Ajay Jadeja Networth, અજય જાડેજા નેટવર્થ : જામનગરના રાજવી પરિવારે થોડા દિવસો પહેલા પૂર્વ ભારતીય ક્રિકેટર અજય જાડેજાને પારિવારિક ગાદી સોંપવાની જાહેરાત કરી હતી. વર્તમાન રાજવી પરિવારના વડા જામ સાહેબ શત્રુશલ્યસિંહજી દિગ્વિજયસિંહજી જાડેજાએ રાજવી પરિવાર સાથે જોડાયેલા અજય જાડેજાને પોતાના ઉત્તરાધિકારી જાહેર કર્યા હતા. દ્વારા આ જાહેરાત કરી હતી.
આ જાહેરાત બાદ લોકો સતત તેમના વિશે ચર્ચા કરી રહ્યા છે. જામનગરના વારસદાર બન્યા બાદ તેઓ કેટલી મિલકતના માલિક બન્યા છે તે જાણવા પણ લોકોમાં ભારે ઉત્સુકતા છે.
વિરાટ કોહલી કરતા પણ વધુ ધનિક અજય જાડેજા
મીડિયા રિપોર્ટ પ્રમાણે વિરાટ કોહલીની હાલની નેટવર્થ કુલ 1000 કરોડ રૂપિયા છે. બીજી તરફ જામનગરના ઉત્તરાધિકારી જાહેર થયા બાદ અજય જાડેજાની નેટવર્થ 1455 કરોડને પાર કરી ગઈ છે. એટલે કે અજય જાડેજા કોહલી કરતા વધારે ધનવાન બની ગયા છે.
હવે સવાલ એ ઉભો થાય છે કે અજય જાડેજાને આટલી સંપત્તિ ક્યાંથી મળી? તેનો જવાબ છે તેમની પૂર્વજોની મિલકત. 53 વર્ષીય જાડેજા જામનગર રાજવી પરિવારના વંશજ છે. તેમનો જન્મ 1971માં જામનગરમાં થયો હતો. ત્યારે તેને નવાનગર તરીકે ઓળખવામાં આવતું હતું. તેમના પિતા દૌલતસિંહજી જાડેજા શત્રુશલ્યસિંહજીના પિતરાઈ ભાઈ છે. મહારાજા રણજીતસિંહજી અને દુલીપસિંહજી પણ આ પરિવારના છે. તેમના નામ પર રણજી ટ્રોફી અને દુલીપ ટ્રોફી છે.
આ પણ વાંચો – અજય જાડેજા જામસાહેબના વારસદાર બન્યા, જામનગરના રાજવી પરિવારની જાહેરાત
અજય જાડેજાના પિતા કોંગ્રેસના દિગ્ગજ નેતા હતા
અજય જાડેજાના પિતા સ્વ. દોલતસિંહ જાડેજા કોંગ્રેસના દિગ્ગજ નેતા હતા. તેઓ જામનગર સંસદીય બેઠક પર વર્ષ 1971, 1980 અને 1984માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં સાંસદ તરીકે ચૂંટાયા હતા.
જાડેજા પણ આઈપીએલમાંથી કમાય છે પૈસા
અજય જાડેજા આઈપીએલમાંથી પણ ઘણી કમાણી કરે છે. રિપોર્ટ પ્રમાણે આઈપીએલની એક સિઝનમાં તે કોમેન્ટ્રીથી લગભગ 2થી 3 કરોડ કમાય છે.
અજય જાડેજાની ક્રિકેટ કારકિર્દી
અજય જાડેજાના ક્રિકેટ કરિયરની વાત કરીએ તો તે ભારતીય ટીમ તરફથી કુલ 15 ટેસ્ટ અને 196 વન-ડે મેચ રમ્યો છે. ટેસ્ટની 24 ઇનિંગ્સમાં 26.18ની એવરેજથી 576 રન બનાવ્યા હતા. જ્યારે વન-ડેની 179 ઇનિંગમાં 37.47ની એવરેજથી 5359 રન બનાવ્યા હતા. જાડેજાના નામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 6 સદી અને 34 અડધી સદી છે.
અજય જાડેજા ફેમિલી
અજય જાડેજાના લગ્ન જયા જેટલીના પુત્રી અદિતિ જેટલી સાથે થયા છે. તેમને બે બાળકો છે. જાડેજા પોતાના અંગત જીવનને મીડિયાથી દૂર રાખે છે. જાડેજા તેમના પરિવાર સાથે સાદગીથી જીવન જીવે છે.