Ashes 2023 Controversy : એશિઝની ઓવલ ટેસ્ટમાં 5 વર્ષ જૂના બોલના ઉપયોગને લઈને વિવાદ વધી રહ્યો છે. ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે કહ્યું કે જૂના બોલથી ઈંગ્લેન્ડને ફાયદો થયો હતો અને તેઓ જીતી ગયા હતા. આ આરોપો બાદ ડ્યુક બોલ બનાવતી કંપનીના માલિક દિલીપ જાજોડિયા પોતે આ મામલે તપાસ કરશે. તેમને લાગે છે કે આવા આરોપોથી તેમનું નામ ખરાબ થઇ રહ્યું છે.
દરેક બોલ પર લખવામાં આવે છે તારીખ
દિલીપ જાજોડિયાએ કહ્યું કે હું જાતે જ આ મામલાની તપાસ કરીશ, કારણ કે મારા પર તેની અસર થઈ રહી છે. મારા માટે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે લોકો બોલ વિશે ખોટી વાતો ન કરે. તેમણે બોલના ઉપયોગ અંગેના નિયમો સમજાવ્યા હતા. તેમણે કહ્યું કે અમે જે પણ બોલ બનાવીએ છીએ તેના પર તારીખની સ્ટેમ્પ હોય છે. તે બોલ પર 2023 લખેલું હશે. અમે ગ્રાઉન્ડને બોલ આપીએ છીએ. તેના પર ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ (ઇસીબી) અને આઇસીસીનો કોઈ કંટ્રોલ ન હતો. આ બધું ગ્રાઉન્ડ ઓથોરિટીનું કામ છે. ઓવલ ટેસ્ટમાં આ સરેનું કામ છે.
આ પણ વાંચો – આયર્લેન્ડ પ્રવાસ માટે જસપ્રીત બુમરાહ ટીમ ઇન્ડિયાનો કેપ્ટન, આ યુવા ખેલાડીઓને મળ્યું સ્થાન
તારીખને હટાવી દેવી આસાન નથી
તેમણે જણાવ્યું કે સરેને સિઝનની શરૂઆત પહેલા અમારી પાસેથી બોલની સપ્લાય મળે છે, જે પછી તેઓ તેના પર નોકિંગ કરે છે. મને નથી લાગતું કે કોઇ જૂની તારીખનો બોલ બોક્સમાં રાખશે. બોલ પર તારીખ સારી રીતે લખવામાં આવી છે ગોલ્ડ કલર નીકળી જાય તો પણ તારીખ મિટાતી નથી. તારીખને હટાવી દેવી આસાન નથી. હું એમ નથી કહેતો કે તે અશક્ય છે પરંતુ તે ખૂબ જ અસંભવિત છે.
રિકી પોન્ટિંગે તપાસની માંગ કરી
ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે પાંચમા દિવસની આખરી પળોમાં બોલ બદલવાની ઈંગ્લેન્ડની યોજના સામે સવાલ ઉઠાવ્યા હતા અને તત્કાળ તપાસની માગ કરી હતી. જોકે આઇસીસીએ તેમના દાવાને ફગાવી દીધો હતો. ઉસ્માન ખ્વાજાએ પણ બોલ અંગે સવાલો ઉઠાવ્યા હતા અને તેની તપાસ કરવાની વાત કહી હતી.
પાંચમી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાનો થયો હતો પરાજય
પાંચમી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને 384 રનનો પડકાર મળ્યો હતો. જેના જવાબમાં ચોથા દિવસના અંતે ઓસ્ટ્રેલિયાએ 38 ઓવરમાં વિના વિકેટે 135 રન બનાવી હતી. પાંચમા અને અંતિમ દિવસે ઓસ્ટ્રેલિયાને જીત માટે 249 રનની જરૂર હતી. જોકે પાંચમાં દિવસે 42મી ઓવરમાં ડેવિડ વોર્નર અને 44મી ઓવરમાં ઉસ્માન ખ્વાજા આઉટ થયા હતા. વોર્નર 60 અને ખ્વાજા 72 રને ફાસ્ટ બોલર ક્રિસ વોકેસનો શિકાર બન્યા હતા. માર્નસ લાબુશેન 49મી ઓવરમાં માર્ક વુડની બોલ પર બીજી સ્લિપમાં કેચ આઉટ થયો હતો જે સ્વિંગ થઈ ગયો હતો. ઓસ્ટ્રેલિયા 334 રનમાં ઓલઆઉટ થતાં ઇંગ્લેન્ડે 49 રને જીત મેળવી શ્રેણી 2-2ની બરાબરી કરી હતી.





