Sri lanka Cricket : શ્રીલંકાના 1996ના વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન અર્જુના રણતુંગાએ આરોપ મુક્યો છે કે શ્રીલંકાના ક્રિકેટની સમસ્યાઓ માટે ભારતીય ક્રિકેટ બોર્ડના સેક્રેટરી જય શાહ જવાબદાર છે. શ્રીલંકાના અખબાર ડેઈલી મિરરની યુ-ટ્યુબ ચેનલ પર મુકેલા ઈન્ટરવ્યૂમાં અર્જુન રણતુંગાએ એવો આક્ષેપ મુક્યો છે કે શ્રીલંકા ક્રિકેટ (એસએલસી)ના પદાધિકારીઓ સાથેના ગાઢ સંબંધોને કારણે આવી સ્થિતિ ઉભી કરી દીધી છે. જેના કારણે બીસીસીઆઇ સામે સમર્પણ કરી દીધું છે.
પોતાના પિતાને કારણે શક્તિશાળી છે જય શાહ : અર્જુન રણતુંગા
ડેઇલી મિરરે અર્જુન રણતુંગાના હવાલાથી લખ્યું કે જય શાહ શ્રીલંકા ક્રિકેટ ચલાવી રહ્યા છે. જય શાહના દબાણને કારણે શ્રીલંકા ક્રિકેટ (એસએલસી) બરબાદ થઈ રહ્યું છે. ભારતમાં એક વ્યક્તિ શ્રીલંકન ક્રિકેટને બર્બાદ કરી રહ્યો છે. તે માત્ર તેના પિતાને કારણે જ શક્તિશાળી છે, જે ભારતના ગૃહમંત્રી છે.
અર્જુન રણતુંગાએ દાવો કર્યો હતો કે એસએલસીના પદાધિકારીઓ અને જય શાહ વચ્ચેના સંબંધોને કારણે તેઓ (બીસીસીઆઈ) દ્વિધામાં છે કે તેઓ એસએલસીને કચડી શકે છે અને તેના પર નિયંત્રણમાં લઇ શકે છે. તમને જણાવી દઈએ કે છેલ્લા એક અઠવાડિયામાં શ્રીલંકન ક્રિકેટમાં મેદાન પર અને મેદાનની બહાર ઘણુ બધુ થઈ ગયુ છે. વર્લ્ડ કપ 2023ના પોઈન્ટ ટેબલમાં શ્રીલંકા નવમાં સ્થાને રહ્યું હતું. આઈસીસીએ 10 નવેમ્બરે શ્રીલંકા ક્રિકેટને સસ્પેન્ડ કર્યું હતું.
આનો અર્થ એ થયો કે તે 2025ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં ક્વોલિફાય થઈ શક્યું નથી. શ્રીલંકાના રમત ગમત મંત્રી રોશન રણસિંઘે એસએલસી બોર્ડને સસ્પેન્ડ કરી દીધું અને અર્જુન રણતુંગાની અધ્યક્ષતામાં વચગાળાની સમિતિની રચના કરી હતી.
શ્રીલંકાના રમતમંત્રીને પદ પરથી હટાવવામાં આવી શકે છે
હવે એવી અટકળો ચાલી રહી છે કે શ્રીલંકાના રમત મંત્રી રોશન રણસિંઘે રાજીનામું આપી દેશે કે પછી તેમને હટાવી દેવામાં આવશે. રોશન રણસિંઘે અગાઉ કહ્યું હતું કે તેમણે રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે સાથેની બેઠક દરમિયાન તેમના પદ પરથી રાજીનામું આપવાની ઓફર કરી હતી. ડેઇલી મિરરના અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે મંત્રી સંસદમાં પોતાના કાર્યાલયમાં વિપક્ષી નેતા સાજિત પ્રેમદાસા સાથે ચર્ચા કરી ચુક્યા છે.
રોશન રણસિંઘે પહેલા પણ દાવો કર્યો હતો કે તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે રાષ્ટ્રપતિ સચિવાલયમાં એક ગ્લાસ પાણી પણ નહીં પીવે, કારણ કે તેમાં ઝેર હોઈ શકે છે. રોશન રણસિંઘે એસએલસીના કહેવાતા ભ્રષ્ટ અધિકારીઓ પ્રત્યે દયા દાખવવા બદલ રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેના સલાહકાર સાગલા રત્નાયકેની પણ ટીકા કરી હતી.





