી. હાઇકોર્ટે કેન્દ્રિય દળોને તૈનાત કરવાનો આદેશ પણ આપ્યો હતો. પરંતુ મતદાનના દિવસે પણ પુરતા પ્રમાણમાં કેન્દ્રિય દળોની કંપનીઓ બંગાળ પહોંચી ન હોવાની રાવ છે. પરિણામ એ આવ્યું કે પંચાયત ચૂંટણીમાં બંગાળ હિંસાથી લોહિયાળ બન્યું.
માલદાના રતુઆના દેવીપુરમાં ભારે અશાંતિ જોવા મળી. દેવીપુર પંચાયતના બૂથ નંબર 46 પર ફાયરિંગ થયાની ફરિયાદ. તૃણમૂલ પર બૂથ પર કબજો કરવાનો અને સામાન્ય મતદારોને મારવામાં આવ્યો. આ ઘટનામાં એક વ્યક્તિને ગોળી વાગી હતી. બોમ્બ વિસ્ફોટમાં વધુ 4 લોકો ઘાયલ થયા છે. બદમાશોએ બૂથના સીસીટીવી તોડી નાખ્યા હતા.
રાજરહાટમાં પણ પંચાયતની ચૂંટણીમાં ભારે હિંસા જોવા મળી. જંગરા હટિયારા નંબર 2 પંચાયત વિસ્તારમાં સીપીએમ અને તૃણમૂલ વચ્ચે જોરદાર અથડામણ થઈ હતી. તૃણમૂલ પર બહારના લોકોને લાવવાનો અને બૂથ પર તોફાન કરવાનો આરોપ છે. બદમાશો બૂથમાં ઘૂસી ગયા હતા. સ્થાનિકોનો દાવો છે કે અનેક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. સીપીએમ-તૃણમૂલે એકબીજા પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે.