કોમનવેલ્થ ગેમ્સ 2030 અમદાવાદમાં રમાશે, થઇ સત્તાવાર જાહેરાત

Ahmedabad Commonwealth Games 2030 : ગુજરાત માટે આજનો દિવસ ઐતિહાસિક રહ્યો છે. કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની અમદાવાદને મળી છે. બીજી વખત ભારતમાં કોમનવેલ્થ ગેમ્સ યોજાશે. આ પહેલા 2010માં દિલ્હીમાં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું

Written by Ashish Goyal
Updated : November 26, 2025 20:10 IST
કોમનવેલ્થ ગેમ્સ 2030 અમદાવાદમાં રમાશે, થઇ સત્તાવાર જાહેરાત
Ahmedabad Commonwealth Games 2030 : કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની અમદાવાદને મળી છે (તસવીર - સોશિયલ મીડિયા)

Ahmedabad Commonwealth Games 2030 : ગુજરાત અને ભારત માટે આજનો દિવસ ઐતિહાસિક રહ્યો છે. કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની અમદાવાદને મળી છે. એટલે કે 2030ની કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં રમાશે. બીજી વખત ભારતમાં કોમનવેલ્થ ગેમ્સ યોજાશે. આ પહેલા 2010માં દિલ્હીમાં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું.

બુધવારે ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સની સામાન્ય સભાની બેઠકમાં અમદાવાદને યજમાન તરીકે ઔપચારિક મંજૂરી મળી હતી. આ બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ સંયુક્ત સચિવ (રમતગમત) કૃણાલ, ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના (આઇઓએ) પ્રમુખ પીટી ઉષા અને ગુજરાતના રમતગમત મંત્રી હર્ષ સંઘવી સહિતના લોકોએ કર્યું હતું. આ મોદી સરકાર એક મોટી ફૂટનીતિક જીત છે.

કોમનવેલ્થ સ્પોર્ટ્સના પ્રમુખ ડૉ. ડોનાલ્ડ રુકારે જણાવ્યું હતું કે આ કોમનવેલ્થ ગેમ્સ નવા સુવર્ણ યુગની શરૂઆત છે. ભારત વિશાળતા, યુવા શક્તિ, મહત્વાકાંક્ષા, સમૃદ્ધ સંસ્કૃતિ, અપાર રમતગમતનો જુસ્સો અને પ્રાસંગિકતા લાવે છે. આપણે મજબૂત સ્થિતિમાં કોમનવેલ્થ ગેમ્સની આગામી સદીની શરૂઆત કરી રહ્યા છીએ. ’

કોમનવેલ્થ ગેમ્સનું આયોજન શા માટે મહત્વપૂર્ણ છે

વર્ષ 2030માં કોમનવેલ્થ ગેમ્સનેને 100 વર્ષ પૂરાં થઈ રહ્યા છે, તેથી તે સિઝન ખાસ રહેવાની છે. ભારત માટે કોમનવેલ્થ ગેમ્સની યજમાની પણ મહત્વપૂર્ણ છે કારણ કે દેશ 2036માં યોજાનારી ઓલિમ્પિક ગેમ્સની યજમાની કરવાની રેસમાં પણ છે અને અમદાવાદને યજમાન શહેર તરીકે રજૂ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો – ગુજરાતના ઉર્વિલ પટેલે 31 બોલમાં સદી ફટકારી, બનાવ્યો અનોખો વર્લ્ડ રેકોર્ડ

કોમનવેલ્થ ગેમ્સ દર 4 વર્ષે યોજાય છે

કોમનવેલ્થ ગેમ્સનું આયોજન દર 4 વર્ષે કરવામાં આવે છે. ભારત 1934 થી બ્રિટિશ ઈન્ડિયા એસોસિએશન હેઠળ આ રમતોમાં ભાગ લઈ રહ્યું છે. પરંતુ આઝાદે ભારતે પ્રથમ વાર 1954 માં આ રમતોમાં ભાગ લીધો હતો. ભારતે 1962 અને 1986 ના કોમનવેલ્થ ગેમ્સ સિવાય બધી સિઝનોમાં ભાગ લીધો છે.

કોમનવેલ્થ ગેમ્સમાં 56 સદસ્ય દેશ

કોમનવેલ્થ ગેમ્સમાં 56 સદસ્ય દેશ છે. જોકે હાલમાં 72 ટીમો ભાગ લે છે કારણ કે ઘણા આશ્રિત પ્રદેશો તેમના પોતાના ધ્વજ હેઠળ સ્પર્ધા કરે છે. યુનાઇટેડ કિંગડમના ચાર ગૃહ રાષ્ટ્રો (ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ, વેલ્સ અને ઉત્તરી આયર્લેન્ડ) પણ અલગ ટીમો મોકલે છે.

કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનું પ્રદર્શન

કોમનવેલ્થ ગેમ્સમાં ભારત સતત પોતાનું પ્રદર્શન સુધારી રહ્યું છે. 2002થી ભારતે આ રમતોમાં ટોચના પાંચ દેશોમાં સતત પોતાનું સ્થાન મેળવ્યું છે. 2010 ની દિલ્હી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે 101 મેડલ સાથે અત્યાર સુધીનું શ્રેષ્ઠ બીજું સ્થાન પણ મેળવ્યું હતું. ભારતે છેલ્લે 2022માં બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લીધો હતો. જેમાં ભારતે 22 ગોલ્ડ, 16 સિલ્વર અને 23 બ્રોન્ઝ સાથે 61 મેડલ જીત્યા અને મેડલ ટેલીમાં ચોથું સ્થાન મેળવ્યું હતું. કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે અત્યાર સુધીમાં કુલ 564 મેડલ જીત્યા છે. જેમાં 203 ગોલ્ડ, 190 સિલ્વર અને 171 બ્રોન્ઝનો સમાવેશ થાય છે.

નાઇજિરિયાના શહેર સાથે ટક્કર હતી

2030 કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે ભારતને નાઇજિરિયાના શહેર અબુજા તરફથી સખત સ્પર્ધાનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ કોમનવેલ્થ સ્પોર્ટે 2034 ગેમ્સની યજમાની માટે આ આફ્રિકન શહેરના નામ પર વિચાર કરવાનો નિર્ણય કર્યો હતો. કોમનવેલ્થ સ્પોર્ટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે કોમનવેલ્થ ગેમ્સ આંદોલનનના ભાવિ માટે આ એક નિર્ણાયક ક્ષણ હશે અને તેના 100 વર્ષના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ અધ્યાય ઉમેરશે.

2010માં 70,000 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો

ભારતે 2010 કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે લગભગ 70,000 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો, જે પ્રારંભિક અંદાજ 1600 કરોડ રૂપિયા કરતા ઘણો વધારે હતો. ચાર વર્ષમાં એક વાર યોજાતી આ ગેમ્સમાં 72 દેશો ભાગ લે છે, જેમાંથી મોટાભાગના ભૂતપૂર્વ બ્રિટીશ ઉપનિવેશ છે.

અમદાવાદ બન્યું સ્પોર્ટસનું હબ

અમદાવાદમાં તાજેતરના મહિનાઓમાં કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ, એશિયન એક્વાટિક્સ ચેમ્પિયનશિપ અને એએફસી અંડર-17 એશિયન કપ 2026 ફૂટબોલની ક્વોલિફાયરની યજમાની કરવામાં આવી હતી. આ શહેરમાં આવતા વર્ષે એશિયન વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ અને એશિયા પેરા-તીરંદાજી કપ યોજાશે. આ ઉપરાંત 2029માં વર્લ્ડ પોલીસ અને ફાયર ફાઇટિંગ ગેમ્સ અમદાવાદ, ગાંધીનગર અને એકતા નગરમાં યોજાશે.

સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં સ્પોર્ટ્સ વિલેજ બનાવવામાં આવશે

સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ એ મુખ્ય સ્થળોમાંથી એક છે જેને ગેમ્સ માટે તૈયાર કરવામાં આવી રહ્યું છે. જેમાં એક લાખથી વધુ પ્રેક્ષકોની ક્ષમતાવાળું નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમનો સમાવેશ થાય છે. આ સંકુલમાં વોટર સ્પોર્ટ્સ સેન્ટર અને ફૂટબોલ સ્ટેડિયમ તેમજ ઇન્ડોર રમતો માટે બે મેદાનો પણ હશે. સંકુલની અંદર 3,000 લોકોની ક્ષમતાવાળું સ્પોર્ટ્સ વિલેજ પણ બનાવવામાં આવશે

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ