ઇટાલીના મિલાન સ્થિત એક સુપરમાર્કેટમાં સ્પેનિશ ફૂટબોલર પોલ્બો મારી સહિત ઘણા લોકો પર ચપ્પાથી હુમલો કર્યો હતો. હુમલામાં સુપરમાર્કેટના કેશિયરનું મોત થયું છે. જ્યારે ફૂટબોલર સહિત ઘણા લોકો ગંભીર રુપથી ઇજાગ્રસ્ત થયા છે. ઇટાલીના કાનૂન પ્રવર્તન એજન્સી કારબિનિએરીએ જણાવ્યું કે પોલીસે મિલાનના ઉપનગર અલાગોમાં એક શોપિંગ સેન્ટરની અંદર હુમલામાં સંદિગ્ધ 46 વર્ષના ઇટાલિયન વ્યક્તિની ધરપકડ કરી છે.
સમાચાર એજન્સી એએનએસએના મતે સુપરમાર્કેટના એક કર્મચારીનું હોસ્પિટલમાં લઇ જતા સમયે રસ્તામાં મોત થયું છે. ત્રણ અન્ય પીડિતોની હાલત ગંભીર છે. જેમાં પોલ્બો મારી પણ સામેલ છે. અત્યાર સુધી હુમલો શા માટે કરવામાં આવ્યો તે વિશે કોઇ માહિતી સામે આવી નથી.
બીસીના મતે હુમલામાં જીવ ગુમાવનાર સુપરમાર્કેટના કેશિયરની ઉંમર 30 વર્ષ હતી. પોલીસનું કહેવું છે કે જે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી તે મનોવૈજ્ઞાનિક રુપથી અસ્થિર જોવા મળી રહ્યો છે. હુમલાનો આતંકવાદ સાથે કોઇ સંબંધ જોવા મળતો નથી.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે સંદિગ્ધે સુપરમાર્કેટમાં એક ચપ્પાથી અચાનક લોકો પર હુમલો કર્યો હતો. સંદિગ્ધે જેવો હુમલો શરૂ કર્યો કે તરત શોપિંગ સેન્ટરમાં અફરાતફરી મચી ગઇ હતી. લોકો ગભરાયેલા હતા અને બહાર નીકળવાનો પ્રયત્ન કરતા હતા.
પોલ્બો મારીને સીરી એ ફૂટબોલ લીગની ક્લબ મોંજાએ આર્સેનલ પાસેથી લોન પર લીધો હતો. આર્સેનલ તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું કે મારી હોસ્પિટલમાં ભરતી છે પણ તેને વધારે ઇજા પહોંચી નથી. મોંજો ક્લબના સીઇઓ એડ્રિયાન ગૈલિયાનોએ ટ્વિટર પોસ્ટમાં ફૂટબોલરના જલ્દ સ્વસ્થ થવાની પ્રાર્થના કરી છે.
એડ્રિયાન ગૈલિયાનોએ સ્કાઇ ઇટલીને કહ્યું કે જ્યારે હુમલો થયો ત્યારે ફૂટબોલર પોલ્બો ઘટનાસ્થળ પર પત્ની અને પુત્રની સાથે હતો. તેણે પુત્રને ટ્રોલીમાં બેસાડેલો હતો. જ્યારે તેની પત્ની તેની બાજુમાં ચાલી રહી હતી. સંદિગ્ધે તેના પીઠ પર હુમલો કર્યો હતો.