Australia vs West Indies 3rd ODI : ઓસ્ટ્રેલિયાએ વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રીજી વન-ડેમાં 8 વિકેટે વિજય મેળવ્યો છે. બે ટેસ્ટ મેચની સિરીઝ 1-1 થી બરાબર રહી હતી. પરંતુ વન-ડે શ્રેણીમાં વેસ્ટ ઇન્ડીઝને કારમો પરાજયનો સામનો કરવો પડ્યો છે. ઓસ્ટ્રેલિયાએ 3-0થી વેસ્ટ ઇન્ડીઝનો વ્હાઇટવોશ કર્યો છે.
વેસ્ટ ઇન્ડીઝનો કારમો પરાજય
કેનબેરા વન-ડે મેચમાં વેસ્ટ ઈન્ડીઝની ટીમ પ્રથમ બેટિંગ કરવા આવી હતી. વેસ્ટ ઈન્ડીઝની ટીમ 24.1 ઓવરમાં 86 રનમાં સમેટાઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયા તરફથી ઝેવિયર બાર્ટલેટ સૌથી સફળ બોલર રહ્યો હતો. આ મેચમાં તેણે 4 વિકેટ ઝડપી હતી. આ સિવાય એડમ ઝમ્પા અને લાન્સ મોરિસે 2-2 વિકેટ લીધી હતી. આ પછી ઓસ્ટ્રેલિયાએ 87 રનનો ટાર્ગેટ માત્ર 6.5 ઓવરમાં 2 વિકેટ ગુમાવી મેળવી લીધો હતો.
કેનબેરામાં ઓસ્ટ્રેલિયાની ઐતિહાસિક જીત
ઓસ્ટ્રેલિયા તરફથી જેક ફ્રેશરે 18 બોલમાં 41 અને જોશ ઇંગ્લિશે 16 બોલમાં 35 રન બનાવ્યા હતા. આ વન-ડે ઈતિહાસમાં બોલ બાકી રહેતા ઓસ્ટ્રેલિયાએ સૌથી મોટી જીત નોંધાવી છે. ઓસ્ટ્રેલિયાએ 259 બોલ બાકી રહેતા મેચ જીતી લીધી હતી. અગાઉ સપ્ટેમ્બર 2004માં ઓસ્ટ્રેલિયાએ યુએસએને 253 બોલ બાકી રહેતા હરાવ્યું હતું. તે મેચમાં ઓસ્ટ્રેલિયાએ માત્ર 7.5 ઓવરમાં 66 રનના ટાર્ગેટનો પીછો કર્યો હતો.
આ પણ વાંચો – રોહિત શર્માએ ધોનીનો રેકોર્ડ તોડ્યો, હવે ફક્ત સચિન અને વિરાટ કોહલીથી પાછળ
વન-ડે ક્રિકેટના ઈતિહાસમાં 7મી સૌથી મોટી જીત
વન-ડે ઈતિહાસમાં બોલ બાકી રાખીને સૌથી મોટી જીતનો રેકોર્ડ ઈંગ્લેન્ડના નામે છે. ઈંગ્લેન્ડે 1979માં 277 બોલ બાકી રહેતા કેનેડાને હરાવ્યું હતું. આ મેચમાં ઈંગ્લેન્ડે 13.5 ઓવરમાં 46 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. પરંતુ આ વન-ડે મેચ 60 ઓવરની હતી. બીજા નંબરે શ્રીલંકા છે. શ્રીલંકાએ ઝિમ્બાબ્વે સામે 274 બોલ બાકી રાખીને મેચ જીતી લીધી હતી. ઓસ્ટ્રેલિયાની આ જીત વન-ડે ઇતિહાસમાં બોલ બાકી રહેવાના મામલે 7માં નંબર પર મોટી જીત છે.
વન-ડેમાં સૌથી મોટી જીત (બોલ બાકી રહેતા)
- ઈંગ્લેન્ડ વિ કેનેડા 277 બોલ
- શ્રીલંકા વિ ઝિમ્બાબ્વે 274 બોલ
- શ્રીલંકા વિ કેનેડા 272 બોલ
- નેપાળ વિ યુએસએ 268 બોલ
- ન્યુઝીલેન્ડ વિ બાંગ્લાદેશ 264 બોલ
- ભારત વિ શ્રીલંકા 263 બોલ
- ઓસ્ટ્રેલિયા વિ વેસ્ટ ઈન્ડીઝ 259 બોલ





