અમદાવાદ: ભારત વિ ઇંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ સિરીઝમાં જસપ્રીત બુમરાહ છવાયો છે. ઘાતક બોલિંગ સાથે જસપ્રીત બુમરાહ બેટ્સમેનો માટે જાણે ખતરનાક બન્યો છે. વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં ભારતના આ ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે એક મેચમાં નવ વિકેટ લેતાં ઇંગ્લેન્ડ ધરાશાયી થયું હતું. ભારતે આ ટેસ્ટ મેચ જીતી પાંચ મેચની આ સિરીઝ 1-1 થી બરોબર કરી છે. આ સાથે જ જસપ્રીત બુમરાહ આઇસીસી ટેસ્ટ બોલર રેન્કિંગમાં ટોચ પર પહોંચ્યો છે.
જસપ્રીત બુમરાહ ટેસ્ટ બોલર રેન્કિંગ નંબર 1 બનતાં શુભેચ્છાઓનો વરસાદ થઇ રહ્યો છે. બુમરાહના આ પ્રદર્શનથી દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ક્રિકેટર એબી ડિવિલિયર્સ પણ જસપ્રીત બુમરાહના વખાણ કરતા રહી ન શક્યા. તેમણે કહ્યું કે, જસપ્રીત બુમરાહ શાનદાર બોલર છે અને બુમરાહનો યોર્કર સૌથી ખતરનાક છે.
બુમરાહ શાનદાર બોલર – એબી ડિવિલિયર્સ
જસપ્રીત બુમરાહની ઘાતક બોલિંગ અંગે એબી ડિવિલિયર્સ જણાવે છે કે, બુમરાહ શાનદાર બોલિંગ કરે છે તે સારો બોલર છે. અન્ય ભારતીય બોલર્સ પણ સારી બોલિંગ કરે છે પરંતુ બુમરાહ બધાની અલગ છે. બુમરાહનો યોર્કર સૌથી ખતરનાક છે. અન્ય બોલર્સના પણ આંકડા સારા છે પરંતુ મેચ વિનિંગ માટે બુમરાહ શ્રેષ્ઠ છે.
જસપ્રીત બુમરાહ યોર્કર ચર્ચામાં
ઓલી પોપને બોલ્ડ કરતાં સ્ટંપ ઉખડી જતાં ફરી એકવાર જસપ્રીત બુમરાહના ઘાતક યોર્કરની ચર્ચાઓ ઉઠી છે. બુમરાહના યોર્કર અંગે ડિવિલિયર્સે કહ્યું કે, હું જ્યારે બુમરાહ સામે રમતો હતો તો હંમેશા એના યોર્કર અંગે જ વિચારતો હતો અને એની તૈયારી કરતો હતો. તેમણે કહ્યું કે, ક્રિકેટના દરેક ફોર્મેટમાં બુમરાહનો યોર્કર એક ઘાતક હથિયાર છે.
અહીં નોંધનિય છે કે તાજેતરમાં જસપ્રીત બુમરાહ આઇસીસી ટેસ્ટ બોલર રેન્કિંગમાં નંબર 1 બોલર બન્યો છે. ભારત તરફથી આ સિધ્ધિ મેળવનાર બુમરાહ પહેલો ફાસ્ટ બોલર બન્યો છે. આ અગાઉ બિશન સિંહ બેદી, રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજા આ સિધ્ધિ મેળવી ચૂક્યા છે.





